વડોદરા : RTOમાં ટેસ્ટ ટ્રેક સેન્સરના વાયર ખિસકોલી કાતરી ગઇ

0
14

વડોદરા: વડોદરા આરટીઓમાં ગુરુવારે ટેસ્ટ ટ્રેક બંધ રહેતાં ટુ વ્હીલર અને ફોર વ્હીલરનો ટેસ્ટ આપવા આવેલા 450 લોકો કલાકોની રાહ જોઇ પરત ગયા હતા. ટેસ્ટ ટ્રેકના સેન્સરના વાયરો ખિસકોલી કાતરી જતાં સમસ્યા ઉભી થઇ હતી. નાગરિકોને આખરે પરત મોકલાયા હતા.

આરટીઓમાં ગુરુવાર નાગરિકો માટે મુશ્કેલીનો દિવસ રહ્યો હતો. એક બાજુ ટેસ્ટ ટ્રેક ખોટકાતાં નાગરિકો કલાકો સુધી રાહ જોઇને એક તબક્કે નીચે બેસી ગયા હતા. અધિકારીઓ દ્વારા કલાકો સુધી રિપેરિંગ કરી ટ્રેક ચાલુ કરવા પ્રયાસ કરાયો, પરંતુ ટ્રેક ચાલુ થઇ શક્યો ન હતો. સૈાથી મોટી સમસ્યા આગામી ત્રણ દિવસ રજા હોવાથી જે લોકોને ટેસ્ટ માટે છેલ્લો દિવસ હતો તે લોકોની હતી. જે અંગે આરટીઓ અધિકારીએ યોગ્ય ઉકેલ લેવાનું જણાવી લોકોને શાંત કર્યા હતા.
સર્વર સ્લો થતાં અન્ય કામગીરી ન થતાં લોકો પરેશાન થયાં

આરટીઓમાં સવારે એક કલાક ચાલ્યા બાદ સર્વર સ્લો થતાં નાગરિકો હેરાન થયા હતા. સર્વર સ્લો થતાં અન્ય કામગીરી પણ થઇ શકી નહોતી. રિન્યુ અને ડોક્યુમેન્ટ અપલોડ જેવી કામગીરી પણ અટવાઇ હતી. આ અંગે આરટીઓ આવેલા 300 લોકોને પરત જવું પડ્યું હતું.

OSDનું આશ્વાસન પોકળ નીકળ્યું

રાજ્યના આરટીઓમાં કાર્ડ દ્વારા પેમેન્ટ થઇ શકતું નથી. જે અંગે ટ્રાન્સપોર્ટ વિભાગના ઓએસડી દ્વારા બુધવારે બપોર સુધીમાં પેમેન્ટનો પ્રશ્ન ઉકેલાશે તેમ આશ્વાસન અપાયું હતું. પરંતુ ગુરુવારે પણ પ્રશ્ન યથાવત્ રહ્યો હતો અને કેશથી પૈસા ભરવાપડતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here