દેશના સૌથી મોટા હેલ્થ અધિકારી ખોટા:ટ્રમ્પે કહ્યું- વેક્સિનથી વધુ અસરકારક ન હોઈ શકે માસ્ક, CDC ચીફ રેડફીલ્ડે કહ્યું હતું- વેક્સિનથી વધુ અસરકારક છે માસ્ક

0
5
  • ડોનાલ્ડ ટ્રમ્પ બે મુદ્દા પર યુએસ સેન્ટર ફોર ડીઝીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડાયરેક્ટર રોબર્ટ રેડફીલ્ડ સાથે સહમત નથી
  • રેડફીલ્ડના જણાવ્યા મુજબ, માસ્ક કે ફેસ કવર વેક્સિનથી વધુ અસરકારક છે, ટ્રમ્પે તેની આ વાતને નકારી

સીએન 24,સમાચાર

અમેરિકાના સેન્ટર ફોર ડીઝીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન(CDC)ના ડાયરેક્ટર રોબર્ટ રેડફીલ્ડે કહ્યું હતું કે માસ્ક પહેરવું વધુ ઈફેક્ટિવ છે. જોકે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દેશના સૌથી મોટા હેલ્થ અધિકારીની આ દલીલ સાથે સહમત નથી. બુધવારે રાતે ટ્રમ્પે માસ્ક અંગે નવો અભિગમ રજૂ કર્યો હતોઃ કોઈપણ સંજોગોમાં માસ્ક વેક્સિનથી વધુ અસરકારક સાબિત ન થઈ શકે.

ટ્રમ્પ ખૂબ જ ઓછા પ્રસંગે માસ્ક પહેરેલા જોવા મળ્યા છે. પ્રારંભિક તબક્કે તો તેમણે કોરોનાની સરખામણી ફ્લૂ સાથે કરી હતી. અમેરિકામાં કોરોના વેક્સિન ઉપલબ્ધ થવાના મુદ્દા પર પણ રેડફીલ્ડ અને ટ્રમ્પ વચ્ચેના મતભેદ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

કઈ રીતે શરૂ થયો મામલો ?
આ મામલો બુધવાર સવારથી શરૂ થયો હતો. કોરોના વાઇરસને રોકવા અને વેક્સિન સંબંધી સવાલોના જવાબ આપવા માટે સીડીસી ચીફ સિનેટની એક કમિટી સમક્ષ હાજર થયા. પછીથી મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, બે વાતો સ્પષ્ટ કરવા માગું છું. પ્રથમ- વેક્સિન આગામી વર્ષના વચ્ચેના ગાળામાં તમામ અમેરિકનો સુધી પહોંચી જશે. બીજી- માસ્ક દરેક સ્થિતિમાં વેક્સિનથી વધુ અસરકારક ઉપાય છે.

ટ્રમ્પે શું કહ્યું
કારણ કોઈપણ હોઈ શકે છે. જોકે ટ્રમ્પને રેડફીલ્ડની દલીલ પચી નહિ. કેટલાક કલાકો પછી મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, મેં તેમનું નિવેદન સાંભળ્યું. તેમને બોલાવીને વાતચીત કરી. મેં તેમને પૂછ્યું, અંતે તમે શું કહેવા માગો છે ? મને લાગે છે કે સીડીસી ચીફે ભૂલ કરી નાખી છે. હું એ વાત સાથે બિલકુલ સહમત નથી કે માસ્ક વેક્સિનથી વધુ અસરકારક છે. આવું કઈ રીતે થઈ શકે છે. માસ્ક કદાચ સંક્રમણ રોકવામાં મદદગાર સાબિત થઈ શકે છે. જોકે વેક્સિન જ સારો ઉપાય છે.
ટ્રમ્પનો દાવો છે- રોબર્ટે એ વાત માની લીધી છે કે વેક્સિન માસ્કની સરખામણી વધુ અસરકારક છે અને તેમની વાતને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. અર્થઘટન ખોટું કરવામાં આવ્યું છે.

વેક્સિન પર ચર્ચા આ કારણે
રેડફીલ્ડ જ્યારે સિનેટ કમિટી સમક્ષ હાજર થયા તો તેમણે કહ્યું- જો આજે વેક્સિન આવી જાય છે તોપણ એને તમામ અમેરિકનો સુધી પહોંચવામાં 6થી 9 મહિના લાગશે. ખાસ વાત એ છે કે ટ્રમ્પના કોરોના વાઇરસના એડવાઈઝર ડોક્ટર એન્થોની ફોસી પણ ઘણી વખત આ વાત કહી ચૂક્યા છે. જોકે રાષ્ટ્રપતિ તેમના જ એડવાઈઝરની વાતને ફગાવી દે છે. રેડફીલ્ડના જણાવ્યા મુજબ માસ્ક દ્વારા સંક્રમણ પર થોડા મહિનામાં જ કાબૂ મેળવી શકાય છે. જોકે આ માટે શરત એટલી જ છે કે એને યોગ્ય રીતે પહેરવો જોઈએ.

ટ્રમ્પને ચૂંટણીની ચિંતા
3 નવેમ્બરે રાષ્ટ્રપતિ ચૂંટણી છે. ટ્રમ્પને તેની વધુ ચિંતા છે. એ પાછળનું કારણ એ છે કે ડેમોક્રેટ કેન્ડિડેટ કોરોના વાઇરસ પર સરકારની નિષ્ફળતા લોકો સમક્ષ લાવી રહ્યા છે. ટ્રમ્પ ઘણી વખત દાવો કરી ચૂક્યા છે કે ચૂંટણી પહેલાં વેક્સિન ઉપલબ્ધ થઈ જશે. એક્સપર્ટ્સ તેમના દાવાને ફગાવી રહ્યા છે. એફડીએથી ટ્રમ્પ નારાજ છે, કારણ કે આ સંસ્થા કહે છે કે જ્યાં સુધી તમામ પ્રકારનું સેફ્ટી એપ્રુવલ મળતું નથી, ત્યાં સુધી વેક્સિન બજારમાં જશે નહિ.

ખોટો વાયદો કરી રહ્યા છે ટ્રમ્પ
એફડીએના ચીફ સ્ટીફન હાને ગત સપ્તાહે કહ્યું હતું કે વેક્સિન માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. એનો સંપૂર્ણ રીતે ઉપયોગ થવો જરૂરી છે, તો આપણે એને ઝડપથી બજારમાં લાવી શકીશું. બીજી તરફ, ટ્રમ્પે કહ્યું- મને લાગે છે કે આપણે ખૂબ જ ઝડપથી વેક્સિન લાવીશું. દરેક અમેરિકન સુધી એને પહોંચાડીશું. ત્રણથી ચાર સપ્તાહમાં આ બધું થઈ જશે. ચૂંટણીમાં હજી સાત સપ્તાહ બાકી છે.

બાઈડેને નબળી નસ પકડી લીધી
બાઈડેન એ વાત જાણે છે કે કોરોના વાઈરસનું સંક્રમણ રોકવા અને વેક્સિનના મુદ્દા પર ટ્રમ્પને ઘેરી શકાય છે. બુધવારે તેમણે કહ્યું હતું, વેક્સિનને ઝડપથી લોન્ચ કરવા માટે રાજકીય દબાણ કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ મુદ્દાનો ફાયદો ઉઠાવવા માગે છે. જોકે એ ધ્યાન રાખવું જોઈએ કે એને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. સાયન્સને સાયન્સની રીતે ચાલવા દેવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here