ભાવનગર: ભાવનગરમાં જુદા જુદા સ્થળોએ ચાલતા દેહવ્યાપારના અનૈતિક ધંધા અંગે અચાનક પોલીસની ઊંઘ ઉડી છે ભાવનગર પરામાં એક બનાવટી ગ્રાહકે પૈસા ચુકવી રૂમમાં ગયો કે તરતજ પોલીસે રેડ પાડી હતી. જુદા જુદા બે સ્થળઓએ પાડેલા દરોડામાં સાત મહિલા અને ચાર શખ્સો ઝડપાયા છે. રેલ્વે પરામાં આ રેકેટ ચલાવતો લાલો ગ્રાહકોને નયા માલ આયા હે કહી લાલચાવી પૈસા વસુલી મોજ કરવા મોકલતો હતો.
નાયબ પોલીસ અધિક્ષક એમ એચ ઠાકર અને બોરતળાવ પોલીસ મથકના પીઆઇ કે.એમ.રાવળની ટીમ દ્વારા બાતમીના આધારે આજે બોરતળાવ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ રેલ્વે પટા જુની ટીબી હોસ્પીટલ પાછળ રેલ્વે ક્વાટર્સ રૂમ નં.102/એમાં રહેતો ફીરોજ ઉર્ફે લાલો એહમદભાઇ મકવાણા બહારથી છોકરીઓ બોલાવી અમે ગ્રાહકોને બોલાવી દેહ વ્યાપારની પ્રવૃતિઓ કરાવતો હોઇ પોલીસે બોગસ ગ્રાહક મોકલી બાદમાં પોલીસે પંચો તથા પોલીસ સ્ટાફ સાથે આ જગ્યાએ રેઇડ કરી અંદર તપાસ કરતા છ મહિલાઓ તથા બે ગ્રાહક મળી આવ્યા હતા.
પોલીસે ગ્રાહક તરીકે આવેલ આરોપીઓ અસ્લમ એહમદભાઇ મકવાણા (રહે.રેલ્વે કોલોની ટીબી હોસ્પીટલ પાછળ રેલ્વે ક્વાટર્સ નં.2) તથા સાહિલ ઇબ્રાહીમભાઇ શેખ (રહે.શિશુવિહાર સર્કલ શેરી નં.10) આ મહિલાઓ સાથે કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. આ દેહ વ્યાપારની પ્રવૃતિ કમિશન લઇને તમામ સવલતો પુરી પાડનાર ઇસમ ફિરોજ ઉર્ફે લાલો એહમદભાઇ મકવાણા (રહે રેડનું સ્થળ) સહિત ત્રણે શખ્સો વિરૂધ્ધ અનૈતિક ધારાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે આ સ્થળપરથી મળી આવેલ છએ મહિલાઅોને જવા દેવાઇ હતી. જ્યારે બીજીરેડમાં વડવા જેવા ગીચ વિસ્તારમાં આવેલ SBI વડવા શાખા પાસે આવેલ જ્યોતી ફ્લેટમાં રેડ પાડતા આ પ્રવૃતિ ચલાવતી મહિલા તથા ગ્રાહક તરીકે આવેલ આરોપી જૈમીન કાનનીયા (રહે ભાવનગર)ને પણ કંઢગી હાલતમાં પકડી પાડ્યા હતા.
ક્યા ક્યા વિસ્તારો લોહીના વેપાર માટે કુખ્યાત?
ભાવનગરના વડવા, ભરતનગર, આનંદનગર, કુંભારવાડા, મોતીતળાવ, ખેડૂતવાસ, કરચલીયા પરા, કુમુદવાડી, પ્રભૂદાસ તળાવ જેવા વિસ્તારોમાં ક્યાંક ક્યાંક મહિલાઓ, યુવતિઓ આર્થિક ભિંસને કારણે, આસાન રોજગારી, કૂસંગત જેવા કારણોથી લોહીના વેપારીમાં ધકેલાયેલી છે. શહેરની કુખ્યાત હોટલોમાં કલાકના દરથી હંગામી ધોરણે ભાડે આપવામાં આવતી રૂમોમાં અને ઘરઘરાઉ રીતે કુટ્ટણખાના ચાલી રહ્યા છે. મોબાઇલ જેવી આસાન સંદેશા વ્યવહાર સવલતો ઉપલબ્ધ બન્યા બાદ દલાલો દ્વારા યુવતિઓના ફોટા અને ભાવ ગ્રાહકોને આપી ઓફર કરવામાં આવે છે. ઉપરાંત ભાડે મકાન રાખી અને તેમાં પણ બહારગામથી યુવતિઓ લાવી અને દલાલો દ્વારા ભાવનગરમાં ગેરરીતિના ધામ ચલાવવામાં આવી રહ્યા છે.
સ્પાની પ્રવૃત્તિથી પોલીસ અજાણ હશે?
ભાવનગરના વિવિધ વિસ્તારોમાં પગપેસારો કરી ચૂકેલા સ્પા સેન્ટરોમાં મુંબઇ, ગોવાથી યુવતીઓ લાવવામાં આવે છે, ઉપરાંત નેપાળી, મલેશિયા, થાઇલેન્ડથી યુવતિઓને સ્પા સેન્ટરોમાં મસાજ માટે લાવવામાં આવે છે. શહેરમાં સ્પા સેન્ટરો યુવાનોમાં સેક્સ ભૂખ સંતોષવા માટે પ્રચલિત બન્યા છે, અને આખો દિવસ ધમધમે છે, છતા આજદિન સુધી પોલીસ સુધી આવી ગેરરીતિઓની માહિતી પહોંચી નહીં હોય ? તેવું નાગરિકોમાં ચર્ચાઇ રહ્યું છે.