Home ટોપ ન્યૂઝ કોરોના વચ્ચે સંસદ સત્રનો ત્રીજો દિવસ : રક્ષામંત્રી આજે રાજ્યસભામાં ચીન મુદ્દે...

કોરોના વચ્ચે સંસદ સત્રનો ત્રીજો દિવસ : રક્ષામંત્રી આજે રાજ્યસભામાં ચીન મુદ્દે બોલશે : પ્રવાસીઓની સુરક્ષા અંગે સરકારે કહ્યું- ફેક ન્યૂઝને કારણે નાસભાગ થઈ હતી

0
6

કોરોના વચ્ચે સંસદના પહેલા સત્રનો આજે ત્રીજો દિવસ છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે રાજ્યસભામાં ભારત-ચીન સરહદ વિવાદ અંગે નિવેદન આપશે. આ પહેલાં મંગળવારે રાજનાથે લોકસભામાં પણ આ મુદ્દે પોતાની વાત રજૂ કરી હતી. તો આ તરફ પ્રવાસીઓના મુદ્દે સરકારે કહ્યું હતું કે લોકડાઉનમાં ફેક ન્યૂઝને કારણે મજૂરોએ નાસભાગ કરી હતી.

ચોમાસુ સત્રના બીજા દિવસે શું શું થયું?

રક્ષામંત્રીએ કહ્યું, ચીને LAC પર દારૂગોળો ભેગો કર્યો છે, આપણે પણ તૈયાર છીએ. રાજનાથે લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ પર ચાલી રહેલા ઘર્ષણ અંગે લોકસભામાં માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે હાલની સ્થિતિ પ્રમાણે, ચીને LAC અને અરુણાચલ પાસે આવેલા આંતરિક વિસ્તારમાં મોટી સંખ્યામાં સૈનિક અને દારૂગોળો ભેગા કર્યા છે. પૂર્વ લદાખના ગોગરા, કોંગકા લા, પેન્ગોગ સો ઝીલના ઉત્તર અને દક્ષિણ કિનારા પર તણાવવાળા ઘણા વિસ્તારો છે. આ વિસ્તારોમાં આપણી સેના પણ જવાબી કાર્યવાહી માટે પૂરી તૈયારી સાથે તહેનાત છે.

જોકે વિપક્ષ સરહદ વિવાદના મુદ્દે ચર્ચાની માગ કરી રહ્યો છે. કોંગ્રેસે બોલવાની તક ન આપવાનો આરોપ લગાવતાં મંગળવારે લોકસભામાંથી વોકઆઉટ પણ કરી લીધું હતું. ચીનની ઘૂસણખોરીના મુદ્દે રાજ્યસભામાં ચર્ચા માટે કોંગ્રેસ સાંસદ આનંદ શર્માએ શોર્ટ ડ્યુરેશન નોટિસ પણ આપી છે.

ગૃહમંત્રાલયે કહ્યું- અફવાને કારણે પ્રવાસીઓએ નાસભાગ કરી હતી

ચોમાસા સત્રના પહેલા દિવસ, એટલે કે સોમવારે એક સવાલના જવાબમાં સરકારે કહ્યું હતું કે લોકડાઉનમાં ઘરે પાછી આવતી વખતે દુર્ઘટનામાં કેટલા પ્રવાસી મજૂર માર્યા ગયા, એનો કોઈ આંકડો નથી. પ્રવાસીઓ સાથે જોડાયેલા એક બીજા સવાલના જવાબમાં મંગળવારે તેમણે કહ્યું હતું કે માર્ચમાં લોકડાઉન વખતે ફેક ન્યૂઝને કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓની મુવમેન્ટ થઈ હતી.

તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ માલા રોયે લોકસભામાં લેખિત સવાલ પૂછ્યો હતો કે 25 માર્ચે લોકડાઉનની જાહેરાત પહેલાં સરકારે પ્રવાસીઓની સુરક્ષા માટે કેવાં પગલાં લીધાં અને હજારો મજૂરો ઘરે પાછા જવા માટે મજબૂર કેમ બન્યા? આ અંગે ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જવાબ આપ્યો હતો કે ફેક ન્યૂઝને કારણે લોકોનાં મનમાં ખાવા-પીવાની ચીજવસ્તુઓનો પુરવઠો અને અન્ય જરૂરી સુવિધાઓ અંગે ચિંતા હતી, એટલા માટે નાસભાગ થઈ હતી.

બોલિવૂડનો ડ્રગ્સ વિવાદ પણ સંસદ પહોંચ્યો

અભિનેતા સુશાંત સિંહના મોતથી બોલિવૂડમાં ઊઠેલો ડ્રગ્સ વિવાદ હવે સંસદમાં મોટી ચર્ચા બનતો જોવા મળી રહ્યો છે. ભાજપના સાંસદ રવિ કિશને સોમવારે લોકસભામાં નિવેદન આપ્યું હતું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ડ્રગ્સ વ્યાપક પ્રમાણમાં ફેલાઈ ગયું છે. આ અંગે મંગળવારે SP સાંસદ જયા બચ્ચને રાજ્યસભામાં કહ્યું હતું, ‘તમે જે થાળીમાં ખાવો છો એમાં થૂંકાય નહીં.’

Live Scores Powered by Cn24news