વડોદરા : ભરણ પોષણ આપવામાં અખાડા કરતા પતિ વિરુદ્ધ સમન્સ લઇને બોલિવૂડ અભિનેત્રી સપના પોલીસ સ્ટેશન પહોંચી

0
10

વડોદરાઃ કોર્ટે નિર્ધારીત કરેલ ભરણ પોષણ આપવામાં અખાડા કરતા શહેરના રીપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના શહેર-જિલ્લા પ્રમુખ રાજેશ ગોયલ સામે સમન્સ લઇને બોલીવુડ અભિનેત્રી સપના ઉર્ફ સપ્પુ આજે વડોદરા આવી પહોંચી હતી. શહેર પોલીસે સમન્સના આધારે કાર્યવાહી હાથ ધરી હતી.

લગ્નના ત્રણ વર્ષ બાદ ખટરાગ શરૂ થયો હતો

મુંબઇમાં રહેતી અને 40 જેટલી હિંદી ફિલ્મોમાં બોલ્ડ અભિનેત્રી તરીકે કામ કરી ચૂકેલી સપના ઉર્ફ સપ્પુના લગ્ન વર્ષ-2013માં વડોદરાના રહેવાસી અને રીપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના વડોદરા શહેર-જિલ્લા પ્રમુખ રાજેશ રાજકુમાર ગોયલ સાથે થયા હતા. લગ્નના બે-ત્રણ વર્ષ સુધી તેઓનું સુખમય દાંપત્ય જીવન ચાલ્યું હતું. દરમિયાન બંને વચ્ચે ખટરાગ શરૂ થતાં તેઓ છૂટા પડી ગયા હતા. અને સપના ઉર્ફ સપ્પુ મુંબઇ જતી રહી હતી.
કોર્ટે નિર્ધારીત કરેલી રકમ ચૂકવતો ન હતો
સપના ઉર્ફ સપ્પુને પતિ રાજેશ ગોયલ દ્વારા એક સંતાન છે. સપનાએ મુંબઇ ગયા બાદ પોતાના અને પુત્રના ભરણ-પોષણ માટે અંધેરી-મુંબઇ ખાતે આવેલી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ 44 કોર્ટમાં પતિ રાજેશ ગોયલ સામે ભરણ-પોષણનો દાવો કર્યો હતો. કોર્ટે તા.19-1-018ના રોજ પ્રતિમાસ રૂપિયા 40,000 ભરણ-પોષણ પેટે સપના ઉર્ફ સપ્પુને ચૂકવવા માટે પતિ રાજેશ ગોયલને હુકમ કર્યો હતો. પરંતુ, રાજેશ ગોયલ કોર્ટે નિર્ધારીત કરેલી રકમ ચૂકવતો ન હતો. અનેક વખત સમન્સ કાઢવા છતાં, રાજેશ ગોયલ ભરણ-પોષણની રકમ સપના ઉર્ફ સપ્પુને ચૂકવતો ન હતો.

22 માસથી ભરણ પોષણ ચૂકવ્યું નથી

22 માસથી રાજેશ ગોયલ ભરણ-પોષણ ચૂકવતો ન હોવાથી સપના ઉર્ફ સપ્પુ રૂપિયા 6,40,000 ચૂકવવાના ઓર્ડર સમન્સ સાથે શનિવારે વડોદરા આવી પહોંચી હતી. પી.સી.બી. શાખાને આરોપી પતિ રાજેશ ગોયલને સમન્સ બજાવવા રજૂઆત કરી હતી. જે રજૂઆતના અનુસંધાનમાં પોલીસ રાજેશ ગોયલને પોલીસ મથકમાં લઇ આવી હતી. અને તેનો જવાબ લીધો હતો. જવાબમાં તેઓ પાસે સમન્સ મુજબ તા.22-10-19ના રોજ મુંબઇ કોર્ટમાં હાજર રહેવાની ખાતરી લેવામાં આવી હતી.

એક-બીજા પર ચારિત્ર્ય અંગેના આક્ષેપો કર્યા

ઉલ્લેખનિય છે કે, શહેરના આજવા રોડ ઉપર આવેલ એ-27, તક્ષ આંગણ સોસાયટીમાં રહેતો રાજેશ ગોયલ અગાઉ ગુજરાતી ફિલ્મો બનાવતો હતો. તે સમયે સપના ઉર્ફ સપ્પુ તેના સંપર્કમાં આવી હતી. અને તેની સાથે બાદમાં લગ્ન કરી લીધા હતા. લગ્ન જીવન દરમિયાન તેઓને એક પુત્ર પણ છે. નોંધનીય એ પણ છે કે, આ દંપતિએ અગાઉ એક-બીજા ઉપર ચારિત્ર્ય અંગેના આક્ષેપો પણ કર્યા હતા. અને હાલમાં પણ તેઓ એકબીજા ઉપર આક્ષેપો કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here