રાજકોટમાં રોગચાળાનું પ્રમાણ વધ્યું, સૌરાષ્ટ્રમાં 1 મહિનામાં તાવ અને ઝાડા-ઉલ્ટીના 21 હજાર કેસ, એક બાળકનું મોત

0
43

રાજકોટ:વરસાદનાં વિરામ બાદ સૌરાષ્ટ્રમાં રોગચાળો વકર્યો છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા 1 મહિનામાં 21 હજાર કેસ નોંધાયા છે. જ્યારે પોરબંદર જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં 1200 કેસ નોંધાયા છે. સૌરાષ્ટ્રનાં મોટા ભાગના ગામોમાં તાવ- શરદી, ઝાડા-ઉલટીના કેસો જોવા મળી રહ્યાં છે. રાજકોટ રોગચાળાનાં ભરડામાં સપડાતાં તંત્ર સાબદું થયું છે.રાજકોટ શહેરમાં ડ્રેનેજની 3500 ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો છે. આ સાથે જ શાળાના બાળકોને હાથ-પગના દુઃખાવો જણાય તો તાત્કાલિક રજા આપવા માટે જણાવાયું છે. રાજકોટમાં ડેંગ્યુના 17 કેસ નોંધાયા છે. ઉપલાકાંઠે એક બાળકનું તાવથી મોત નીપજ્યું છે.

પોરબંદરમાં 1200 કેસ સરકારી હોસ્પિટલમાં નોંધાયા
પોરબંદરમાં છેલ્લા 9 દિવસમાં ડેન્ગ્યુનાં 5 શંકાસ્પદ કેસમાં એક કેસ પોઝીટીવ તેમજ મેલેરિયા તાવ, ટાઇફોઇડ, શરદી, ઉધરસ સહિત 1200 કેસ સરકારી હોસ્પિટલમાં આવ્યા છે. આ દર્દીઓમાં 473 દર્દીઓના લેબોરેટરી રિપોર્ટ કરાવવામાં આવેલ છે. જેમા ટાઇફોડની અસરના 66 કેસમાં 33 પોઝીટીવ કેસ નોંધાયા છે. શહેરમાં વરસાદ બાદ ઠેર ઠેર ગંદકી કચરો જામ્યો છે. જન્માષ્ટમીનાં તહેવારો છતાં સફાઇમાં ધ્યાન અપાતું નથી.

ત્રણ વોર્ડમાંથી મચ્છરના પોરાનો નાશ કરાયો
રાજકોટ શહેરના 2,12 અને 18 નંબરના વોર્ડમાં જ્યાં પણ મચ્‍છરના પોરા જોવા મળે ત્‍યાં પાત્રો ખાલી કરાવવામાં આવ્‍યા હતા અને દવાનો છંટકાવ કરી પોરાનો નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે પાણી ભરેલા ખાડા ખાબોચીયામાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં 2072 ઘરોની મુલાકાત લઇ 8674 ટાંકા-પી૫ સહિતના પાત્રો તપાસવામાં આવ્યા હતા અને 456 ઘરમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી હતી.

જાહેર રસ્તા પર પાણી નિકાલ કરતા 3 આસામીની મોટર જપ્ત કરાઈ
રાજકોટ શહેરમાં જે-તે આસામીઓ દ્વારા સેલર કે ચાલુ બાંધકામ સાઇટનાં પાયાનાં ખોદાણમાંથી જાહેર રસ્તા પર પાણી નિકાલ કરતા ડી-વોટરીંગ મશીનરી જપ્તીની કાર્યવાહી કરવામાં આવી છે. જેના પગલે સેન્ટ્રલ ઝોનમાંથી 3 મોટર જપ્ત કરવામાં આવી છે.

જય સિયારામ દુગ્ધાલય અને કેપ્ટન ટ્રેડર્સને ફુડ વિભાગે કુલ 1 લાખનો દંડ ફટકાર્યો
મ્યુ. કોર્પોરેશનનાં ફુડ વિભાગે જય સિયારામ દુગ્ધાલય અને કેપ્ટન ટ્રેડર્સના સંચાલકોને કુલ 1 લાખનો દંડ ફટકાર્યો છે. આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયુ છે કે, રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શ્રાવણ માસને અનુલક્ષીને જાહેર જન આરોગ્ય હિતાર્થે તેમજ ખોરાકજન્ય રોગચાળાના અટકાયતી પગલાનાં ભાગરૂપે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે કામગીરી કરવામાં આવી છે. જેમાં એજ્યુડીકેશન માટે દાખલ કરેલ અરજી અન્વયે 25 ઓકટોબર 2018ના રોજ જવાબદાર મંગાભાઇ લખમણભાઇ બાંભવા અને જય સિયારામ દુગ્ધાલય રેફ્યુજી કોલોની મેઇન રોડ, રાજકોટ ખાતેથી લેવામાં આવેલ મિકસ દૂધ (લૂઝ)નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતા એજયુડીકેટીંગ અન્વયે કુલ રૂ. 20,૦૦૦નો દંડ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here