Thursday, March 28, 2024
Homeબ્રિટનનાં મંત્રીએ કહ્યું- ખેડૂત આંદોલન ભારતનો આંતરિક મામલો
Array

બ્રિટનનાં મંત્રીએ કહ્યું- ખેડૂત આંદોલન ભારતનો આંતરિક મામલો

- Advertisement -

બ્રિટન (UK)ની સંસદમાં સોમવારે એક વખત ફરી ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનનો મુદ્દો ગુંજ્યો હતો. UKએ પુનરાવર્તિત કર્યું કે કૃષિ સુધારણા કાયદો ભારતનો આંતરિક મામલો છે અને લોકશાહીમાં સુરક્ષાદળોને કાયદો અને વ્યવસ્થા લાગુ કરવાનો અધિકાર છે. હકીકતમાં બ્રિટિશ સંસદના વેસ્ટમિંસ્ટર હોલમાં યોજાયેલી આ ચર્ચામાં 18 બ્રિટિશ સાંસદોએ ભાગ લીધો હતો, જેમાંથી 17 લોકોએ આંદોલનને ટેકો આપ્યો હતો. લેબર પાર્ટીએ આ ચર્ચાવિચારણાની માગ કરી હતી.

વિદેશી સંસદમાં થયેલી ચર્ચા પર ભારતે સખત વિરોધ નોંધાવ્યો છે. બ્રિટનમાં ભારતના ઉચ્ચ આયોગે કહ્યું છે કે સાંસદોએ ચર્ચા દરમિયાન ખોટાં તથ્યો રજૂ કર્યાં હતાં. અમે દિલગીર છીએ કે ચર્ચા દરમિયાન ખોટા દાવાઓના આધારે અને કોઈપણ તથ્યોના આધાર પર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે વિદેશી મીડિયા (બ્રિટિશ મીડિયા સહિત) ભારતમાં હાજર છે અને બધાએ આંદોલનના સમાધાન માટે થયેલી વાતચીત જોઇ છે. ભારતમાં મીડિયાની સ્વતંત્રતાના અભાવનો કોઈ સવાલ જ નથી.

બ્રિટિશ મંત્રીએ કહ્યું- શાંતિપૂર્ણ વિરોધનો અધિકાર લોકશાહીમાં મહત્ત્વપૂર્ણ

UKમાં મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર એશિયા નિગેલ એડમ્સે કહ્યું હતું કે કૃષિનીતિ ભારત સરકાર માટે એક આંતરિક મામલો છે. અમારી સરકારનું દૃઢ્તાપણે માનવું છે કે વાણી સ્વતંત્રતા અને શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર કોઈપણ લોકશાહી માટે મહત્ત્વપૂર્ણ છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે અમે એનો પણ સ્વીકાર કરીએ છીએ કે જો કોઈ વિરોધ પ્રદર્શન પોતાની મર્યાદા ઓળંગે છે, તો લોકશાહીમાં સુરક્ષાદળોને કાયદો-વ્યવસ્થા લાગુ કરવાનો અધિકાર છે. એડમ્સે સંસદમાં ‘ભારતમાં શાંતિપૂર્ણ વિરોધ અને પ્રેસની સ્વતંત્રતા’ ના મુદ્દા પર ચર્ચા દરમિયાન આ નિવેદન આપ્યું હતું.

વાતચીત દ્વારા ઉકેલ આવવાની આશા

તેમણે કહ્યું હતું કે ભારતમાં આપણા હાઈકમિશન નેટવર્કના અધિકારીઓ આ મામલા પર નજર રાખી રહ્યા છે અને કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અંગે અમને સતત ફીડબેક આપી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે ભારત સરકાર આ બાબતે સમાધાન મેળવવા તેમણે અનેક વખત ખેડૂતો સાથે વાત કરી, પણ કોઈ સમાધાન મળી શક્યું નથી. તેમણે આશા વ્યક્ત કરી કે ટૂંક સમયમાં આ મામલો વાતચીત દ્વારા ઉકેલી લેવામાં આવશે.

બ્રિટનની સંસદમાં ચર્ચા થઈ

બ્રિટનની સંસદમાં ચર્ચા એક અરજી બાદ થઈ હતી. એમાં બ્રિટિશ સરકારને અપીલ કરવામાં આવી છે કે તેઓ આંદોલનકારી ખેડૂતોની સલામતી અને પ્રેસની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર પર દબાણ બનાવે. આ અરજી નવેમ્બરમાં કરાઇ હતી, જેમાં લગભગ 1 લાખથી વધુ લોકોએ હસ્તાક્ષર કર્યા હતા.

ખેડૂત આંદોલનને લેબર પાર્ટીનું સમર્થન

કોવિડ પ્રોટોકોલને કારણે કેટલાક સાંસદોએ ઘરેથી ડિજિટલ માધ્યમથી એમાં ભાગ લીધો હતો. કેટલાક સાંસદો સંસદમાં હાજર હતા. ખેડૂત આંદોલનને લેબર પાર્ટી તરફથી સૌથી વધુ સમર્થન મળ્યું છે. લેબર પાર્ટીના 12 સાંસદો જેમાં ભૂતપૂર્વ નેતા જેરેમી કોર્બિન પણ સામેલ હતા. કોર્બિને આ અગાઉ પણ ખેડૂતોનું સમર્થન કર્યું હતું.

વિદેશી સંસદમાં ચર્ચા થઈ શકે નહીં: વિલિયર્સ

આ દરમિયાન કન્ઝર્વેટિવ પાર્ટીની થેરેસા વિલિયર્સે ભારત સરકારને સમર્થન આપતાં કહ્યું હતું કે કૃષિ આંદોલન એ ભારતનો પોતાનો આંતરિક મામલો છે, વિદેશી સંસદમાં એની ચર્ચા થઈ શકે નહીં.

ભારતમાં 100 દિવસ કરતાં વધુ સમયથી ચાલી રહ્યું આંદોલન

ભારતની રાજધાની દિલ્હીની બોર્ડર પર છેલ્લા 100થી વધુ દિવસથી આંદોલન કરી રહ્યું છે. તેમની માગ છે કે નવા ત્રણેય કૃષિ કાયદા સંપૂર્ણપણે પરત લેવામાં આવે. સરકારે કાયદામાં સંશોધનની વાત કરી હતી, પરંતુ ખેડૂતો આ માટે તૈયાર નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular