અમદાવાદ કર્ફ્યૂમાં બન્યું સૂમસામ : રોડ પર ગણ્યાગાંઠ્યાં વાહનોની અવરજવર અને મંદિરોને લાગ્યાં તાળાં.

0
9

શહેરમાં ગઈકાલે શુક્રવારે રાતના 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણપણે કર્ફ્યૂ શરૂ થયો છે, ત્યારે આજે કર્ફ્યૂની પ્રથમ સવારે અમદાવાદ શહેરના રસ્તાઓ સૂમસામ ભાસતા હતા. મંદિરોને પણ તાળાં લાગ્યાં હતાં. શહેરના માર્ગો પર લોકો કે વાહનોની અવરજવર નામમાત્ર જણાતી હતી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ કર્ફ્યૂ અંગે ગૃહ વિભાગે નોટિફિકેશન બહાર પાડી કઈ કઈ બાબતની છૂટછાટ અપાશે એનો ઉલ્લેખ કર્યો હતો.

બહારથી આવતી ગાડીઓમાં ચેકિંગ

અમદાવાદ શહેરમાં ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, તમામ DCP-ACP, PI સહિતના અધિકારીઓ કર્મચારીઓ સાથે શહેરમાં સતત પેટ્રોલિંગ કરી અને કર્ફ્યૂનો કડક અમલ કરાવી રહ્યા છે. પોલીસ દ્વારા સ્થાનિક વિસ્તાર પેટ્રોલિંગ કરી અને લોકોને ઘરે મોકલવામાં આવી રહ્યા છે. ઉપરાંત શહેરના જેટલા પણ એન્ટ્રી પોઈન્ટ છે એના પર પોલીસબંદોબસ્ત અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બહારથી આવતી ગાડીઓને ચેક કરી પૂછપરછ કરી અંદર આવવા દેવામાં આવી રહી છે.

ID કે ડોક્યુમેન્ટ્સ બતાવનારને જવા દેવાશે

જીવનજરૂરી વસ્તુઓ, જેમ કે દૂધ, દવાની દુકાન, મ્યુનિસિપલ સર્વિસ, પેટ્રોલ અને ગેસ સ્ટેશન, ફાર્મા કંપનીઓ, ઈલેક્ટ્રિક અને પાણી સપ્લાઇ કરનાર અને તેની સાથે સંકળાયેલા લોકોને નિયત આઈડી કાર્ડ કે ડોક્યુમેન્ટ્સ જોઇ જવા દેવાશે.

વિમાન અને રેલવે પ્રવાસીઓને ટિકિટ જોઈ જવા દેવાશે

અમદાવાદ રેલવે સ્ટેશન અને અમદાવાદ એરપોર્ટ પર આવતા-જતા પ્રવાસીઓને નિયત ટિકિટ અને આઈડી પ્રૂફ બતાવ્યા બાદ કર્ફ્યૂના બે દિવસમાં અમદાવાદ શહેરમાં પ્રવેશ અને પ્રસ્થાન કરવા દેવાશે. અમદાવાદ રેલવે સ્ટેશન ઉતરનારા મુસાફરો માટે ખાસ સિટી બસની વ્યવસ્થા પણ કરાઈ છે.