અમદાવાદ : દિવ્યાંગ મહિલા સાથે દુષ્કર્મ કરી ભીખ મંગાવનાર આરોપી પોલીસને બાથરૂમમાં પછાડી ભાગી ગયો

0
4

શહેરના પૂર્વ વિસ્તારમાં દિવ્યાંગ મહિલાની મજબૂરીનો ફાયદો ઉઠાવીને એક શખ્સે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ કર્યા બાદ શખ્સ દિવ્યાંગ મહિલા પાસે ભીખ મંગાવી અને તેને રૂમમાં બંધ કરી ગોધી રાખી હતી. આ કેસમાં પોલીસે આરોપીને પકડીને સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ રહી હતી. ત્યારે આરોપી પોલીસને બાથરૂમ જવાને બહાને બાથરૂમમાં લઇ ગયો અને ત્યાં તેણે પોલીસ કર્મીને પછાડી પછાડીને મારતા પોલીસ જવાન બેભાન થઈ ગયો હતો અને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

સરકારી નોકરી અપાવવાના બહાને દુષ્કર્મ આચર્યું

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી દિવ્યાંગ મહિલા લોક ડાઉનમાં પરિવાર પર આર્થિક બોજ વધતા પરિવારને મદદ કરવા માટે પ્રયાસ કરતી હતી. ત્યારે તેનો સંપર્ક સંજય ઉર્ફે સની વ્યાસ સાથે થયો હતો. સની રોજ મહિલાની આર્થિક અને શારિરીક સ્થિતિનો લાભ લેવા માટે પ્રયાસ કરતો હતો. તેવામાં સનીએ મહિલાને કહ્યું કે, હું તને સરકારી સહાય અપાવી શકું છું, જો તારે જરૂર હોય તો કહેજે. મહિલા આર્થિક રીતે ખૂબ જ ખરાબ સંજોગોમાં પસાર થઈ રહી હતી, ત્યારે સની તેને વસ્ત્રાલના એક મકાનમાં મદદ ના બહાને લઈ ગયો હતો.

મહિલાની મજબૂરીનો લાભ ઉઠાવી પહેલા દુષ્કર્મ અને પછી ભીખ મંગાવી

સનીએ દિવ્યાંગ મહિલાની મજબૂરીનો લાભ લઇને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આટલેથી મહિલાની તકલીફ અટકી નહિ ત્યારે સનીએ મહિલા પાસે ભીખ મંગવવાનું શરૂ કરાવી દીધુ હતું. આંખરે મહિલાએ ત્યાંથી ભાગીને સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. પોલીસે આ પ્રકરણમાં સનીની ધરપકડ કરીને ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. આ સમયે નિકોલ પોલીસ સ્ટેશનના જવાન હેમરાજ ભાઈ સનીને લઇને સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા.ત્યાં સ્ટાફે તેમને થોડી વાર લાગશે તેમ કહેતા સનીએ હેમરાજભાઈને બાથરૂમ જવાનું કહ્યું હતું.

આરોપીએ તકનો લાભ લઈ પોલીસ જવાનને માર મારી બેભાન કરી નાખ્યો

હેમરાજભાઈ સનીને લઈને બાથરૂમમાં ગયા ત્યારે તકનો લાભ લઈને સની હેમરાજ ભાઈએ બાથરૂમમાં પછાડી પછાડીને મારવા લાગ્યો હતો. જેમાં હેમરાજ બેભાન થઈ ગયા હતા અને સની ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ભાનમાં આવ્યા બાદ હેમરાજે તેના અધિકારીઓને જાણ કરી હતી, પણ સની મળી આવ્યો ન હતો. હાલ પોલીસે હેમરાજની ફરિયાદના આધારે સનીને શોધવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.