સુરતના નવાગામ વિસ્તારમાં એક ઘરમાંથી 43 વર્ષીય મહિલા મૃત હાલતમાં મળી આવી હતી. આસપાસના રહીશોને જાણ થતાં 108ને જાણકારી હતી. ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં પોલીસે મહિલાનું પોસ્ટમોર્ટમ હાથ ધર્યું હતું. જોકે હજુ કોઈ પરિવારજનો આવ્યા નથી. બિહારથી આવવા રવાના થયા છે.
સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે, નવાગામ વિસ્તારમાં 43 વર્ષીય અજફરી ખાતુન ભાડાના મકાનમાં રહેતા હતા. એક દિવસ પહેલા જ બિહારથી સુરત આવ્યા હતા. દીકરી અને જમાઈ દ્વારા નવાગામમાં વતનવાસીઓ નજીક ભાડાનું મકાન અપાવ્યું હતું. દરમિયાન ગતરોજ બપોર બાદ મહિલા ઘરની બહાર નીકળી ન હતી.
મહિલા ઘરની બહાર ન આવતા આસપાસના રહીશોએ તપાસ કરતા મહિલા બેભાન મળી હતી અને મોત થઈ ગયું હોવાની શંકા હતી. જેથી રહીશોએ મહિલાની દીકરી અને જમાઈને જાણ કરી હતી. જોકે તેઓ ન આવતા આખરે 108ને જાણ કરી હતી. ત્યારબાદ 108માં મહિલાને સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કરી હતી.