મહેસાણા : પિલ્લરની 3 ગડરના સ્પાનમાં બેરિંગ તૂટતાં મહેસાણા બાયપાસ પર ખારી નદીના બ્રિજનો 25 મીટરનો ભાગ એક ફૂટ બેસી ગયો

0
31

મહેસાણા: મહેસાણા બાયપાસ ઉપર સુવિધા સર્કલથી પોદાર સ્કૂલની વચ્ચે ખારી નદી ઉપર 6 વર્ષ અગાઉ રૂ.7.50 કરોડના ખર્ચે બનેલા 110 મીટર લાંબા ઓવરબ્રિજના 4 પિલ્લર પૈકી અમદાવાદ તરફના પિલ્લરની 3 ગડરના સ્પાનના બેરિંગ તૂટતાં 25 મીટર જેટલો ભાગ એક ફૂટ જેટલો બેસી ગયો હતો. બ્રિજની ત્રણે ગડરની બંને બાજુની સાઇડમાં આરસીસીનાં પોપડાં ખરી પડતાં લોખંડની એંગલોનું પીંજરું બહાર આવી ગયું હતું અને બ્રિજ પરથી ખરી પડેલો કાટમાળ 3થી વધુ ટ્રેકટરો મારફતે ખસેડાયો હતો.

વાહનોને ડાયવર્ઝન અપાયું હતું. શુક્રવારે સવારે 7.30 વાગે પુલનું આખુ સ્ટ્રક્ચર બેસી ગયું હોવાનું ધ્યાને આવતાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ બ્રિજ પર દોડી ગયા હતા. માર્ગ અને મકાન વિભાગના કહેવા મુજબ, હાલના તબક્કે 3 ગડરમાં સ્પાનના બેરિંગ તૂટી જતાં સ્ટ્રકચર નીચે આવી ગયું છે. ગાંધીનગરની ડિઝાઇન શાખાના અભિપ્રાય બાદ બ્રિજનું સમારકામ કરી શકાશે.બ્રિજમાં થયેલું નુકસાન જોતાં સમારકામમાં બે મહિના થઇ શકે છે. હાલ ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાને લઇ બ્રિજ નીચે એક હિટાચી અને 6 જેસીબીથી રસ્તો સમતળ અને ખુલ્લો કરી ટ્રાફિક વ્યવસ્થા ઉભી કરાઇ છે.

ગડરમાં ક્રોંકિટ અને સ્ટીલનું પ્રમાણ ઓછું
દિવ્ય ભાસ્કરે ઇજનેર પાસે બનાવ સ્થળની વિઝિટ કરાવી બ્રિજ બેસી જવા પાછળનું કારણ જાણવા પ્રયાસ કર્યો. જેમાં પ્રાથમિક તપાસમાં જણાવ્યું કે, બેરિંગ રબરની હોઇ તેમાં મોટું નુકસાન નથી, પરંતુ ગડરમાંથી ક્રોંકિટ અને સ્ટીલ બહાર નીકળી ગયેલું સ્પષ્ટ દેખાય છે. ઓવરલોડિંગ પસાર થયું હોય તો આ ઘટના બની શકે અને બીજું ગડરમાં રીકવાયર મુજબનું ક્રોંકિટ અને સ્ટીલ ના ભર્યું હોય ત્યારે આવું બની શકે. ખરેખર આરસીસીની ગડર તૂટવી ના જોઇએ, પરંતુ તેની ડિઝાઇન અને ક્વોલિટી યોગ્ય ના હોય તો બ્રિજ બેસી શકે છે.

બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર, કોન્ટ્રાકટર અને ઇજનેર સામે કાયદેસર કાર્યવાહી કરોે
હલકી ગુણવત્તાનું મટિરિયલ અને ભ્રષ્ટાચારને કારણે બ્રિજ બન્યાના માત્ર 6 વર્ષમાં બેસી ગયો છે. આ બ્રિજ જ નહીં બાયપાસને ભ્રષ્ટાચારી માર્ગ નામ આપવું જોઇએ. બ્રિજ બનાવનાર કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરી કોન્ટ્રાકટર અને ઇજનેર સામે પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. ના.મુખ્યમંત્રીના વિભાગનો આ બનાવ છે. – ભરતજી ઠાકોર, ધારાસભ્ય

અતિ ભારે વાહન પસાર થવાના કારણે બ્રિજ નમી ગયાનું પ્રાથમિક તબક્કે લાગે છે
6 વર્ષ અગાઉ બનેલા આ બ્રિજ પરથી અત્યાર સુધીમાં લાખો વાહનો પસાર થઇ ચૂક્યા છે. હાલમાં અહીં બ્રિજ ઉપર નવેસરથી કામગીરી હાથ ધરાશે. અહીં અતિ ભારે વાહન પસાર થવાના કારણે બ્રિજ નમી ગયો હોવાનું પ્રાથમિક રીતે કહી શકાય. આ સંબંધે ઇજનેરો દ્વારા પ્રાથમિક રિપોર્ટ આપ્યા બાદ આગળ નિર્ણય લઇ શકાય. – નીતિન પટેલ, નાયબ મુખ્યમંત્રી

રાત્રે સાહેબને મુકવા જઇ રહ્યો હતો ત્યારે બ્રિજ નમેલો હતો : વિક્રમભાઇ ચૌધરી
ખાનગી કંપનીમાં ગાડી ચલાવતા વિક્રમ ચૌધરીએ કહ્યું કે, ગુરુવારે રાત્રે 8 વાગે સાહેબને ગાડી લઇને મુકવા જઇ રહ્યો હતો, ત્યારે બ્રિજ નમેલો હતો. નિચાણમાંથી ગાડી પસાર થતાં સાહેબે પૂછ્યું કે, ગાડી કેમ નીચે દબાઇ. ત્યારે મેં કહ્યું કે, બ્રિજ જ આવો છે.

વાહનોના ડેટા એકઠા કરાશે
મેવડ અને અડાલજ ટોલનાકા પર બે દિવસ દરમિયાન પસાર થયેલા હેવી વાહનો સંબંધે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવા તંત્રે તજવીજ કરી હતી.21 ડિસેમ્બરથી 23 જાન્યુઆરી સુધીના હેવી વાહનો અંગેના ડેટા મગાવ્યા છે.

ગાંધીનગરની ટીમ પહોંચી
ઘટના બાદ બપોરે દોડી આવેલા નેશનલ હાઇવેના કાર્યપાલક ઇજનેર રાજપૂત, ઇજનેર સી.આર. મહેતા, ગાંધીનગર ડિઝાઇન શાખાની ટીમે બ્રિજનું નિરીક્ષણ કર્યુ હતું. કારણ અંગે નિશ્ચિત તારણ પર પહોંચ્યા બાદ સરકારમાં રિપોર્ટ કરશે.

માથેથી ખભે: બ્રિજની નિભાવણી માટે નેશનલ હાઇવે ઓથોરિટીને સોંપાયો છે
આ બ્રિજ વર્ષ 2013-14માં રણજીત બિલ્ડકોને બનાવ્યો હતો, ત્યાર પછી પુલનું નિરીક્ષણ થયું નથી. બ્રિજની નિભાવણીની જવાબદારી નેશનલ હાઇવે ઓથોરિટીની હોવાનું કહી માર્ગ-મકાન વિભાગે હાથ ઉંચા કર્યા છે. નેશનલ હાઇવે ઓથોરિટીના આ.ઇજનેર મહેતાએ કહ્યું કે,માર્ગ-મકાન વિભાગે બે મહિના પહેલાં જ આ બ્રિજ અમને સોંપ્યો છે. હાલ કોઇની બેદરકારી નક્કી કરી શકાય નહીં. ઓવરલોડ વાહનો પસાર થવાના કારણે બ્રિજ નીચે બેઠો હોઇ શકે.

કયા કારણે પુલ બેઠો તેનો ખ્યાલ નથી : કા.ઇજનેર
માત્ર 6 વર્ષના ગાળામાં બ્રિજ બેસી જવાની ઘટનામાં કાર્યપાલક ઇજનેર બી.એસ. પટેલે કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના મુદ્દે બોલવાનું ટાળી જણાવ્યું કે, કયા કારણસર પુલ બેઠો છે તેનો ખ્યાલ નથી. જાણ થતાં ડાઇવર્ઝનની કામગીરી શરૂ કરાવી છે.

નવરાત્રી સમયે લોખંડના પાટા ખુલી ગયા’ તા
અગાઉ નવરાત્રી સમયે પડેલા વરસાદમાં બ્રિજનો કેટલોક ભાગ ધોવાતાં અંદરથી લોખંડના પાટા ખુલી ગયા હતા અને અવર જવર દરમિયાન વાહનો જમ્પ મારતા હોઇ અકસ્માતની શક્યતા સંબંધે દિવ્ય ભાસ્કરે પ્રસિદ્ધ કરેલા સમાચારને પગલે માર્ગ – મકાન વિભાગે માત્ર થીગડાં મારીને ચલાવી લીધું હતું.