બુલેટ ટ્રેનમાં વર્ષ 2022માં બેસવા નહીં મળે, હજુ આટલું મોડું થઇ શકે

0
40

ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ જેવો બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ એક સપનું બનીને રહી જાય તેવી શક્યતાઓ દેખાઇ રહી છે, કારણ કે મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપી ગઠબંધનની સરકારને આ પ્રોજેક્ટમાં રસ નથી. રેલવેના સૂત્રોએ કહ્યું હતું કે જો આ ગતિએ પ્રોજેક્ટ ચાલશે તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં બે વર્ષનો વિલંબ થાય તેવો ભય છે.

બુલેટ ટ્રેનનો પ્રથમ તબક્કો 2022માં શરૂ કરવાનો મોદીનો ઇરાદો હતો પરંતુ તેની પર જમીન સંપાદને પાણી ફેરવી નાંખ્યું છે. હવે સીએમઓના સૂત્રો કહે છે કે આ પ્રોજેક્ટ 2023ના અંતે પૂર્ણ થાય તેમ છે પરંતુ હજી 60 ટકા જમીન સંપાદન કરવાની બાકી છે. જો મહારાષ્ટ્રની સરકાર સહકાર આપે તો આ પ્રોજેક્ટ નિર્ધારિત સમયે શરૂ થઇ શકે તેમ છે તેવો દાવો રાજ્ય સરકાર કરી રહી છે. જો કે લોકસભાની 2024ની ચૂંટણી પહેલાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ થાય તેવી કોઇ શક્યતા દેખાતી નથી.

એક લાખ કરોડ કરતાં વધુ રકમનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જમીન સંપાદન પ્રક્રિયામાં અટવાયેલો છે. ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બન્ને રાજ્યોમાં જમીન સંપાદન કરવાની થાય છે. મહારાષ્ટ્રના શિવસેનાના એક મંત્રીએ તો કહ્યું હતું કે અમે મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન નહીં કરીએ, કારણ કે ખેડૂતો જમીન ગુમાવી રહ્યાં છે. એટલું જ નહીં આ ટ્રેન માટે મેન્ગ્રુવ્સનું મોટા પાયે નિકંદન નિકળી જાય તેમ છે તેથી અમને બુલેટ ટ્રેનમાં કોઇ રસ નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં 80 ટકા લોન જાપાન સરકારે આપી છે જ્યારે બાકીના 20 ટકાનો ખર્ચ ગુજરાત અને મહારાષ્ટ્રની સરકારો વચ્ચે વહેંચવામાં આવશે. મહારાષ્ટ્રમાં શિવસેનાએ બુલેટ ટ્રેનનો શરૂઆતમાં વિરોધ કર્યો હતો. હવે મહારાષ્ટ્રની સરકાર બુલેટ ટ્રેન માટે તેમના ફાળે આવતી રકમ આપવાનો ઇન્કાર કરી રહી છે. જો તેમ થશે તો બુલેટ ટ્રેન ગુજરાતના વિસ્તારો સુધી તૈયાર થશે અને જ્યારે ફરી ભાજપની સરકાર આવશે ત્યારે આ પ્રોજેક્ટ પૂર્ણ રીતે પૂરો થશે. આમ છતાં કેન્દ્ર સરકાર મહારાષ્ટ્ર સરકારના સંપર્કમાં છે અને બુલેટ ટ્રેનમાં સહકાર આપવાની વિનંતી કરી રહી છે.

અમદાવાદ અને મુંબઇ વચ્ચે 508 કિલોમીટરના અંતર વચ્ચે બુલેટ ટ્રેન દોડવાની છે. આ પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય ફાસ્ટટ્રેક પર ચાલી રહ્યું છે. નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના એમડી અચલ ખરે ના જણાવ્યા પ્રમાણે આ પ્રોજેક્ટ માટે પહેલી એચએસઆર કાર્યાન્વિત કરનારી એજન્સીએ 2020માં કામગીરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. રેલવે મંત્રાલય, ગુજરાત અને મહારાષ્ટ્રની સરકાર દ્વારા સ્થાપિત એસપીવીની ગતિવિધિ શરૂ કરવામાં આવી છે. બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં 25000 જેટલા વૃક્ષોના સ્થાનાંતરણનો પ્રશ્ન છે એ ઉપરાંત કેબલ, તેલના કુવા અને અન્ય ઉપયોગિતા અંગે ઝડપ કરવામાં આવી રહી છે.

આ પ્રોજેક્ટને 27 વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે જેમાં 50 હજાર કરોડ રૂપિયા માત્ર નવ વિભાગો વચ્ચે વહેંચવામાં આવશે. આ કામગીરી માટે ટેન્ડર ઇસ્યુ કરવામાં આવ્યા છે અને આગામી બે ત્રણ મહિનામાં કામ શરૂ કરાશે. બાકીના વિભાગો માટે ટેન્ડર ઇસ્યુ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. અચલ ખરે એ કહ્યું હતું કે અમદાવાદમાં સાબરમતી અને મુંબઇમાં બાંદ્રા કુર્લા કોમ્પલેક્સ વચ્ચે 90 ટકાથી વધુ લાઇનોનું સિવિલ કામ પૂરૂ કરવાનું કહેવામાં આવ્યું છે.

જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી – જીકા એ આ યોજના માટે 89 હજાર કરોડની લોન આપી છે જે 50 વર્ષના સમયમાં પાછી આપવાની થાય છે. બુલેટ ટ્રેનમાં કુલ 12 સ્ટેશનો નિયત કરવામાં આવ્યા છે જેમાં સાબરમતી અને બાંદ્રા કુર્લા કોમ્પલેક્સ ઉપરાંત કાલુપુર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલીમોરા, વાપી, બોઇસર, વિરાર અને થાણે છે.

ગુજરાત અને મહારાષ્ટ્રના વહીવટી તંત્રને પણ કામે લગાડવામાં આવ્યું છે જેમાં કેટલાક કોર્પોરેશન આવે છે. રેલવે ભવનો તેમજ ઓએનજીસીના પાંચ કુવાઓનું સ્થળાંતર ચાલી રહ્યું છે. આ રૂટ પર 150 જેટલી હાઇ વોલ્ટેજ વીજળી લાઇનો અને બન્ને રાજ્યોની મળીને કુલ 1600થી વધુ વીજળી સાધનોને ખસેડ઼વાના થાય છે. આ પ્રોજેક્ટ હેઠળ 1400 હેક્ટર ખાનગી જમીન સંપાદન કરાવાની થાય છે પરંતુ અત્યાર સુધીમાં માત્ર 620 હેક્ટર જમીન સંપાદનમાં લેવામાં આવી છે.

રેલવે મંત્રાલયના સૂત્રો કહે છે કે બુલેટ ટ્રેનનો પહેલો ટ્રાયલ સુરત અને બિલીમોરા વચ્ચે લેવામાં આવશે અને તે ઓગષ્ટ 2022માં લેવાશે. આ કારણથી જમીન સંપાદનની કાર્યવાહીમાં ઝડપ કરવામાં આવી રહી છે. ભારતમાં કુલ છ ટ્રેનો બનશે. પ્રાથમિક અનુમાન પ્રમાણે એન્ડ ટુ એન્ડ ટિકીટની કિંમત 3000 રૂપિયા રાખવામાં આવી છે પરંતુ પ્રોજેક્ટમાં વિલંબ થશે તો ટ્રેનની ટિકીટ 4000 રૂપિયા થઇ શકે છે. જો કે આ પ્રોજેક્ટમાં જરૂરી જમીન સંપાદન કરવાની કાર્યવાહી અત્યારે ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here