અમૂલ ફેડરેશનનું ટર્નઓવર વર્ષ 2019-20માં 17% વધીને રૂ. 38,550 કરોડે પહોચ્યું

0
5

બિઝનેસ ડેસ્ક : ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (GCMMF) કે જે બ્રાન્ડ અમૂલ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું  વેચાણ કરે છે તેના ધ્વારા 31મી માર્ચ 2020ના રોજ પૂરા થતા નાણાંકિય વર્ષ 2019-20 દરમ્યાન રૂ. 38,550 કરોડનુ પ્રોવિઝનલ ટર્નઓવર હાંસલ કરવામાં આવ્યુ છે. અમૂલ ફેડરેશન ધ્વારા હાંસલ કરવામાં આવેલું ટર્નઓવર ગત નાણાંકીય વર્ષની તુલનામાં 17% જેટલુ વધારે છે. અમૂલના મેનેજીંગ ડિરેક્ટર આર. એસ. સોઢીએ જણાવ્યું કે, અમૂલ ફેડરેશન ધ્વારા દૂધના વધુ એકત્રીકરણ, નવી મિલ્ક પ્રોસેસિંગ ક્ષમતાનો ઉમેરો, નવાં બજારોનો સતત ઉમેરો કરીને તથા નવી દૂધ અને દૂધની બનાવટોને બજારમાં મુકીને છેલ્લા 10 વર્ષથી 17%થી વધુ સરેરાશ વાર્ષિક સંચલિત વૃધ્ધિદર (CAGR) હાંસલ કરતું રહયુ છે.

18,700થી વધુ ગામડાઓમાંથી દૂધ સંપાદન કરવામાં આવે છે
અમૂલ ફેડરેશન અને તેના સંલગ્ન 18 સભ્ય સંઘોએ રૂ. 50,000 કરોડથી વધુનુ પ્રોવિઝનલ, અનડુપ્લીકેટેડ  ગ્રુપ  ટર્નઓવર  વર્ષ 2019-20 દરમ્યાન હાંસલ કર્યુ છે જે ગત વર્ષની તુલનામાં 17% વધારે છે. અમૂલ ફેડરેશન અને તેના સંલગ્ન 18 સભ્ય સંઘો દ્વારા 18,700થી વધુ ગામડાઓમાંથી દૂધ સંપાદન કરવામાં આવે છે.

લોકડાઉનમાં પણ દુધની સપ્લાયને કોઈ અસર નથી થઇ
સોઢીએ જણાવ્યું કે, કોરોના વાયરસને પગલે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન છે. આમ છતાં અમારા તરફથી સમગ્ર દેશમાં દુધના પુરવઠામાં કોઈ કમી આવી નથી. દૂધ એ જીવન જરૂરી ચીજ હોવાથી તકેદારીના તમામ પગલા સાથે અમે દરેક કલેક્શન સેન્ટર અને પ્લાન્ટની કામગીરી ચાલુ રાખી છે.

દસ વર્ષમાં અમૂલનું ટર્નઓવર 382% વધ્યું
અમૂલના પાછલા 10 વર્ષના આંકડા જોઈએ તો, તેના ટર્નઓવરમાં 382%નો વધારો થયો છે. વર્ષ 2009-10માં રૂ. 8005 કરોડનું ટર્નઓવર હતું જે 2019-20ના અંત સુધીમાં રૂ. 38,550 કરોડે પહોચ્યું હતું. સોઢીએ કહ્યું કે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ દૂધ અને દૂધની બનાવટોના વેચાણમાં પ્રતિકૂળ પરિસ્થિતી હોવા છતાં પણ આ સિધ્ધી હાંસલ કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here