ઇંગ્લેન્ડ : બે પ્રોસ્થેટિક પગથી 10 કિમી ચાલીને 5 વર્ષના બાળકે NHS માટે 9 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કર્યું

0
1
  • ટોનીએ જન્મતા જ બે પગ ગુમાવ્યા હતા, હજુ થોડા અઠવાડિયાં પહેલાં તે પ્રોસ્થેટિક પગથી ચાલતા શીખ્યો
  • એવલિના લંડન ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં જન્મ થયો અને તે જ હોસ્પિટલ માટે ફંડ ભેગું કર્યું
  • ટોનીએ 42 હજાર રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો હતો
  • 100 વર્ષીય કેપ્ટન ટોમમાંથી ટોનીને ફંડ ભેગું કરવાની પ્રેરણા મળી

લંડન. કોરોના ટાઈમમાં ઇંગ્લેન્ડમાં ઘણા લોકોએ NHS એટલે કે નેશનલ હેલ્થ સર્વિસ માટે કરોડો રૂપિયાનું ફંડ ઉઘરાવ્યું છે. આ લિસ્ટમાં 5 વર્ષનો ટોની હદગેલ પણ સામેલ થઇ ગયો છે. ટોનીએ બે પ્રોસ્થેટિક પગથી 10 કિમી ચાલીને 9 કરોડ રૂપિયાનું ફંડ NHS માટે ભેગું કર્યું. ટોનીનો જન્મ લંડનમાં આવેલી એવલિના લંડન ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં થયો હતો. આ હોસ્પિટલે જ ટોનીઓ જીવ બચાવ્યો અને ટોનીએ તે જ હોસ્પિટલને 9 કરોડ રૂપિયાની મદદ કરી.

ટોની વેસ્ટ મોલિંગ શહેરમાં તેના માતા-પિતા સાથે રહે છે. જન્મતાની સાથે જ પગ ગુમાવી દેતા તે પ્રોસ્થેટિક પગની મદદથી ચાલતા શીખ્યો. તેણે જૂન મહિનામાં 500 યુરો એટલે કે 42 હજાર રૂપિયાના ફંડનો ટાર્ગેટ રાખ્યો હતો, પણ બુધવાર સુધીમાં તેણે ઓનલાઈન ફંડરેઝિંગ પેજ પર 9 કરોડ રૂપિયા ભેગા થઇ ગયા છે. મંગળવારે ટોનીએ 10 કિમીનું અંતર પૂરું કર્યું છે. ટોનીની મમ્મી પોલાએ મીડિયાને કહ્યું કે, ટોનીનું આ કામ મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કારણ કે હજુ થોડા અઠવાડિયાં પહેલાં જ તે પ્રોસ્થેટિક પગ સાથે ચાલવાનું શીખ્યો હતો. તે ઘણો સ્ટ્રોંગ છે અને અમને તેના પર ગર્વ છે.

ઇંગ્લેન્ડના 100 વર્ષીય કેપ્ટન ટોમ અનેક લોકો માટે પ્રેરણા બન્યા છે. તેમણે 100 પગલાં ગાર્ડનમાં ચાલીને 40 મિલિયન ડોલરનું ફંડ નેશનલ હેલ્થ સર્વિસ માટે ભેગું કર્યું હતું. ટોનીએ પણ કેપ્ટન ટોમમાંથી પ્રેરણા લઇને ચેલેન્જ સ્વીકાર્યું હતું. દેશભરમાંથી ટોનીને અનેક ફેમસ સેલિબ્રિટી, ફૂટબોલર અને પૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરૂનનો સાથ મળ્યો.

ટોની માટે એવલિના લંડન ચિલ્ડ્રન્સ હોસ્પિટલ તેના બીજા ‘ઘર’ સમાન છે, આથી તેણે આ જ હોસ્પિટલને મદદ કરવાનું નક્કી કર્યું હતું. હોસ્પિટલના  ફંડરેઝિંગ ડિપાર્ટમેન્ટના એસોસિયેટ ડિરેક્ટર કેરોલિન ગોર્મલીએ કહ્યું કે, પોલા અમને રેગ્યુલર અપડેટ આપતી રહેતી હતી અને આ ફંડથી અમને ખુશીની સાથે નવાઈ પણ લાગી છે. આખી હોસ્પિટલને ટોની પર ગર્વ છે.