વડોદરા : FRCના નિયમો વિરૂદ્ધ ફી વસુલ કરનાર બિલ્લાબોંગ સ્કૂલને એજ્યુકેશન ઇન્સ્પેક્ટરે નોટિસ આપી

0
0

વડોદરા. કોરોના વાઈરસની મહામારીમાં પણ માનવતા નેવે મુકીને ઉઘાડી લૂંટ ચલાવી રહેલા શાળા સંચાલકો સામે શરૂ થયેલું વાલીઓનું આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. FRCના નિયમો વિરૂદ્ધ ફી વસુલ કરનાર બિલ્લાબોંગ સ્કૂલ સામે વાલીઓએ ઉઠાવેલા અવાજને પગલે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના અધિકારીઓ દોડતા થઇ ગયા છે. આજે આ સ્કૂલને જિલ્લા શિક્ષણાધિકારીના ઇન્સપેક્ટરે સ્કૂલમાં જઇને નોટિસ ફટકારી હતી.

નોકરી-ધંધા ગુમાવી ચુકેલા વાલીઓને સ્કૂલમાંથી ફોન કરીને ફી ભરી જવા દબાણ કરે છે 

શિક્ષણને વેપાર બનાવી દેનાર શહેરની સ્કૂલોના સંચાલકોએ હવે માનવતા પણ નેવે મુકી દીધી છે. કોવિડ-19ની મહામારીમાં લોકોની હાલત ખરાબ થઇ ગઇ છે, ત્યારે વડોદરા શહેરની મોટાભાગની સ્કૂલો દ્વારા FRCના નિયમો નેવે મુકીને વધુ ફી વાલીઓ પાસેથી વસુલી રહ્યા છે. આ ઉપરાંત મોટાભાગની સ્કૂલો દ્વારા કોવિડ-19ની મહામારીમાં નોકરી-ધંધા ગુમાવી ચુકેલા વાલીઓને ફોન કરીને બાકી પડતી ફી ભરી જવા માટે દબાણો કરવામાં આવી રહ્યા છે.

વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી જ નોટ-બુક, બેગ સહિતની કીટ શાળામાંથી લેવાની ફરજ પાડવામાં આવે છે. 

વડોદરા શહેરના વડસર ખાતે આવેલી બીલ્લાબોંગ સ્કૂલ દ્વારા FRCના નિયમો નેવે મુકીને વાલીઓ પાસે ફી વસુલતા વાલીઓ દ્વારા પૂર્વ વિદ્યાર્થી નેતા ઋત્વિજ જોષીની આગેવાનીમાં લડત શરૂ કરી હતી. અને વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી. જેના પગલે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઇન્સ્પેક્ટર શ્વેતા પારગીએ સ્કૂલની મુલાકાત લીધી હતી. અને નોટિસ આપી હતી. નોટિસમાં FRCનું પાલન કરવામાં આવતું નથી, પ્રિન્સીપાલની સતત ગેરહાજરીનું કારણ વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી જ નોટ-બુક, બેગ સહિતની કીટ શાળામાંથી લેવાની ફરજ પાડવામાં આવે છે. સ્કૂલમાં ગુજરાતની બુક મળી આવી નથી. તેમજ ફી રિવિઝન કમિટી, ગાંધીનગરનો હજુ ઓર્ડર થયો નથી. તેમ છતાં, શાળા પોતાની જૂની ફી વસુલ કરવા માંગે છે. આ તમામના ખુલાસા બે દિવસમાં કરવા જણાવ્યું છે.

એજ્યુકેશન ઇન્સ્પેક્ટર કહે છે કે, અમે સ્કૂલને નોટિસ આપીને 2 દિવસમાં ખુલાસો માંગ્યો, ત્યારબાદ FRCમાં રિપોર્ટ રજૂ કરીશું

એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્વેતા પારગીએ જણાવ્યું હતું કે, સ્કૂલના વાલીઓની ફરિયાદ મળતા સ્કૂલની મુલાકાત લીધી છે. સંચાલકો દ્વારા FRCના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. જે તપાસમાં ધ્યાનમાં આવ્યું છે. અમે સ્કૂલને નોટિસ આપી બે દિવસમાં ખુલાસો માંગ્યો છે. ત્યારબાદ અમે FRCમાં રિપોર્ટ રજૂ કરીશું.

સ્કૂલને નોટિસ આપ્યા બાદ પણ સ્કૂલ દ્વારા તેમનું વલણ ચાલુ રાખશે તો ઉગ્ર આંદોલનની ચીમકી

વાલીઓની વ્હારે આવેલા પૂર્વ વિદ્યાર્થી નેતા ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, બિલ્લાબોંગ સ્કૂલના સંચાલકોએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીને પણ ઘોળીને પી ગયા છે. એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની સામે જ એક વાલીને સંચાલકોએ તમારા બાળકને જોઇ લઇશું તેવી ધમકી આપી છે. બીજુ કે, સ્કૂલને નોટિસ આપ્યા બાદ પણ સ્કૂલ દ્વારા તેમનું વલણ ચાલુ રાખશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here