અરવલ્લી જીલ્લા પંચાયત સામાન્ય સભા તોફાની બની: જીલ્લા પંચાયત સદસ્યએ જીલ્લા મદદનીશ રજીસ્ટ્રાર સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ

0
17

અરવલ્લીઃ અરવલ્લી જીલ્લા પંચાયતના સભાખંડમાં જીલ્લા વિકાસ અધિકારી ર્ડો.અનિલ ધામેલીયા અને જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમારની અધ્યક્ષતામાં યોજાયેલી સામાન્ય સભામાં ડેમાઈ જીલ્લા પંચાયતના સદસ્ય કીર્તિ પટેલે ખેત ઉત્પાદન સહકાર અને સિંચાઈ વિભાગના મદદનીશ રજીસ્ટ્રાર ચંદ્રકાન્ત પટેલ સેવા સહકારી મંડળીને મંજૂરી આપવામાં પક્ષપાત કરતા હોવાની સાથે મંડળીને મંજરી આપવામાં ભારે ભ્રષ્ટાચાર અધિકારી દ્વારા આચરવામાં આવતો હોવાનો આક્ષેપ કરતા સામાન્ય સભામાં ભારે હોબાળો મચ્યો હતો. અધિકારી અને જીલ્લા પંચાયત સદસ્ય વચ્ચે તું..તું…મૈં…મૈં પણ થતા ચૂંટાયેલા કોંગ્રેસના સદસ્યોએ કીર્તિ પટેલને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. જીલ્લા વિકાસ અધિકારી ના નાક નીચે ખુલ્લેઆમ ભ્ર્ષ્ટાચાર ચાલી રહ્યો હોવાનો પણ સનસનાટી ભર્યો આક્ષેપ કર્યો હતો.

ડેમાઈ જીલ્લા પંચાયત સદસ્ય કીર્તિ પટેલે બાયડ વિધાનસભા પેટા ચૂંટણીમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા જે હોટલમાં રોકાતા હતા તેની આગળથી ચૂંટણીમાં વહેંચવા લવાયેલ વિદેશી દારૂની ગાડીઓ જનતારેડ કરી પકડી પાડી હતી. આજે જીલ્લા પંચાયત સામાન્ય સભામાં પણ સેવા સહકારી મંડળીના રજીસ્ટ્રાર ચંદ્રકાન્ત પટેલ પર સેવા સહકારી મંડીઓને મંજૂરી આપવા રૂપિયા પડાવવામાં આવતા હોવાનો આક્ષેપ કરી જીલ્લા મદદનીશ રજિસ્ટ્રારે સાબરકાંઠા જીલ્લાના રાજકીય આગેવાનના ઈશારે કેટલીક મંડીઓને મંજૂરી વગર પ્રમાણપત્ર આપી દીધા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે આ ઉપરાંત કેટલીક સેવા સહકારી મંડળીઓને મંજુરી આપવામાં ઠાગાઠૈયા કરવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો.

ભ્રષ્ટાચારના આક્ષેપથી જીલ્લા વિકાસ અધિકારી ર્ડો.અનિલ ધમાલિયા પણ અચંબિત બન્યા હતા. સ્વચ્છ છબી ધરાવતા જીલ્લા વિકાસ અધિકારી જીલ્લામાં ચાલતા ભ્રષ્ટાચારને નાથવા કયા પ્રકારના પગલાં ભરે છે તે હવે જોવું રહ્યું. અધિકારી ચંદ્રકાન્ત ભાઈ નું રાજીનામુ લઈ લેવા ડીડીઓ સામે માંગ કરી હતી.

ભ્રષ્ટાચારનો સણસણતો આક્ષેપ લાગવા છતાં મદદનીશ રજીસ્ટ્રાર બિન્દાસ્ત બન્યા હોય તેમ સામાન્ય સભામાં હસતા જોવા મળ્યા હતા. અરવલ્લી જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં જીલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ કોંગ્રેસી જીલ્લા પંચાયતના સદસ્યોને ગાંઠતા ન હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છું. અરવલ્લી જીલ્લામાં ફરજ બજાવતા કેટલાક સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ બિન્દાસ્ત પ્રજાજનો પાસે વિવિધ સરકારી કામ માટે રૂપિયા ખંખેરવા પાવરધા બન્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.