દાદા પાસેથી 8 હજારની લોન લઈને શરૂ કરેલો બિઝનેસ 35 કરોડ સુધી પહોંચાડ્યો, 19 વર્ષની ઉંમરે ઓટોમોબાઈલ કંપની સ્થાપવાનો રેકોર્ડ

0
10

અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં રહેતાં 19 વર્ષીય રાજ મહેતાએ દાદા પાસેથી 8 હજાર રૂપિયાની લોન લઈને આ રકમમાંથી શરૂ કરેલો ઓટોમોબાઈલનો બિઝનેસ આજે 35 કરોડ સુધી પહોંચાડી દેવાની સફળતા હાંસલ કરી છે. વધુ આશ્ચર્યજનક વાત તો એ છે કે, રાજે પોતાની કંપનીની સ્થાપના 15 વર્ષની વયે કરી હતી અને 17 વર્ષની વયે તેણે એક્સપોર્ટ ઇમ્પોર્ટ માટેનું લાયસન્સ પણ મેળવી લીધું હતું. તે ઉપરાંત તેણે 19 વર્ષની વયે સૌથી યુવા વયે ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીના સ્થાપક તરીકે રેકોર્ડ ઉભો કરીને તેણે ગુજરાતને જ નહીં બલ્કે સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે.

રાજ મહેતાએ ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે નાની ઉંમરમાં મળતા ખિસ્સા ખર્ચીની કરેલી બચતમાંથી ઇ સાયકલ બનાવીને પોતાને પડતી તકલીફ તો દૂર કરી હતી. તેમાં મળેલી સફળતાં બાદ તેણે દિવ્યાંગ તથા પેંડલ રિક્ષાચાલકોની તકલીફો દૂર કરવા ઇ ટ્રાઇસીકલ તેમ જ ઇ પેંડલ રિક્ષા બનાવી હતી. તે આજે 19 વર્ષની વયે ઇ સ્કૂટરનું ઉત્પાદન કરવા લાગ્યો છે.

13 વર્ષની વયે ઈ સાયકલ બનાવવાનો વિચાર આવ્યો

મૂળ સંતરામપુરનો વતની રાજ મહેતાના પિતા તથા દાદા ફાઈનાન્સનો ધંધો કરતા હતા. તે ભણવા માટે અમદાવાદના મણિનગર ખાતે રહેતાં ફોઇને ત્યાં આવ્યો હતો. SG હાઇવે પરની SGVP સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. આટલે દૂરથી અવરજવર કરવામાં તકલીફ થતાં તેના પિતાએ તેને સાયકલ અપાવી હતી. પરંતુ સાયકલમાં આવવા જવામાં ત્રણેક કલાકનો સમય જતો હતો. દિવસમાં સતત સાયકલ પર પ્રવાસ કરીને તે થાકીને લોથપોથ થઇ જતો હતો.તેણે આ ઝંઝટમાંથી કેવી રીતે મુક્તિ મેળવી શકાય અને કોઇના પર આધારિત ના રહેવું પડે તે દિશામાં વિચારતો હતો.તે સાયકલમાં પેન્ડલ માર્યા વગર કેવી રીતે દોડાવી શકાય તે દિશામાં વિચારતો હતો. એક વખત ઈન્ટરનેટ સર્ફિંગ દરમિયાન તેને ઉપાય સૂજ્યો કે સાયકલમાં મોટર લગાવી દઇએ તો આ તકલીફમાંથી મુક્તિ મળી જાય.

પેંડલ રીક્ષા ચાલકો માટે પણ ઇ પેન્ડલ રિક્ષા બનાવી

રાજે વિદેશથી મંગાવેલા PCB સરકીટ, બેટરી અને મોટરનું કોમ્બીનેશન કરીને સાયકલમાં ફીટ કરી દીધા હતા. પ્રથમ ટ્રાયલ તેના પિતા શૈલેષભાઇને જ કરવા કહ્યું હતું. ત્યારે પિતાએ પોતાનું વજન મોટર ખેંચી શકશે કે નહીં તેવો સવાલ કર્યો હતો. પરંતુ તેમના અચરજ અને આશ્ચર્ય વચ્ચે સાયકલ સડસડાટ દોડવા માંડી હતી. તેણે ત્યારબાદ રસ્તા પરથી પસાર થતી વખતે દિવ્યાંગોની તકલીફ જોઇને તેમના માટે પણ ઇ ટ્રાઇસીકલ તથા પેંડલ રીક્ષા ચાલકો માટે પણ ઇ પેન્ડલ રિક્ષા બનાવી હતી. એક પછી એક સફળતાના શિખરો સર કરતાં રાજને યુવા વર્ગ માટે ઇ સ્કૂટર બનાવવાનો વિચાર સ્ફૂર્યો હતો. તેણે તેને અમલમાં પણ મૂક્યો હતો. આશ્ચર્ય વચ્ચે તે આજે રાજ ઇલેકટ્રોમોટીવ્સ નામની કંપનીનો માલિક બની ગયો છે.

ગ્રેટાના નામથી ઇ સ્કૂટરનું ઉત્પાદન શરૂ કરી દીધું

રાજ મહેતાએ ગ્રેટાના નામથી ઇ સ્કૂટરનું ઉત્પાદન શરૂ કરી દીધું હતું. 4 મોડલના 22 કલરો ધરાવતાં આ ઇ સ્કૂટરનું વજન 75 કિલો છે. પરંતુ તે 140 કિલો વજનનું વહન કરી શકે છે. તેમાં 60 વોલ્ટની લીથીયમ બેટરી છે. જેમાં સ્માર્ટ ટર્બો ચાર્જર છે. ત્રણથી ચાર કલાકમાં બે યુનિટ ચાર્જ થઇ જતાં સ્કૂટર 100 કિલોમીટર ચાલે છે. આ સ્કૂટરમાં લેટેસ્ટ ટેકનોલોજી ધરાવતી ફાયબર અને અનબ્રેકેબલ બોડીઝ છે. રિમોટ કંટ્રોલથી ચાલુ બંધ થાય છે. બ્રેક દબાવવાથી એક્સીલેટર બંધ થઇ જાય છે. સ્પીડમાં દોડતા આ સ્કૂટરની ખાસિયત એ છે કે તેમાં રિવર્સ ગિયર પણ છે.

રાજ હાલ નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે

રાજે સ્થાપેલી કંપની માટે વિદેશથી રોકાણકારો અને ભાગીદારી માટે ઓફર આવી છે. આ કંપનીની વેલ્યુએશન 5 મિલિયન ડોલર એટલે કે ભારતીય રકમમાં જોઇએ તો 35 કરોડ રૂપિયા થાય. પરંતુ રાજને હજુ આ કંપનીનો વિકાસ કરવો છે. રાજ હાલ નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. ટૂંક સમયમાં નવા સેકટરમાં પણ ઇલેક્ટ્રીક ક્રાંતિ સ્થપાવાની તેની ઈચ્છા છે. રાજની સફળતાં જોઇને ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સ્ટાર્ટ અપ યુનિવર્સીટીએ તેમની યુનિવર્સીટીમાં બી.ઇ.ની ડિગ્રી આપવા માટેની ઓફર કરી હતી. હાલ તે આ યુનિવર્સીટીમાં થર્ડ ઇયર બી.ઇ.માં અભ્યાસ કરે છે. તેની સાથોસાથ બિઝનેસ સંભાળે છે.હાલ યુરોપ, નેપાળ ઉપરાંત દેશમાં આઠ આઉટલેટસ છે જેમ કે યુ.પી., ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તામિલનાડુ, મધ્યપ્રદેશ તથા છત્તીસગઢમાં છે. તબક્કાવાર તેમાં વધારો કરતો જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here