નવી દિલ્હી, તા. 12 જુલાઇ 2019, શુક્રવાર
ગ્લોબલ વોર્મિંગના પગલે યૂરોપના દિલ તરીકે વખણાતું અત્યંત સુંદર શહેર વેનિસ પાણીમાં ગરક થઇ રહ્યું હોવાના અહેવાલ પ્રગટ થયા હતા. કેટલાક વિસ્તારોમાં મલ્ટિસ્ટોરી બિલ્ડીંગમાં પહેલા માળ સુધી પાણી પહોંચી ગયું છે. પેઢીઓથી અહીં વસતા હજારો પરિવારો પોતાની નજર સામે પોતાના વહાલા નગરને ડૂબતું જોઇ રહ્યા છે. પરંતુ એ લોકો નગરને બચાવવા કશું કરી શકે એમ નથી.
લેટેસ્ટ સેટેલાઇટસ્ની મદદથી પૃથ્વી પર થઇ રહેલાં પરિવર્તનની તસવીરો મેળવી શકાય છે. એના દ્વારા મળેલા ફોટોગ્રાફ્સમાં ઇટાલીનું આ મનોહર શહેર પાણીમાં ગરક થઇ રહ્યાનો પુરાવો મળ્યો હતો. આ ફોટોગ્રાફ્સ પરથી એવી જાણકારી મળી હતી કે છેલ્લાં ત્રણ ચાર વર્ષથી વેનિસમાં જળસપાટી 0.8 મિલિમીટરથી એક મિલિમીટર જેટલી ઝડપે વધી રહી હતી.
વિજ્ઞાનીઓ કહે છે કે આ પરિવર્તન માટે કુદરત કરતાં અવિચારી જીવન જીવી રહેલો માણસ વધુ જવાબદાર છે. લંડનથી પ્રગટ થતા ઇન્ડિપેન્ડન્ટ અખબારમાં પ્રગટ થયેલા અહેવાલ મુજબ વિજ્ઞાનીઓએ ગંભીર ચેતવણી ઉચ્ચારી હતી કે તત્કાળ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો આ સદીના અંત પહેલાં વેનિસ સદાને માટે અદ્રશ્ય થઇ જશે.