યુવતીઓની લગ્નની ઉંમર હવે 18 નહીં રહે : આ વર્ષ સુધી લગ્ન માટે જોવી પડશે રાહ, સરકાર બનાવી રહી છે નિયમો

0
12

ભારતમાં યુવતીઓની લગ્નની લઘુત્તમ વયમાં ફેરફાર કરવા અંગે કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે. સરકારે યુવતીઓના લગ્ન માટે લઘુત્તમ વય 18થી વધારીને 21 કરવા અંગે એક સમિતિની રચના કરી છે. આ સમિતિનો રિપોર્ટ આવ્યા પછી આ સંદર્ભમાં નિર્ણયની જાહેરાત કરાશે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે એક નિવેદનમાં સંકેત આપ્યા હતા.

લગ્ન માટે યુવતીઓની લઘુત્તમ ઉંમર વધારવા પાછળનો સરકારનો આશય માતાઓનો મૃત્યુદર ઘટાડવાનો છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, યુવતીઓ માટે લગ્નની યોગ્ય વય કઈ હોવી જોઈએ તે અંગે નિર્ણય લેવાનો અભ્યાસ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ તેનો રિપોર્ટ રજૂ કરે પછી આ અંગે નિર્ણય લેવાશે.

નાની વયે છોકરીઓનાં લગ્નનું પ્રમાણ નોંધપાત્ર પ્રમાણમાં ઘટયું

હાલમાં ભારતમાં યુવતીઓ માટે લગ્નની કાયદેસરની ઉંમર 18 વર્ષ અને યુવાનો માટે 21 વર્ષ છે. નાની વયની છોકરીઓ માતા બનતાં તેમનામાં એનિમિયા અને કુપોષણ મોતનું સામાન્ય કારણ છે. દેશના અનેક ભાગોમાં હજી પણ 16થી 18 વર્ષની વયે છોકરીઓના લગ્ન કરી દેવાય છે. જોકે, નાની વયે છોકરીઓનાં લગ્નનું પ્રમાણ નોંધપાત્ર પ્રમાણમાં ઘટયું છે.

વર્ષ 2020-21ના કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી નિર્મલા સિતારામનની જાહેરાતને પગલે જૂનમાં સામાજિક એક્ટિવિસ્ટ જયા જેટલીના અધ્યક્ષપદે એક ટાસ્ક ફોર્સની રચના થઈ હતી. બજેટની સ્પીચમાં સીતારામને જણાવ્યું હતું કે, ભારતમાં 1978માં છોકરીઓની લગ્નની વય 15થી વધારીને 18 કરાઈ હતી. હવે ભારતે વધુ વિકાસ કર્યો છે.

ઓછી વયની માતાઓનો મૃત્યુદર ઘટાડવો તેમજ પોષણનું સ્તર સુધારવું જરૂરી

મહિલાઓ માટે ઉચ્ચ શિક્ષણ અને કારકિર્દીની તકો વધી છે. ઉપરાંત ઓછી વયની માતાઓનો મૃત્યુદર ઘટાડવો તેમજ પોષણનું સ્તર સુધારવું ખૂબ જ જરૂરી છે. ટાસ્ક ફોર્સે યુવતીઓની માતા બનવા માટેની યોગ્ય વય, નાની વયે માતા બનતાં મૃત્યુદર અને કુપોષણ ઘટાડવાની જરૂરિયાત અને સંબંિધત મુદ્દાઓ તેમજ વર્તમાન કાયદામાં યોગ્ય સુધારા અંગે સૂચન કરવાનું છે.

ઉપરાંત ટાસ્ક ફોર્સની ભલામણોના અમલની ટાઈમલાઈન સાથે વિગતવાર યોજના પણ તેણે ઘડવાની છે. જોકે, કેન્દ્ર દ્વારા રચવામાં આવેલી ટાસ્ક ફોર્સે 31મી જુલાઈએ આ સંબંધમાં તેનો રિપોર્ટ આપવાનો હતો, પરંતુ તેણે હજી રિપોર્ટ રજૂ કર્યો નથી. ભારતમાં લાંબા સમયથી લગ્ન માટે યુવતીઓની યોગ્ય ઉંમરનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે.

રાષ્ટ્રીય માનવ અિધકાર પંચે પણ છોકરા અને છોકરીઓ બંને માટે લગ્નની સમાન વયની જરૂરિયાતની ભલામણ કરી છે. વિશ્વના 140 દેશોમાં છોકરા અને છોકરીઓ બંને માટે લગ્નની કાયદેસરની ઉંમર 18 વર્ષ છે. ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં 56 ટકા યુવતીઓએ 18થી 21 વર્ષની વચ્ચે લગ્ન કર્યા છે. ગ્રામીણ ભારતમાં 18થી 21 વર્ષની વયે છોકરીઓના લગ્નનું પ્રમાણ વધુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here