વડોદરાના ચાંદોદ ગામની ગોદમાંથી પસાર થતી નર્મદા નદીમાં ગંગા દશહરાની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 26 મેના રોજ ગંગા દશહરાના દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે અને આરતી કરશે. મોટી સંખ્યામાં આ પાવન અવસરમાં જોડાતા હોવાથી જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદ ખાતે પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના કિનારે દસ દિવસીય ગંગા દશહરા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે ગંગા દશહરા મહોત્સવમાં તા. 26 મેના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગંગા દશાહરા મહોત્સવમાં જોડાશે અને મલ્હાર રાવ ઘાટ ખાતે ગંગાજી-નર્મદાજી માતાની આરતી કરશે.
સુપ્રસિધ્ધ મલ્હારરાવ ઘાટના કિનારે ગંગાજીનું પૃથ્વી પર અવતરણ થયું હતું. તેની સ્મૃતિમાં વર્ષોની પરંપરા મુજબ ગંગા દશહરા મહોત્સવ ઉજવાય છે. મહોત્સવની દસ દિવસ સુધી ઉજવણી કરવામાં આવે છે અને દસ દિવસની ઉજવણી દરમિયાન રોજ હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ એકઠા થઇ નર્મદાજીની આરતીનો લાભ લઇ રહ્યા છે. વેદોક્ત મંત્રોચ્ચાર સાથે થઇ રહેલી પૂજાથી વાતાવરણ ભક્તિમય બની ગયું છે.