અનલોક-4માં મંદિર : 24 સપ્ટેમ્બરે ગુવાહાટીના કામાખ્યા મંદિરના દરવાજા ખૂલશે, 15 મિનિટથી વધારે કોઈ મંદિરની અંદર રહી શકશે નહીં,

0
4

17 માર્ચથી બંધ આસામના મહાશક્તિપીઠ કામાખ્યા મંદિરના દરવાજા 24 સપ્ટેમ્બરથી ભક્તો માટે ખૂલી રહ્યા છે. મંદિર ટ્રસ્ટે એના માટે તૈયારી શરૂ કરી દીધી છે. મંદિરમાં દર્શન માટે ખૂબ જ કડક ગાઇડલાઇન્સ નક્કી કરાઈ છે. ગુવાહાટીમાં આ સમયે કોરોનાના અનેક કેસ સામે આવી રહ્યા છે, પરંતુ મંદિર ખોલવાની માગ પણ ઘણા સમયથી ચાલી રહી છે.

પહેલાં ટ્રસ્ટે પ્રસ્તાવ જણાવ્યો હતો કે મંદિરમાં માત્ર પરિક્રમા માટે લોકોને પ્રવેશ આપવામાં આવે. 24 સપ્ટેમ્બરથી મંદિરમાં આખા દિવસમાં લગભગ 500 લોકોને પ્રવેશ મળશે. મંદિરમાં કોઈપણ વ્યક્તિ 15 મિનિટથી વધારે રહી શકશે નહીં. મંદિર ટ્રસ્ટે સરકાર દ્વારા નક્કી કરેલી ગાઇડલાઇન્સ પ્રમાણે મંદિર ખોલવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.

મંદિર ટ્રસ્ટના જણાવ્યાં પ્રમાણે, લોકડાઉન પહેલાં 1500થી 2000 લોકો રોજ દર્શન કરવા આવી રહ્યા હતા. તહેવારોની સીઝનમાં 20થી 25 લાખ લોકો પણ આવે છે. ખાસ કરીને અંબુવાચી ઉત્સવ, જે જૂન મહિનામાં યોજાય છે, આ દરમિયાન મંદિરમાં ભક્તોની સંખ્યા ખૂબ જ વધારે રહે છે.

મંદિરમાં પ્રવેશના નિયમો આ રહેશે

  • મંદિરની વેબસાઇટથી દર્શન માટે ઓછામાં ઓછા એક દિવસ પહેલાં ઓનલાઇન બુકિંગ થશે.
  • મંદિર તરફથી દર્શન માટે સમય આપવામાં આવશે.
  • એક સમયે મંદિરની અંદર સો લોકોથી વધુને પ્રવેશ મળી શકશે નહીં.
  • દર્શન માટે તમારો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવો જોઈએ.
  • મંદિરમાં કોઈપણ ભક્ત 15 મિનિટથી વધારે રોકાઈ શકશે નહીં.
  • કોઈપણ વિશેષ પૂજા વગેરે માટે બહારના લોકોને સામેલ કરવામાં આવશે નહીં.
  • મંદિરને દર બે કલાકે સેનિટાઇઝ કરવામાં આવશે.
  • મંદિરમાં આવતા લોકોનો રેપિડ એન્ટીજન ટેસ્ટ પણ થશે. એના માટે એક મેડિકલ ટીમ મંદિરમાં રહેશે.

લોકડાઉનમાં મંદિરને ભારે નુકસાન

લોકડાઉન દરમિયાન મંદિર 17 માર્ચના રોજ બંધ કરી દેવામાં આવ્યું હતું. એને કારણે ટ્રસ્ટને ઘણું નુકસાન ભોગવવું પડ્યું છે. મંદિરમાં દાનની આવક આ સમયે લગભગ ના બરાબર જ છે. છેલ્લા 6 મહિનામાં મંદિરની આર્થિક સ્થિતિ ખૂબ જ પ્રભાવિત થઈ છે.

દર વર્ષે જૂનમાં અંબુવાચી મેળો યોજાય છે, એ આ વખતે યોજાઈ શક્યો નથી, જેનાથી મંદિરને મળતું દાન લગભગ શૂન્ય થઈ ગયું છે. મંદિરના સફાઈકર્મચારીઓને તેમનો પૂરો પગાર આપવામાં આવી રહ્યો છે, પરંતુ જે સ્ટાફ ઘરે છે તેમને માત્ર 40 ટકા પગાર આપવામાં આવી રહ્યો છે. મંદિરમાં લગભગ 250 કર્મચારી છે.