ઓખામઢીના દરિયાકાંઠેથી લાપતા થયેલા 8 માછીમારોના મૃતદેહ મળ્યા

0
42

દ્વારકાઃ ઓખાના રૂપેણ બંદરેથી માછીમારી કરવા ગયેલી બે બોટે મધદરિયે જળસમાધિ લીધી છે. બોટમાં સવાર 10 જેટલા માછીમારો લાપતા થયા હતાં. લાપતા થયેલા 10 પૈકીના આઠ માછીમારના સોમવારે ઇદના તહેવારે જ એક પછી એક મૃતદેહ ઓખા મઢીના દરિયા કાંઠે તણાઇ આવતા માછીમારી આલમમાં માતમ છવાય ગયો હતો.

દરિયામાં કુલ 10 જેટલા માછીમારો ડૂબી ગયા હોવાનું માછીમારો જણાવી રહ્યા છે. તે પૈકીના હજુ બે માછીમાર લાપતા હોવાનું તંત્ર જણાવે છે. દ્વારકાનાં રૂપેણ બંદરથી સાત જેટલી નાની પિલાણી બોટો દરિયામાં માછીમારી કરવા નીકળી હતી. ઊંડા દરિયામાં માછીમારી બોટો જતાં અચાનક મધદરિયે દરિયામાં પવન ફુંકાતા અલસબરી અને હમ હે કમાલ નામની બે બોટ દરિયામાં ગરક થઇ ગઇ હતી. બોટની દરિયામાં જળસમાધિ થતાં માછીમારો દરિયામાં ડૂબવા લાગ્યા હતાં. જ્યારે બે બોટ રવિવારે બંદરે પરત ફરતા સમગ્ર ઘટનનાથી તંત્રને વાકેફ કરતા ઓખા કોસ્ટગાર્ડે દરિયામાં રેસ્ક્યું ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં રવિવારે મોડી સાંજે સીદ્દીક ઇશા થૈમ (ઉ.વ. 50) નો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે સોમવારે ઇદના દિવસે જ ઓખામઢીના દરિયાકાંઠેથી લાપતા થયેલા રફીક સીદ્દીક થૈમ , સીદ્દીક ઇશા થૈમ , શબ્બીર જુમા લુચાણી , અલ્તાફ અબુ ખેર , સમીયલ મોન્ટુ શેખ , ઇકબાલ કાદરભાઇ મોખા , હનીફ કાસમભાઇ બેટાઇ , સલીમ જાકુબ ચૌહાણના મૃતદેહોને દ્વારકા સિવિલ હોસ્પિટલ ખાતે લવાતા પરિવારજનો ઉમટી પડ્યા હતાં અને આક્રંદથી સમગ્ર વાતાવણમાં ગમગીની છવાઇ હતી. ઇદના દિવસે જ ઓખા પંથકમાં માતમનો માહોલ છવાતા માછીમારી આલમમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે , હાલ 16 ઓગષ્ટ સુધી માછીમારી વ્યવસાય બંધ હોવા છતાં માછીમારો ઉંડા દરિયામાં માછીમારી કરવા જતાં આ કરૂણ ઘટના બની હતી. મનાઇ હોવા છતા માછીમારો દરિયો ખેડવા નિકળતા ઓખા મત્સ્યદ્યોગ અને ઓખા કોસ્ટગાર્ડ દ્વારા કરાતા ચેકિંગમાં પણ બેદરકારી હોવાનું સ્પષ્ટ થાય છે.

7 તારીખના રોજ રૂપેણબંદરથી હોડીઓ માછીમારી કરવા દરિયામાં રવાના થઇ હતી.દરમિયાન મધદિયે તોફાન આવતા 5 બોટો લાપતા બની હતી.તેમજ બે હોડીઓ ડુબી ગઇ છે. બાકીના માછીમારી સહી સલામત કિનારે પરત ફર્યા છે. – ઇબ્રાહીમ ઇસ્માઇલ , રૂપેણબંદર

ઓખા કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં માછીમારી કરવા જતી બોટોને અટકાવવાની હોય છે.જેના માટે કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં સતત પેટ્રોલીંગ કરવાનું હોય છે.પરંતુ બનાવ પરથી સ્પષ્ટ થાય છે કે , ઓખા કોસ્ટગાર્ડ પેટ્રોલીંગની કામગીરી માત્ર કાગળ પર જ દર્શાવવામાં આવે છે. – ફર્સ્ટ પર્સન

મધદરિયે ભારે પવન અને વરસાદ સાથે તોફાન આવતા હોડીઓ ડુબવા લાગી હતી. જેથી દરિયામાં અમે પણ ડુબવા લાગ્યા હતાં. અમારી સાથેના અમુક માછીમારો ડુબી ગયા હતાં.જ્યારે અમે તરતા તરતા બચી ગયા હતાં.સતત 30 કલાકના સમય સુધી ભૂખ્યા તરસ્યા હિંમત હાર્યા વિના તરીને મહેમુદ ગફર શમા (ઉ.વ. 25) અને રવી અશોકભાઇ ચૌહાણ (ઉ.વ. 25) કિનારે પરત ફર્યા હતાં. કિનારે આવતા જ તાત્કાલિક બન્ને સારવારઅર્થે દ્વારકા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર ઘટનાની ગંભીરતા સમજી રજાના દિવસે તાત્કાલિક દ્વારકા દોડી ગયા હતાં અને સરકીટ હાઉસ ખાતે તાકિદની બેઠક બોલાવી હતી. બેઠકમાં કલેક્ટર , જિલ્લા પોલસ વડા , ફિશરીઝ વિભાગ , કોસ્ટગાર્ડ , મરીન પોલીસ , પ્રાંત અધિકારી અને માલતદાર સહિતના અધિકારીઓને આ બાબતે કડક સૂચના આપી ઘટના અંગે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.

શુક્રવારની સાંજથી રવિવાર સુધી વરસાદને પગલે પોરબંદરના દરિયામાં પણ વરસાદી કરંટ હોવાથી દરિયો તોફાની બન્યો હતો.જેને પગલે દરિયામાં ગયેલી 3 નાની હોડી ડૂબી જતાં 3 માછીમારોના મોત થયા હતા અને ગઇ કાલે વધુ 3 માછીમારોના મોત થયાં હતાં. ત્યારબાદ વધુ એક માછીમારની લાશ મળી આવતાં હાહાકાર મચી ગયો છે. પોરબંદરના વીરડી પ્લોટ વિસ્તારમાં રહેતા બાવનભાઇ વેલારભાઇ હોદાર (ઉ. 55) આસ્થા નામની હોળીમાં ગયા હતા અને તેમની લાશ આજે સમુદ્રમાંથી મળી આવતા તેમને પી.એમ. માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ કરૂણાંતિકા સર્જાતા ખારવા સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગઇ કાલે 2 નાની હોડી અને લાપતા બનેલા 12 જેટલા ખલાસીઓ પરત આવી ગયા હોવાનું જાણવા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here