સુરત : મગદલ્લાની કંપનીના ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતો ચાલક ઝડપાયો

0
6

સુરત. મગદલ્લા સ્થિત સુર્યા એક્ઝીમ લિમીટેડ કંપનીના ડીઝલ વાહક ટેન્કરમાંથી 110 લિટર ડીઝલ કિંમત રૂા. 8550ની મત્તાનું ચોરી કરનાર ચાલક વિરૂધ્ધ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે. સુર્યા એક્ઝીમ લિમીટેડના મેનેજરને શંકા જતા પીછો કરી ઝડપી પાડ્યો અને ઉમરા પોલીસને હવાલે કર્યો

મેનેજર અને ડિરેક્ટરે પીછો કર્યો

મગદલ્લા પોર્ટ ખાતે ABG શીપ યાર્ડમાં આવેલી સુર્યા એક્ઝીમ લિમીટેડ કંપની દ્વારા કોલસો અને ડીઝલનો વેપાર કરવામાં આવે છે. 15 મે 2020થી ચાલક તરીકે કામ કરતા હરીકેશ ઉમેશ યાદવને બે ટેન્કર (GJ-05-BX-4989)(GJ-05-bx-8241)માં મગદલ્લા પોર્ટથી ડીઝલ ભરીને દામકા પાટિયા અને ઇચ્છાપોર ખાતે કંપનીની ગાડીઓમાં ડીઝલ ભરવા માટે મોકલવામાં આવે છે. જોકે, છેલ્લા કેટલાક દિવસથી ટેન્કરમાં જે ડીઝલ દામકા પાટિયા અને ઇચ્છાપોર ખાતે મોકલવામાં આવતું હતું.  તેમાં ઘટ આવતી હોવાની જાણ કંપનીના લોજીસ્ટીક મેનેજર રવિન્દ્ર હરીહરનાથ પાંડેને થતા કંપનીના ડાયરેક્ટર જગદીશપ્રસાદ સાબુ અને સિધ્ધાર્થ ભટ્ટા સાથે તેમણે ડીઝલ ભરેલું ટેન્કર લઇને નીકળેલા હરીકેશનો પીછો કર્યો હતો.

110 લિટર ડીઝલ કાઢતા ઝડપાયો

હરીકેશ મગદલ્લા કેનાલ રોડ પર આવેલા સ્પર્શ બિલ્ડીંગની સામે વોટર પ્લાન્ટના કમ્પાઉન્ડમાં ટેન્કર લઇ ગયો હતો અને 110 લિટર ડીઝલ 8550 રૂપિયાની મત્તાનું બેરલમાં કાઢતા રંગેહાથ ઝડપી પાડયો હતો. જેને પગલે લોજીસ્ટીક મેનેજર રવિન્દ્ર પાંડેએ ટેન્કર ચાલક હરીકેશ યાદવ વિરૂધ્ધ ડીઝલ ચોરીની ફરિયાદ નોંધાવી હતી.