સુરત : સારોલીમાં ટેક્સટાઈલ માર્કેટ ઓડ-ઈવન સિસ્ટમથી ખુલી, નામ-સરનામાની એન્ટ્રી સાથે માર્કેટમાં પ્રવેશ અપાયો

0
0

સુરત. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટેક્સટાઈલ માર્કેટ ખોલવા અંગે જાહેરાત કરી હતી. ત્યારબાદ પાલિકા અને ઉદ્યોગકારો વચ્ચે બેઠક થઈ હતી. જેમાં નોન કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવેલી ટેક્સટાઈલ માર્કેટને ઓડ-ઈવન સિસ્ટનથી ખોલવા નિર્ણય કરાયો હતો. જેથી આજે સવારથી સારોલી વિસ્તારમાં આવેલી ટેક્સટાઈલ માર્કેટ શરૂ થઈ છે. જેમાં નામ-સરનામાની એન્ટ્રી સાથે વેપારીઓને માર્કેટમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવેલા 145 માર્કેટ બંધ

રિંગરોડ ટેક્સટાઈલ માર્કેટ વિસ્તાર 85 ટકા ભાગ કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં આવતો હોવાથી તા.31મી મે સુધી માર્કેટ નહીં ખોલવાનો નિર્ણય કરાયો છે. રિંગરોડ અને સારોલી સ્થિતિ આવેલી ટેક્સટાઈલ માર્કેટો પૈકી હાલના તબક્કે સારોલીની ટેક્સટાઈલ માર્કેટો શરૂ થઈ શકે તેમ છે. આ અંગે ફોસ્ટા પ્રમુખ મનોજ અગ્રવાલ જણાવે છે કે, 145 માર્કેટો રિંગરોડ વિસ્તારમાં છે, જેને માનદરવાજા, લિંબાયત અને સલાબતપુરા સહિતના ક્વોરન્ટીન વિસ્તાર લાગે છે. આવા સંજોગોમાં ટેક્સટાઈલ માર્કેટ કાર્યરત થઈ શકે નહીં. તા.31 મે સુધી માર્કેટો નહીં ખોલવા નિર્ણય કરાયો છે. જ્યારે સારોલી માર્કેટને ઓડ-ઈવન સિસ્ટમથી આજથી ખોલવામાં આવી છે.

માર્કેટમાં લિફ્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર સર્કલ બનાવાયા

પાલિકા અને ઉદ્યોગકારોવ વચ્ચે મળેલી બેઠક બાદ લેવાયેલા નિર્ણયને પગલે આજે સારોલી ખાતે આવેલી ટેક્સટાઈલ માર્કેટ ઓડ-ઈવન સિસ્ટમથી ખુલી છે. સારોલીમાં 8 માર્કેટ કાર્યરત છે. હાલ 5 જેટલી માર્કેટ આજથી શરૂ થઈ છે. જેથી 57 દિવસ પછી માર્કેટ ધમધમતું થયું છે. જેમાં સેનિટાઇઝિંગ બૂથ, થર્મલ સ્ક્રીનિંગની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી લોકોને આવવા ન દેવાના હોવાથી માર્કેટમાં આવતા લોકોને નામ-સરનામાની એન્ટ્રી બાદ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. માર્કેટમાં લિફ્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર સોશિયલ ડિસ્ટન્સ માટે સર્કલ બનાવવમાં આવ્યા છે.

કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી માર્કેટમાં કોઈ આવશે તો પાલિકા અને પોલીસને જાણ કરાશે

સારોલી માર્કેટના વેપારી નરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે, સારોલી વિસ્તાર ગ્રીન ઝોનમાં આવે છે. પાલિકામાં લેવાયેલા નિર્ણય પ્રમાણે માર્કેટ ઓડ-ઈવન સિસ્ટમથી સવારે 8 વાગ્યા થી દુકાનો ખોલવામાં આવી છે. ધીમે ધીમે વેપારીઓ આવી રહ્યા છે અને દુકાનોની સાફ સફાઈ હાથ ધરી છે. આવનારા બે દિવસમાં વેપાર ચાલું થઈ જશે તેવી શક્યતા છે. બનાવવામાં આવેલા નિયમોનું પાલન કરાઈ રહ્યું છે. કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી કોઈ વેપારી અને કારીગર ન આવે તે માટે રજિસ્ટર મેનટેઈન કરી રહ્યા છીએ. અત્યાર સુધી આવું કોઈ આવ્યું નથી. જો આવું કોઈ આવશે તો પાલિકા અને પોલીસને જાણ કરવામાં આવશે.

માર્કેટમાં ક્યાં નિયમોનું પાલન કરવાનું રહેશે

  • માસ્ક પહેરવું ફરજિયાત છે. માસ્ક ન પહેરનાર પાસેથી 200નો દંડ લેવામાં આવશે
  • માર્કેટમાં પ્રવેશવા માટે માત્ર મેઈન ગેટનો જ ઉપયોગ કરવાનો રહેશે
  • માર્કેટમાં અથવા માર્કેટની બહાર ચાર વ્યક્તિથી વધારે લોકોએ ભેગા થવાની સખ્ત મનાઈ છે
  • માર્કેટ તથા લિફટમાં પ્રવેશ કરવા માટે માર્કેટની બહાર તથા લિફ્ટ બહાર કરેલા સર્કલનો જ ઉપયોગ કરવાનો રહેશે
  • માર્કેટમાં દુકાનો એડ અને ઈવન સિકવલમાં ખોલવાની રહેશે
  • માર્કેટનો સમય સવારે 8થી સાંજના 4 સુધીનો રહેશે. 4 વાગ્યા પછી દુકાન ખુલી હશે તો તેની જવાબદારી દુકાન માલિક તથા વેપારીને રહેશે
  • માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું ફરજિયાત છે
  • માર્કેટમાં પાન-માવા ખાઈને થૂંકવાની સખ્ત મનાઈ છે. થૂંકતા પકડાશો તો કાનુની કાર્યવાહી હાથ ધરાશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here