મહેસાણા : પુત્રવધૂએ અપશબ્દો બોલીને ઘરેથી કાઢી મૂકવા સસરાને ધમકી આપી, મહિલા સહાયતા કેન્દ્રની ટીમે સમાધાન કરાવ્યું

0
7

મહેસાણાના 70 વર્ષના નિવૃત્ત શિક્ષકે પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરમાં અપશબ્દો બોલીને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપતી પુત્રવધૂ સામે ફરિયાદ આપી હતી. પોલીસ દ્વારા પુત્રવધૂ અને તેના સસરાને સામસામે બેસાડી સમાધાનનો પ્રયાસ કરાયો ત્યારે મહિલાએ ઘરકામમાં મદદરૂપ થતા સસરાથી કંટાળી હોવાનો બચાવ કર્યો હતો.

પુત્રવધૂ અવારનવાર કાઢી મૂકવાની ધમકી આપતી હતી

મહેસાણાના ટીબી રોડ વિસ્તારમાં રહેતા 70 વર્ષના વૃદ્ધે પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર (નારી સહાયતા કેન્દ્ર)માં ફરિયાદ કરી હતી. જેમાં તેમની પુત્રવધૂ છેલ્લા દોઢ વર્ષથી અપશબ્દો બોલી માનસિક રીતે હેરાન કરતી હોવાની સાથે અવાર નવાર ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપતી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેઓ નિવૃત્ત શિક્ષક હોઇ આર્થિક મદદ કરતા હોવા છતાં પુત્રવધૂ તેમને ત્રાસ આપતી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

મહિલા કાઉન્સિલરે બંનેને સમજાવી સમાધાન કરાવ્યું

મહિલા કાઉન્સિલર યામિનીબેન રાઠોડ અને નિલમબેન પટેલે સસરા અને પુત્રવધૂને બોલાવી સામસામે બેસાડી તેમની સમસ્યા જાણવા પ્રયાસ કર્યો હતો. જેમાં વૃદ્ધના પુત્રને માનસિક પરીતાપ વચ્ચે પડી જવાના કારણે કરોડરજ્જુમાં તકલીફ થઇ હતી અને તે બેસી શકતો ન હોઇ પથારીવશ હતો. આ સંજોગોમાં મહિલાની વધેલી જવાબદારી વચ્ચે વૃદ્ધ ઘરકામમાં મદદરૂપ થવા વચ્ચે આવતા હોઇ તેણીને અવાર નવાર આ બાબતે ઝઘડો થતો હતો. કાઉન્સિલરે બંનેને એકબીજાની પરિસ્થિતિથી વાકેફ કરતાં બે કલાકની સમજાવટને અંતે તેઓ એક ઘરમાં સાથે રહેવા તૈયાર થયા હતા. સાથે વૃદ્ધે પુત્રની સારવાર માટે જરૂરી ખર્ચ આપવાની પણ તૈયારી બતાવી હતી.