નારોલ મંડપ ડેકોશનની કંપનીમાં કામ કરતા કર્મચારીએ ગોડાઉનમાંથી કુલ રૃ. ૧૦.૨૩ લાખના ડેકોરેશનના પતરા કંપનીને ભંગારમાં બારોબાર વેચી દીધા હતા. જેમાં કંપનીના માલિકે પિરાણા રોડ ઉપરની નાસ્તાની દુકાનમાં તેમની કંપનીના પતરા લાગેલ જોતા શંકા ગઇ હતી અને તપાસ કરતા ભાંડો ફૂટયો હતો. આ બનાવ અંગે નારોલ પોલીસે કર્મચારી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મેમનગરમાં રહેતા અને નારોલ પીરાણા રોડ પર આવેલ લલ્લુજી એન્ડ સન્સ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા આધેડે નારોલ પોલીસ સ્ટેશનમાં કંપનીના ગોડાઉનમાં નોકરી કરતા કર્મચારી સામે ફરિયાદ નાંેધાવી છે કે તેઓ તા ૯ના રોજ જ્યારે નોકરી પર આવવા માટે નીકળ્યા હતા. ત્યારે તેમની કંપનીના માલિકનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે પિરાણા રોડ ઉપર પટેલ નાસ્તા હાઉસ દુકાનની ફરતે લોખંડના પતરાનો શેડ બનાવ્યો છે અને તે પતરા આપણી કંપનીના છે અને ગોડાઉનમાં રાખેલા હતા તેવું મને લાગી રહ્યું છે. ત્યારબાદ કંપનીના મેનેજરે તપાસ કરતા ૨૩ જેટલા પતરા ઉપપ તેમની કંપનીનો સિક્કો લાગેલ હતો. ત્યારબાદ પતરા અંગે વેપારીને પૂછયું તો વટવા બીબી તળાવ પાસે રહેતા શખ્સનું નામ જાણવા મળ્યું હતું. જેથી મેનેજરે કંપનીના બે માણસોને સાથે લઈને બીબી તળાવ પાસે રહેતા મળવા માટે પહોચી ગયા હતા ત્યાં જઈને તપાસ કરી તો તેમના ગોડાઉનમાં કુલ ૧૦૦૦ પતરા કંપનીના સિક્કા વાળા મળી આવ્યા હતા. પતરા અંગે પૂછતા મોની હોટલના ખાંચામાં રહેતા ભંગારવાળા પાસેથી ખરીદ્યા હોવાનું જણાવ્યું હતું બાદમાં કંપનીના કર્મચારીએ ભંગારવાળાને મળતા હકીકત સામે આવીને ડ્રાઈવર પાસેથી લોખંડના પતરા ખરીદ્યા હતા. ડ્રાઈવરને બોલાવીને પૂછપરછ કરતા આખો મામલો સામે આવ્યો કે તેઓની કંપનીના જેતલપુરમાં આવેલા ગોડાઉનમાં કામ કરતા કર્મચારીએ લોખંડના પતરા આપ્યા હતા. આ અંગે મેનેજરે કર્મચારી શ્રવણકુમાર સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.