ICC બોર્ડ મીટિંગ : આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં થનાર T-20 વર્લ્ડ કપને સ્થગિત કરવા પર નિર્ણય આજે,

0
5

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની બોર્ડ ટેલી-કોન્ફરન્સિંગ બેઠક આજે યોજાશે. કોરોનાને કારણે આ વર્ષે યોજાનારા T-20 વર્લ્ડ કપને ટાળવો કે કેમ તે અંગે કોઈ નિર્ણય થઈ શકે છે. આ ટૂર્નામેન્ટ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયામાં યોજાવાની છે.

જો વર્લ્ડ કપ સ્થગિત થાય છે તો ઓક્ટોબર-નવેમ્બરની આ ખાલી વિંડોમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની સંભાવના વધી જશે. આઈપીએલ 29 માર્ચથી શરૂ થવાની હતી, પરંતુ કોરોનાને કારણે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.

ઓસ્ટ્રેલિયા આવતા વર્ષે વર્લ્ડ કપ કરાવવા ઇચ્છે છે

સુત્રોના જણાવ્યા અનુસાર ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આવતા વર્ષે વર્લ્ડ કપનું આયોજન કરવા માંગે છે. આ માટે તેણે આઈસીસીને એક પત્ર પણ લખ્યો હતો. જો કે, બીસીસીઆઈને આ માટે રાજી કરવું પડશે, કેમ કે 2021 T-20 વર્લ્ડ કપ ભારતમાં યોજાવાનો છે.

2018માં એકવાર ઓસ્ટ્રેલિયામાં T-20 વર્લ્ડ કપ મુલતવી રાખવામાં આવ્યો છે

2007 માં શરૂ થયેલ T-20 વર્લ્ડ કપ દર 2 વર્ષે થાય છે. પરંતુ તે અન્ય ટૂર્નામેન્ટ્સ સાથે ટકરાવવાના કારણે 2009 અને 2010માં સતત બે વર્ષે યોજાયો હતો. 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીના કારણે 2018ના વર્લ્ડ કપને 2020 સુધી સ્થગિત કરવામાં આવ્યો હતો. જોકે, T-20 વર્લ્ડ કપ 2021માં ભારતમાં યોજાવાનો છે. આઇસીસી આ તમામ શેડ્યુલ તેના ફ્યુચર ટૂર પ્રોગ્રામ (FTP) અનુસાર નક્કી કરે છે.

બેઠકમાં આ ત્રણ વિકલ્પો પર ચર્ચા થઈ શકે છે

સૂત્રો અનુસાર આઈસીસીની બેઠકમાં વર્લ્ડ કપ યોજવા માટે અનેક વિકલ્પોની ચર્ચા થઈ શકે છે. આઇસીસીની ઇવેન્ટ કમિટીના હેડ ક્રિસ ટેટલીએ જણાવ્યું હતું કે આ વિકલ્પોમાંથી શ્રેષ્ઠ એ છે કે ટૂર્નામેન્ટ 2022માં કરવામાં આવે.

  • પ્રથમ વિકલ્પ 2021માં જાન્યુઆરીથી માર્ચની વચ્ચે વર્લ્ડ કપ કરવાનો છે, પરંતુ ત્યારબાદ માર્ચ-એપ્રિલમાં IPL પણ યોજાશે. વળી, ઇંગ્લેંડ જાન્યુઆરી-માર્ચમાં ભારતની મુલાકાતે આવનાર છે. જ્યાં 5 ટેસ્ટની મહત્વપૂર્ણ અને મોટી શ્રેણી રમવામાં આવશે. આવી સ્થિતિમાં વર્લ્ડ કપ થવો ખૂબ મુશ્કેલ રહેશે.
  • T-20 વર્લ્ડ કપ આવતા વર્ષે ઓક્ટોબરમાં ભારતમાં યોજાવાનો છે. આવી સ્થિતિમાં, બીજો વિકલ્પ એ છે કે 2021માં યજમાની ઑસ્ટ્રેલિયાને આપવામાં આવે, જ્યારે ભારત 2022માં વર્લ્ડ કપ હોસ્ટ શકે છે. જોકે, BCCIને આ નિર્ણય અંગે મનાવવું મુશ્કેલ છે.
  • ત્રીજો વિકલ્પ એ છે કે 2022માં ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપનું આયોજન કરી શકે. ઘણા ખેલાડીઓ અને ક્રિકેટ બોર્ડ પણ આ માટે તૈયાર રહેશે. શરત એક જ છે કે ત્યારે ICCની અન્ય કોઈ ઇવેન્ટ ન હોય.

ICCએ વર્લ્ડ કપ મુલતવી રાખવાનો ઇનકાર કર્યો હતો

ICCના પ્રવક્તાએ કહ્યું કે, T-20 વર્લ્ડ કપ મુલતવી રાખવા અંગે ICCએ હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી. ટૂર્નામેન્ટને લગતા શેડ્યૂલ મુજબ ઓસ્ટ્રેલિયામાં તમામ તૈયારીઓ ચાલી રહી છે. આ વિષય ICC બોર્ડની બેઠકમાં એક એજન્ડા રહેશે અને તેના પર કડક નિર્ણય લેવામાં આવશે.”

કોરોના વચ્ચે 15 ટીમોની ટૂર્નામેન્ટ કરવી બહુ અઘરી: ઓસ્ટ્રેલિયા

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના હેડ કેવિન રોબર્ટ્સે કહ્યું હતું કે કોરોના વચ્ચે 15 ટીમોને ઓસ્ટ્રેલિયામાં લાવવી અને ટૂર્નામેન્ટ યોજવી અત્યંત મુશ્કેલ રહેશે. તેમણે કહ્યું, “અત્યારે તેના વિશે કંઇ સ્પષ્ટ કહી શકાય નહીં.” પરંતુ વસ્તુઓ ધીમે ધીમે સુધરી રહી છે. તમને ખબર નથી કે ભવિષ્યમાં શું શક્ય છે અને શું નથી. ICCએ ટૂર્નામેન્ટ અંગે સંપૂર્ણ નિર્ણય લેવાનો છે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here