અમેરિકામાં અશ્વેતના મોતની ઘટના : માઇકલ જોર્ડને કહ્યું – એકસાથે જાતિવાદ સામે અવાજ ઉઠાવીએ, જર્મનીના 2 ખેલાડીઓ ‘જસ્ટિસ ફોર ફ્લોયડ’ લખેલી ટી-શર્ટ પહેરીને રમ્યા

0
11

અમેરિકામાં અશ્વેત જોર્જ ફ્લોયડના મોતનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ખેલાડીઓ પણ તેમાં જોડાયા છે. ટેનિસ સ્ટાર કોકો ગોફ પછી અમેરિકાના પૂર્વ બાસ્કેટબોલ ખેલાડી માઇકલ જોર્ડને પણ ટ્વીટ કરીને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. બીજી તરફ, જર્મનીના ફૂટબોલ ક્લબ બોર્સિયા ડોર્ટમંડના બે ખેલાડીઓએ વિરોધ કરતા  મેચમાં ‘જસ્ટિસ ફોર ફ્લોયડ’ લખેલી ટી-શર્ટ પહેરી હતી.

જોર્ડેને અમેરિકામાં પોલીસના હાથે અશ્વેતના મોત અંગે નિવેદન જારી કરતા કહ્યું: “મારી સંવેદના ફ્લોયડના પરિવાર સહિત અસંખ્ય લોકો પ્રત્યે છે, જેમણે વંશીય તોડફોડ અને અન્યાયના કારણે પોતાનો જીવ ગુમાવ્ય છે.” હવે બહુ થઈ ગયું, આપણે ભેગા થઈને જાતિવાદ સામે અવાજ ઉઠાવવો જોઈએ. જેથી આપણા નેતાઓ પર કાયદો બદલવા માટે દબાણ આવે.

જોર્ડન સિવાય લોસ એન્જલસ લેકર્સના બાસ્કેટબોલ ખેલાડી લેબરન જેમ્સ, બોસ્ટન સેલટિક્સના જેલેન બ્રાઉન, વગેરે વિરોધ કરી ચૂક્યા છે. જેમ્સે એક દિવસ પહેલા ટ્વીટ કરી હતી કે, અમેરિકા અમને પ્રેમ કેમ નથી કરતું?

જર્મનીમાં પણ ફૂટબોલ ખેલાડીઓએ વિરોધ કર્યો હતો

જર્મનીમાં ફૂટબોલ ક્લબ બોર્સિયા ડોર્ટમંડના બે ખેલાડીઓએ વિરોધ કરતા રવિવારે બુંદેસલીગા મેચમાં ‘જસ્ટિસ ફોર ફ્લોયડ’ લખેલી ટી-શર્ટ પહેરી હતી. આ પહેલા બોરુસિયા મૂંચેનગ્લૈડબૈકના ખેલાડી માર્કસ થુરમ યુનિયન બર્લિન સામે ગોલ કરીને ફ્લોયડના સન્માનમાં ઘૂંટણે બેઠા હતા.

અમેરિકાના 40 શહેરોમાં કર્ફ્યુ

રાજધાની વોશિંગ્ટન ડીસી સહિત 40 શહેરમાં કર્ફ્યુ લગાવાયો છે. રવિવાર રાતે પણ પ્રદર્શનકારીઓએ વ્હાઈટ હાઉસ સામે પ્રદર્શન કર્યું હતું. સુરક્ષાદળોએ ટીયરગેસ છોડવો પડ્યો હતો. ન્યૂયોર્ક ટાઈમ્સ મુજબ શુક્રવારે વ્હાઈટ હાઉસ સામે પ્રદર્શન દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને થોડીવાર માટે અંડર ગ્રાઉન્ડ બંકરમાં લઈ જવા પડ્યા હતા.

26 મેના રોજ ફ્લોયડની ધરપકડ કરાઈ હતી

મિનેપોલિસમાં 26 મેના રોજ ફ્લોયડની પોલીસે છેતરપિંડીના આરોપમાં ધરપકડ કરી હતી. આ પહેલા એક પોલીસ અધિકારીએ ફ્લોયડને પકડ્યો હતો. તેના વીડિયો પણ વાયરલ થયો હતો. વીડિયોમાં 46 વર્ષનો ફ્લોયડ સતત પોલીસને ઘૂટણ હટાવવાનું કહી રહ્યો છે. તેણે કહ્યું કે તમારો ઘૂટણ મારા ગળા ઉપર છે. હું શ્વાસ લઈ શકતો નથી. ધીમે ધીમે તેનું હલનચલન બંધ થઈ જાય છે. ત્યાર પછી અધિકારી કહે છે કે ઉઠ અને કારમાં બેસ. તેની કોઈ પ્રતિક્રિયા આવતી નથી. આ દરમિયાન આસપાસ ભારે ભીડ ભેગી થઈ જાય છે. તેને હોસ્પિટલ લઈ જવાયો જ્યા તેનું મોત થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here