25 વર્ષીય પરિણીતા ચાર વર્ષના બાળક સાથે પતિને છોડીને 18 વર્ષીય પ્રેમીના ઘરે પહોંચી

0
0

પ્રેમ આંધળો હોય છેે એવી લોક કહેવતને સાર્થક કરતી ઘટના તાજેતરમાં વિદ્યાનગરમાં બની છે, જેમાં વિદ્યાનગરમાં રહેતા 18 વર્ષીય યુવકને બંગાળથી મળવા તેની 25 વર્ષીય પરિણીત પ્રેમિકા આવી પહોંચી હતી અને સમગ્ર ઘટનાને પગલે ભારે હોબાળો મચ્યો હતો. રસપ્રદ બાબત તો એ છે કે બંગાળથી આવી પહોંચેલી યુવતીએ યુવક સાથે રહેવાની જીદ પકડતાં જ ઘરમાંના એક સભ્યે 181ની મદદ લીધી હતી, જેને પગલે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.

બે વર્ષથી યુવકના પ્રેમમાં હતી
આ અંગે વાત કરતાં અભયમના કાઉન્સેલર કૈલાસબેને જણાવ્યું હતું કે ત્રાહિત વ્યક્તિનો કોલ આવતાં જ અમે લોકો તરત સ્થળ પર પહોંચી ગયા હતા. જોકે ત્યાં પહોંચ્યા ત્યારે જાણ થઈ કે યુવતી બંગાળી હતી અને તે યુવક સાથે રહેવા માગતી હતી. દરમિયાન તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું ત્યારે જાણ થઈ કે તેણી સોશિયલ મીડિયા અને એક મોબાઈલ ગેમ દ્વારા યુવક સાથે બે વર્ષ અગાઉ પરિચયમાં આવી હતી. બાદમાં પરિચય પ્રેમમાં પરિણમ્યો હતો. યુવતી પરણેલી છે અને તેને ચાર વર્ષનું બાળક છે. તેનો પતિ વેપારી છે.

પરિવારજનોએ સંબંધને નામંજૂર કર્યો
યુવકના કહેવા પર તે તેને મળવા માટે આવી પહોંચી હતી. હવે તેને તેના ઘરે જવું નથી અને યુવક સાથે જ રહેવું છે એવી જીદ પકડી હતી. જોકે યુવક લગ્નની કાયદાકીય ઉંમર ધરાવતો ન હોય અને પરિવારજનોને પણ આ સંબંધ મંજૂર ન હોઈ તેમણે અભયમની મદદ માગી હતી, જેને પગલે તેને સમજાવીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી હતી. બીજી તરફ, તેના પતિને પણ આ અંગેની જાણ કરી તેને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

પતિ હેરાન કરતો હોવાનું તેમજ મા-બાપ ન હોવાનું પ્રેમિકા સતત રટણ કરતી હતી
અભયમ 181ની ટીમ પહોંચી ત્યારે તેમણે તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. શરૂમાં તે જુઠ્ઠું બોલી હતી. તેણે અભયમ ટીમને જણાવ્યું હતું કે તેનો પતિ હેરાન કરતો હતો તેમજ તેનાં મા-બાપ ન હોવાનું જણાવ્યું હતું. બાદમાં ધીમે-ધીમે વાતો કરી તેને વિશ્વાસમાં લેતાં તે પરિણીત હોઈ અને ચાર વર્ષના બાળકની માતા હોવાનું જણાવ્યું હતું.

સ્માર્ટફોનમાં એપ્લિકેશન ઈન્સ્ટોલ કરી મદદ મેળવી શકાય
હવે સ્માર્ટફોનમાં પણ એપ્લિકેશન આવી ગઈ છે. ગૂગલ પ્લેમાં 181 Abhayam women helpline એપ્લિકેશન મળી જશે. દરેક મહિલાએ આ એપ્લિકેશનને પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી તેના પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, જેમાં તમારો તેમજ ઈમર્જન્સીમાં ઘરના સભ્યના ફોન નંબર લખવાનો રહેશે, જેને પગલે જરૂરિયાતના સમયે મદદ મેળવી શકાય.

યુવકે જ પ્રેમિકાને રેલવેનું રિઝર્વેશન કરી આપ્યું હતું
સોશિયલ મીડિયા થકી પરિચયમાં આવેલા સગીરે પ્રેમિકાને તે મળવા આવે તો જ વાત કરશે તેવી શરત રાખી હતી. શરત પર પ્રેમિકા પણ મળવા આવવા તૈયાર થઈ ગઈ હતી અને યુવકે રેલવેનુું રિઝર્વેશન કરી આપતાં તે ટ્રેનમાં બેસીને ગુજરાત, આણંદ આવી પહોંચી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here