આણંદ: વાસદ પાસે આવેલી મીલમાં ચોરીના ઈરાદે 10 વર્ષ પહેલાં ઘુસેલા દાહોદના શખ્સ સહિત અન્ય 20 જણાંએ એક આધેડ અને તેના પુત્રને માર માર્યો હતો. જેમાં આધેડનું મોત નીપજ્યું હતું. વાસદ પાસે આવેલી સહકાર હોટલની બાજુમાં નવી બનતી તેલની મીલમાં નવમી ઓક્ટોબર, 2008ના રોજ રાત્રિના એક વાગ્યે વીસેક જેટલા માણસો આઈશર ગાડી લઈને ચોરીના ઈરાદે ઘુસ્યા હતા.
દરમિયાન, એ સમયે મીલમાં વોચમેન તરીકે ઉદેસિંહ ફૂલાભાઈ પરમાર અને તેમનો દીકરો અમરસિંહ ઉર્ફે જગાભાઈને ગડદાપાટુનો માર માર્યો હતો. દરમિયાન, ઉદેસિંહ પરમારનું મોત નીપજ્યું હતું. બીજી તરફ તેઓ રૂા. 60 હજારના સ્ટીલના સાધનોની લૂંટ આચરી ફરાર થઈ ગયા હતા. જે તે સમયે વાસદ પોલીસે લૂંટ વીથ મર્ડરનો ગુનો નોંધી એક પછી એક આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જોકે, દાહોદ જિલ્લાના જાફરપુરા ગામનો કશન ઉર્ફે કરશન માનસિંગ વસૈયા ફરાર હતો. દરમિયાન, શખ્સ ભરૂચમાં રહીને મજૂરીકામ કરે છે તેવી બાતમી આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને તાજેતરમાં મળી હતી. જેને પગલે પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં શખ્સે ખંભોળજ પોલીસ મથકની હદમાં આવતા ઓડના નોંખા તલાવડી સીમ, કાજોળ સીમ, ભરોડા સીમ, જીતપુરા, સારસા ઉપરાંત, ચિખોદરા, કાસોર સીમ, સુરેલી સીમ, ભાટીયેલ સીમ અને રામનગર સીમમાં ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.