ગાંધીનગર : કોરોનાને નાબૂદ કરવા દરેક ઘરે તપાસનો 7મો રાઉન્ડ શરૂ કરાયો, આરોગ્યની ટીમના તમામ કર્મીઓની તપાસ થશે

0
15

ગાંધીનગર. કોરોના મહામારીને અટકાવવા ગાંધીનગર જિલ્લાના તમામ ઘરને આવરી લેતા 7માં રાઉન્ડનો હાઉસ ટુ હાઉસ સરવે શરૂ કરાયો છે. તેમાં ગ્રામ્ય વિસ્તારમાં 29 સામાન્ય બિમાર વ્યક્તિ જોવા મળ્યા હતાં. ઉપરાંત જિલ્લાના હોટ સ્પોટ જાહેર કરેલા વિસ્તાર વેડા, મંડાલી, ચડાસણા, પેથાપુર અને ખોરજ ગામના મળી કુલ હોટ વિસ્તારમાં 5997 વ્યક્તિની તપાસ માટે 24 આરોગ્યની ટીમને કામે લગાડાઇ હતી. જિલ્લામાં અલગ અલગ જગ્યાએ કુલ 18 કવોરન્ટાઇન ફેસીલીટીમાં 1115 બેડની વ્યવસ્થા કરાઈ છે. જેમાં પ્રેક્ષાભારતી ખાતે 9 અને હોટલ નટરાજમાં પોઝિટીવ દર્દીના સંપર્કમાં આવેલા 15 વ્યક્તિને કવોરન્ટાઇન હેઠળ રખાયા છે.

ગાંધીનગર જિલ્લામાં 11 પેસેન્જર હોમ ક્વોરન્ટાઇન અને 1 પેસેન્જર ફેસીલીટી ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. આજદિન સુધી 709 પેસેન્જર આવ્યા છે. જેમાંથી 515ને 14 દિવસ પૂર્ણ થતાં અને 182 અન્ય જિલ્લા અને રાજયના હોઇ રિફર કરવામાં આવ્યા છે, તેવું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મનુભાઇ સોંલકીએ જણાવ્યું છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 29 સેમ્પલ લેવામાં આવ્યા હતો જે પૈકી 28 નેગેટીવ અને 1 પોઝિટીવ રિપોર્ટ આવ્યો હતો. આ સહિત કુલ 3 પોઝિટીવ દર્દી છે.

કન્ટેઇનમેન્ટ ઝોનના 8 સેક્ટરમાં સરવે પૂર્ણ કરાયો

પાટનગરમાં સેક્ટર 29-23ના કન્ટેઇનમેન્ટ ઝોન તથા બન્ને સેક્ટર ફરતે 5 કિલોમીટર વિસ્તારને આવરી લેતા બફર ઝોનમાં આવતાં સેક્ટર 15, 16, 17, 21, 22, 24, 27, 28 અને 30માં 12, 280 ઘર પર કુલ 32 ટીમમાં રહેલા આરોગ્ય કર્મચારી પહોંચ્યા હતાં અને 42, 386 વ્યક્તિનો સરવે પૂર્ણ કરવામાં આવ્યાનું ડીએમસી પ્રિતેશ દવેએ જણાવ્યું હતું.

હેલ્પલાઇન મારફત 2143 વ્યક્તિને માર્ગદર્શન અપાયું

કોરોના વાઇરસ સંબંધમાં ઉઠતા પ્રશ્નોના નિરાકરણ માટે મહાપાલિકાના કંટ્રોલરૂમ પર શરૂ કરાયેલી હેલ્પ લાઇન પર આજ સુદીમાં 2143 વ્યક્તિના ફોન આવ્યા હતાં. તેમને માર્ગદર્શન આપવા ઉપરાંત જરૂરત હોય તેમને ભોજન અને રાશનની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.

કોરોનાની કામગીરી કરનાર જિલ્લાના તમામ કર્મીઓના આરોગ્યની તપાસ થશે

ડોર ટુ ડોર સર્વેની કામગીરી હોય કે સેલ્ટર હોમમાં આશ્રિતોની કાળજી રાખવાની કામગીરી કે સેનેટાઇઝેશનની આરોગ્ય, ફાયર બ્રિગ્રેડ, પોલીસ, શિક્ષકો, તલાટીઓ, આશાવર્કરો, આંગણવાડીના કાર્યકરો, વન વિભાગ, ખેતીવાડી, મહેસુલ વિભાગ, આરટીઓ વિભાગ સહિતના કર્મચારીઓ કોરોનાની કામગીરી કરી રહ્યા છે. કોરોનાની કામગીરી કરી રહેલા કર્મચારીઓના આરોગ્યની ચકાસણી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરાશે.

લોકડાઉન થકી કોરોનાના વાયરસનું સંક્રમણને અટકાવવાનો પ્રયાસ કરી રાજ્ય સરકાર કરી રહ્યું છે. ત્યારે લોકડાઉનની ચુસ્ત અમલવારી કરાવવા માટે જિલ્લા પોલીસ જવાનો રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી બજાવી રહ્યા છે. જ્યારે કોરોનાની મહામારી સાથે સીધી રીતે જોડાયેલા આરોગ્ય વિભાગના કર્મચારીઓ, કોરોનાને પગલે હાલમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી આરોગ્યના પેરામેડિકલ સ્ટાફ, આંગણવાડીના કાર્યકરો, આશાવર્કરો, શિક્ષકો, તલાટી કમ મંત્રીઓ, ગ્રામ મિત્રો કામગીરી કરી રહ્યા છે. પરપ્રાંતના આશ્રિતોને રાખવા માટે ઉભા કરાયેલા સેલ્ટર હોમમાં તેમજ કોરોનાના દર્દીની સાથે સંપર્કમાં આવેલા લોકોને હોમ ક્વોરોન્ટાઇન કરવા માટે ખાસ વ્યવસ્થા કરી છે. તેમાં કામ કરતા આરટીઓ, તાલુકા અને જિલ્લા પંચાયતના કર્મચારીઓ, નગરપાલિકા અને મહાનગરપાલિકાના કર્મચારીઓ, ડોર ટુ ડોર કચરાને ઉપાડનારા તેમજ જાહેર રસ્તાની સફાઇ કરતા કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે. લોકોને જીવન જરૂરીયાત ચીજવસ્તુઓ જેવી કે શાકભાજી, દૂધ, કરીયાણું, દવા, પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસનો સપ્લાય થઇ રહ્યો છે કે નહી તેની દેખરેખ કરતા પુરવઠાના વિભાગના કર્મચારીઓ, ખેતીવાડી અને મહેસુલ વિભાગના કર્મચારીઓ ડ્યુટી બજાવી રહ્યા છે.

શંકાસ્પદ લક્ષણો જણાશે તો ટેસ્ટ થશે

કોરોનાની કામગીરી કરી રહેલા કર્મચારીઓના આરોગ્યની ચકાસણી માટે તબક્કાવાર જિલ્લાના તાલુકાવાર, મહાનગર પાલિકા અને નગરપાલિકા કક્ષાએ મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે. કેમ્પમાં કોઇપણ કર્મચારી કે અધિકારીમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જોવા મળશે તો તેમનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here