સુરત : કિશોરના અપહરણ બાદ જૂના મકાનમાં રહેતા પરિચિતના ઘરમાંથી મૃતદેહ મળ્યો, ગળા પર ઈજાના નિશાન

0
6

શહેરના પાંડેસરા વિસ્તારમાંથી અપહરણ કરાયેલા કિશોરનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ છે. પોલીસે ગણતરીના કલાકોમાં કિશોરને શોધી કાઢ્યો છે. કિશોર જૂના મકાનમાં જ રહેતા પરિચિતના ઘરેથી જ મૃત હાલતમાં મળી આવ્યો છે. જ્યારે ગળા પર ઈજાના નિશાન હોવાથી હત્યાની આંશકા સેવવામાં આવી છે. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃત્યુનું સાચું કારણ જાણવા મળશે.

પિતાએ રડતી આંખે એકના એક દીકરીના મોતની વ્યથા જણાવી
(પિતાએ રડતી આંખે એકના એક દીકરીના મોતની વ્યથા જણાવી)

 

પરિવારનો એકનો એક દીકરો

પાંડેસરા વિસ્તારમાં આવેલા જીવનદીપ નગરમાં આકાશ સંતોષ તિવારી(ઉ.વ.11) પરિવાર સાથે રહેતો હતો. ઘર નજીકમાં આવેલી સીતારામ હિન્દી વિદ્યાલયમાં ધોરણ 4માં અભ્યાસ કરતો હતો. પિતા સિક્યુરિટી ગાર્ડ અને પરિવારનો એકનો એક દીકરો હતો. જૂન મહિનામાં જ મકાન બદલી 100 મીટર દૂર આવેલા મકાનમાં રહેવા ગયા હતા. દરમિયાન ગત રોજ બપોરે આકાશ ગુમ થઈ ગયો હતો. જેથી પહેલા પરિવારના સભ્યોએ આકાશની શોધખોળ હાથ ધરી હતી. જોકે, આકાશ ન મળી આવતા પાંડેસરા પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

આ મકાનમાંથી કિશોરની લાશ ચટાઈમાં લપેટાયેલી હાલતમાં મળી આવી
(આ મકાનમાંથી કિશોરની લાશ ચટાઈમાં લપેટાયેલી હાલતમાં મળી આવી)

 

પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે

પાંડેસરા પોલીસ મથકના પીઆઈ એપી ચૌધરીએ જણાવ્યું હતું કે, ગઈ કાલે બપોરે 3 વાગ્યે કિશોર આકાશ સંતોષ તિવારી(11 વર્ષ) ગુમ થયો હતો. જેથી અપહરણની ફરિયાદ નોંધી હતી. તપાસ દરમિયાન પોલીસે નવા મકાનના 100 મીટરના અંતરે આવેલા જૂના મકાનમાં રહેતા શંકાસ્પદ યુવક પાસે આકાશ હોવાની જાણ થઈ હતી. જેથી મકાનની તપાસ કરતા મૃતદેહ મળી આવ્યો હતો. હાલ પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે.

કિશોરની લાશ મળી આવતા પાંડેસરા પોલીસ દોડતી થઈ ગઈ
(કિશોરની લાશ મળી આવતા પાંડેસરા પોલીસ દોડતી થઈ ગઈ)

 

જૂના મકાનમાં રહેતા પરિચિત યુવક પર શંકા

પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, જૂના મકાનમાં બે વ્યકિત રહેતા હતા. જેમાંથી એક ડ્યૂટી પર હતો અને એક યુવક હાજર હતો. આકાશ ગુમ થયો ત્યારે તેની શોધખોળમાં તેણે પણ સાથ આપ્યો હતો. દરમિયાન તેના જ રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો છે. જેથી તેના પર પૂરે પૂરી શંકા છે. આકાશની લાશ તેના પલંગ નીચેથી ચટાઈમાં અને ચંપલ સંતાડેલા મળી આવ્યા છે. પોલીસ હાલ એ યુવકની પૂછપરછ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here