હવામાન : બંગાળની ખાડી અને અરબ સાગરમાં સર્જાયેલા ત્રણ વાવાઝોડાના કારણે ઠંડીનું પ્રમાણ ઓછું, રાજ્યમાં આગામી સપ્તાહમાં ઠંડી વધશે.

0
0

રાજ્યમાં ડિસેમ્બર મહિનો શરુ થયો હોવા છતાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો નથી. બંગાળની ખાડી અને અરબ સાગરમાં સર્જાયેલા ત્રણ વાવાઝોડાના કારણે હજી ઠંડીનું પ્રમાણ ઓછું છે. બંગાળની ખાડીમાં બુરેવી નામનું એક વાવાઝોડું સક્રિય થયું છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થાય એટલે ગુજરાતના વાતાવરણ પર અસર જોવા મળે છે.વાવાઝોડાના કારણે પવનની દિશા બદલાય છે. રાજ્યમાં નલિયા, ગાંધીનગર અને વલસાડમાં સૌથી ઓછું તાપમાન 13 ડિગ્રી જેટલું નોંધાયું છે. અમદાવાદમાં 14થી 16 ડિગ્રીની આસપાસ ઠંડી રહેવાની શક્યતા છે.

22 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધીમાં ત્રણ વાવાઝોડા સક્રિય થયા

22 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધીમાં ત્રણ વાવાઝોડા સક્રિય થયા છે. જેમાં અનુક્રમે ગતિ, નિવાર અને બુવેરી વાવાઝોડા છે. વાવાઝોડાના કારણે ઋતુઓની પેટર્ન ઉપર પણ અસર જોવા મળે છે. જે અત્યારે ગુજરાત માં જોવા મળી છે. વાવાઝોડાના કારણે પવનની દિશા બદલાય છે. તાપમાન ઉંચું નોંધાતા શિયાળાની ઋતુમાં પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.

વાવાઝોડું નબળું પડતા ફરી ઠંડીનું પ્રમાણ વધશે

ડિસેમ્બર મહીનામાં ઉત્તર તરફના પવન ફૂંકાતા હોય છે પરંતુ વાવાઝોડાના કારણે પૂર્વ દક્ષિણ પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. જેના કારણે લઘુતમ તાપમાન સામાન્ય કરતા બે ડિગ્રી ઉંચું નોંધાયું છે. તાપમાન ઉંચું રહેવાના કારણે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. હવામાન વિભાગ મુજબ બુરેવી વાવાઝોડાની અસર ગુજરાતને થશે નહીં. જોકે દરિયામાં કરંટ હોવાના કારણે માછીમારોને કેરળના દરિયા કિનારા તરફ ન જવા માટે સૂચના આપવામાં આવી છે. વાવાઝોડું નબળું પડતા ફરી ઉત્તર તરફના પવન ફૂંકાવવાનું શરૂ થશે અને ઠંડીનું પ્રમાણ વધશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here