બોરસદ : 4 દિવસ પહેલાં ગુમ થયેલા 2 મિત્રોના મૃતદેહ 50 ફૂટ ઊંડા હવડ કૂવામાંથી મળ્યા

0
12

બોરસદ: બોરસદ તાલુકાના સિંગલાવ ગામના 50 ફૂટ ઊંડા હવડ કુવામાંથી ગામના જ બે યુવકોની લાશ મળી આવી હતી. બંને યુવકો છેલ્લાં ચાર દિવસથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયા હતા. દરમિયાન, શુક્રવારે સાંજે મૃતદેહ મળી આવ્યો હતો. હાલમાં પેનલ પીએમ કરી તપાસ હાથ ધરી છે. બોરસદના સિંગલાવ ગામમાં રહેતા હર્ષદભાઈ અંબાલાલ પટેલનું ખેતર ગામના બોરડીવાળું ફળિયા પાસે આવેલું છે.

શુક્રવારે સાંજે ભેંસ બાંધતા સમયે કૂવામાંથી ખૂબ જ દુર્ગંધ આવતા સ્થાનિકોએ ગામના સરપંચને જાણ કરી હતી. કુવામાં લાઈટ મારી જોતા અંદર લાશ પડી હોવાનું જણાઈ આવ્યું હતું. બોરસદ અને આણંદ ફાયર બ્રિગેડ દ્વારા કુવામાં પડેલી લાશને દોરડું બાંધી બહાર કાઢવાનો પ્રયાસ કરતાં વધુ એક લાશ હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ તેઓએ બન્ને લાશોને દોરડા વડે બાંધીને બહાર કાઢી હતી. જે 4 દિવસથી ગુમ થયેલા 40 વર્ષીય નટુભાઈ ઉર્ફે કાળિયો પરસોતમભાઈ ગોહેલ અને વિનુભાઈ ઉર્ફે બાવો આશાભાઈ ગોહેલ (બોરડીવાળું ફળિયું સિંગલાવ) હોવાનું ખુલ્યું હતું. પોલીસે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી છે.

બંને સાથે ફરતા હતા

સિંગલાવના હવડ કુવામાંથી ગામના બે યુવકોની લાશો મળતા ગામમાં ચકચાર મચી છે. ત્યારે આ બાબતે તપાસ કરતા બન્ને યુવકો ખાસ મિત્ર હતા અને સાથે જ ફરતા હતા. જેમાં નટુભાઈ ઉર્ફે કાળીયાના ઘરે માત્ર તેના પિતા જ છે. તેનું લગ્ન દેવાપુરા ખાતે થયું હતું પરંતુ 7 -8 વર્ષ અગાઉ છૂટું થઈ ગયું હતું. નટુને કોઈ સંતાન નથી. જયારે વિનુભાઈ ઉર્ફે બાવોને માત્ર એક બહેન છે. જેનું લગ્ન થઈ ગયું છે. વિનુના લગ્ન થયા નથી તે ઘરે એકલો જ રહેતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here