વડોદરા : હત્યા કે અકસ્માત ? કોરોના વોર્ડમાં ફરજ બજાવતા નર્સની મળી લાશ : પોલીસે તપાસ હાથ ધરી.

0
12

વડોદરામાં કોરોના વોર્ડમાં ફરજ બજાવતા નર્સની લાશ મળી આવી છે. ન્યૂ વીઆઈપી રોડ પર રહેતા શિલ્પા પટેલ ખોડિયારનગર પાસે લોહીલુહાણ હાલમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. ત્યારે પ્રથમ દ્રષ્ટિએ અકસ્માત થયો હોવાનું અનુમાન લગાવવમાં આવી રહ્યું છે તો બીજી તરફ હત્યાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. જો કે હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરાનાં ન્યૂ વીઆઈપી રોડ પર રહેતા શિલ્પા પટેલ મૂળ મેન્ટલ હૉસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતા હતા. હાલ તેમણે ગોત્રી હૉસ્પિટલમાં કોવિડની ડ્યૂટી આપવામાં આવી હતી. જેથી તેઓ શુક્રવારે સાંજે પોતાના ટુ વ્હિલર પર ગોત્રી હૉસ્પિટલ જઇ રહ્યાં હતા. તે દરમિયાન આજવારોડ ખાતે આવેલા વૈકુંઠ-2 સોસાયટીનાં દરવાજા પાસેથી નર્સની લાશ મળી હતી. આ મહિલાનો અકસ્માત થયો કે હત્યા થઇ તે અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે.

ફરિયાદ મુજબ, સતત ચોથા દિવસે ડ્યૂટી હોવાથી શિલ્પાબેન પટેલે મોડી સાંજે ફોન કરી હોસ્પિટલ આવું છું, તેમ કહ્યું હતું અને સાંજે 7 વાગ્યા બાદ પોતાનું ટુ વ્હીલર લઈને હોસ્પિટલ જવા માટે નીકળ્યાં હતાં. કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરતા શિલ્પાબેનના વાહનને કોઈ અજાણ્યા વાહને ખોડિયારનગર પાસે ટક્કર મારતાં તેઓ જમીન પર પછડાયા હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. શિલ્પાબેનને વધુ સારવાર મળે તે પહેલાં જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું.

શિલ્પાના એક્ટિવાને કોઇ વાહનની ટક્કરથી નુકસાન થયુ હોવાનુ જણાઇ આવ્યુ નથી. બીજી તરફ શિલ્પાના શરીર ઉપર પણ અકસ્માતથી થાય તેવા ઇજાના નિશાન નથી પરંતુ તેના ચહેરા ઉપર ફટકા મારવામાં આવ્યા હોય તેવા સ્પષ્ટ નિશાન છે એટલે આ બનાવ હત્યાનો હોવાનું જણાઇ રહ્યુ છે.

જો કે આ મામલે સ્પષ્ટ કહી શકાય તેમ નથી. હત્યા છે કે અકસ્માત.. તો બીજી તરફ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here