રાજકોટ : કોરોના પોઝિટિવ દર્દીઓના નામ જાહેર ન કરાતા કોંગ્રેસનો હોબાળો, વિપક્ષ નેતા વશરામ સાગઠિયા ઉપવાસ કરે તે પહેલા જ અટકાયત

0
2

રાજકોટમાં મહાનગરપાલિકાએ કોરોના પોઝિટિવ દર્દીઓના નામ જાહેર કરવાનું બંધ કરતા કોંગ્રેસ વિરોધ કરી રહી છે. કોંગ્રેસના કાર્યકરોએ આજે કોર્પોરેશનમાં હોબાળો મચાવ્યો હતો. કોરોના પોઝિટિવ દર્દીઓના નામ જાહેર કરવા માટે વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ ઉગ્ર રજૂઆત કરી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે રજૂઆતના અંતે વશરામ સાગઠિયા ઉપવાસ પર બેસે તે પહેલા જ સાગઠિયા સહિતના કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. જેથી કોંગી કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો.

દર્દીઓની પ્રાઇવેસી ધ્યાને રાખીને નામ જાહેર કરાતા નથીઃ મનપા કમિશનર

થોડા દિવસ પહેલા કોંગ્રેસે આવેદનપત્ર આપીને કોરોના પોઝિટિવ દર્દીઓ જાહેર કરવાની માંગ કરી હતી. કોંગ્રેસનું કહેવું છે કે ક્યાં વિસ્તારમાં અને કોની-કોની આસપાસમાં કોરોના પોઝિટિવ દર્દી આવ્યા છે તેની માહિતી લોકો માટે જાહેર કરવી જોઈએ. વિપક્ષ નેતા વશરામ સાગઠીયાએ જણાવ્યું હતું કે, નામ જાહેર નહીં કરો તો લોકોને કેવી રીત ખબર પડશે કે તેની બાજુમાં જ કોરોના પોઝિટિવ દર્દી રહે છે. આથી નામ જાહેર કરવા જરૂરી છે. બીજી તરફ મપનામા કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, દર્દીઓની પ્રાઇવેસી ધ્યાને રાખીને નામ, સરનામા જાહેર કરવામાં આવતા નથી.