રાજ્યમાં સૌથી મહત્વના ડ્રીમ પ્રોજેક્ટ એવા અમદાવાદથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધીની કામગીરી અંતિમ ચરણમાં પહોંચી રહી છે. આ માટે ગાંધીનગરના 32 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા આઈકોનિક મોડલ રોડના રૂટ પર મેટ્રો ટ્રેનની પ્રી-ટ્રાયલ શરૂ કરી દેવાઇ છે. તેમજ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે.
આજે અમદાવાદ ગાંધીનગર મેટ્રો ટ્રેનના ટ્રાયલ પહેલા ટેસ્ટિંગ શરૂ થઈ છે. જેમાં રાયસણ થી કોબા સ્ટેશન વચ્ચેના રૂટ પર મેટ્રો ટ્રેનની પ્રિ ટ્રાયલ રન લેવામાં આવી હતી. તેમજ ટ્રેનની ટ્રાયલ રન આગામી માર્ચ-એપ્રિલ મહિનામાં કરવાની જાહેરાતો કરવામાં આવી શકે છે.
તેમજ કોબા-રાયસણ રૂટ ઉપર પ્રિ ટ્રાયલ રન લેવામાં આવતા નજીકમાં દિવસોમાં જ ગાંધીનગરના લોકોની આતુરતાનો અંત આવી શકે છે. હાલમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 સુધી મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન આગામી માર્ચ-એપ્રિલ મહિનામાં કરવામાં આવનાર હોવાની શક્યતા છે.
મેટ્રો રેલના ફેઝ-ટુ અંતર્ગત સાબરમતી મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનું આયોજન છે. જેના ભાગરૂપે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ ઝડપી કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2 (મોટેરાથી ગાંધીનગર)ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ગિફ્ટ સિટી પાસે શાહપુર બ્રિજના 23 સ્પાનની કામગીરી પૂર્ણતાના આરે છે.
મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 (ચ-2 સ્ટેશન) અને ગિફ્ટસિટીના 20 કિલોમીટર રૂટની કામગીરીને આખરી ઓપ આપવા તડામાર તૈયારી ચાલી રહી છે. આગામી લોકસભા ચૂંટણી પહેલાં ગાંધીનગર સુધી મેટ્રો રેલ દોડતી થઇ જાય તે પ્રકારનું આયોજન થઈ રહ્યું છે. જેને લઈને રાત-દિવસ કામગીરી કરવામાં આવી રહી છે. જેના સાથે જ નજીકના દિવસમાં ગાંધીનગરની આતુરતાનો અંત આવી જવાનો છે.