અમદાવાદ : દરિયાપુરના 81વર્ષીય વૃદ્ધ રોજના 100 માસ્ક બનાવી મફતમાં વિતરણ કરે છે, કરફયુ લાગી જતાં કામ અટક્યું

0
5

અમદાવાદ : કોરોના વાઇરસ સામે ફ્રન્ટ લાઈન વોરિયર્સ લડત આપી જ રહ્યા છે. ત્યારે કેટલાંક લોકો સેવા કરી અને કોરોના વોરિયર્સ બની રહ્યાં છે. લોકડાઉનમાં બહાર જતા લોકો માટે માસ્ક ફરજિયાત છે ત્યારે અમદાવાદના કરફ્યુગ્રસ્ત વિસ્તાર એવા દરિયાપુરમાં રહેતા અને દરજીકામ કરતા 81 વર્ષના વૃદ્ધ રોજના 100 જેટલા માસ્ક બનાવી કોરોના હોટસ્પોટ એવા કોટ વિસ્તારમાં આવેલી પોળમાં મફતમાં વિતરણ કરી સેવાનું કાર્ય રહ્યાં છે. જો કે બુધવારથી સમગ્ર કોટ વિસ્તારમાં કરફયુ લાદી દેવામાં આવતા તેઓનું સેવાનું આ કામ અટકી પડ્યું છે. કલેકટર, પોલીસ તંત્ર અપીલ કરી છે કે જો તેમને અને મહિલા કારીગરોને આવશ્યક સેવાઓનો પાસ ઇશ્યુ કરવામાં આવે તો સેવાનું કામ અવિરત કરવા તૈયાર છે.

જ્યંતીલાલ પોતાની પાસે રહેલા કાપડમાંથી માસ્ક બનાવી સેવાનું કાર્ય કરી રહ્યા છે

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી હનુમાનની પોળમાં રહેતા અને ઘી કાંટા મોટી હમામની પોળ પાસે દુકાન ધરાવી દરજીકામ કરતા 81 વર્ષના વૃદ્ધ જ્યંતીલાલ દરજી કોરોના વાઇરસના ચેપથી બચવા માટે પોતાની પાસે રહેલા કાપડમાંથી માસ્ક બનાવી સેવાનું કાર્ય કરી રહ્યા છે. જ્યંતીલાલે CN24NEWS સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોટ વિસ્તારમાં સૌથી વધુ કેસો સામે આવ્યા હતા. વાઇરસના ચેપથી બચવા માસ્ક પહેરવા જરૂરી છે. કોટ વિસ્તારમાં લોકો માસ્ક વગર ફરતા હતાં લોકો પાસે માસ્ક હતા નહિ જેથી માસ્ક બનાવી મફતમાં લોકોને આપી સેવાનું કાર્ય શરૂ કરવાનું નક્કી કર્યું હતું.

કોટ વિસ્તારમાં કરફયુ લાગી જતાં માસ્ક બનાવવાનું કામ અટકી ગયું

છેલ્લા એક અઠવાડિયાથી દુકાનમાં કામ કરતી 3થી 4 બહેનો સાથે મળી દરરોજના 100 જેટલા માસ્ક તેઓ બનાવી રહ્યા છે. અત્યાર સુધીમાં 700 જેટલા માસ્કનું વિતરણ કરી દીધું છે. લોકડાઉનના કડક અમલના કારણે ક્યારેક બહેનો આવી શકતી નથી જેથી ઓછા માસ્ક બને છે. બુધવારથી કોટ વિસ્તારમાં કરફયુ લાગી જતાં માસ્ક બનાવવાનું કામ અટકી ગયું છે. તેમના બે પુત્રો પણ સિલાઈકામ કરે છે. તેઓની પાસે 8 જેટલા મશીનો અને બહેનો છે. જ્યંતીલાલે CN24NEWS ના માધ્યમથી કલેકટર અને પોલીસ તંત્રને અપીલ કરી છે કે જો તેમને અને બહેનોને કરફ્યુ મુક્તિનો પાસ આપવામાં આવે તો તેઓ લોકો માટે માસ્ક બનાવવા તૈયાર છે. ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે કાપડનો થોડો જથ્થો હાલમાં ઉપલબ્ધ છે પરંતુ જો કોઈ કાપડની મદદ કરશે તો તેઓ અનેકગણા માસ્ક બનાવવા તૈયાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here