મહેસાણા : તોડ કરનારી નકલી પોલીસને અસલી પોલીસનો ભેટો થઇ જતાં ફૂટી ગયો ભાંડો.

0
28

મહેસાણાના રામોસણા બ્રિજ પાસે નકલી પોલીસને અસલી પોલીસનો ભેટો થઇ જતાં ભાંડો ફૂટી ગયો હતો. બનાવટી આઇકાર્ડમાં લખેલા બક્કલ નંબરના કારણે ઝડપાયેલા ખાખી વર્દી પહેરેલા બનાવટી પીએસઆઇ અને બે પોલીસ કોન્સ્ટેબલોએ એક વર્ષમાં મહેસાણામાં 12થી વધુ ગુનાઓને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે.

આ ગેંગમાં મહેસાણાનો એક શખ્સ અને મહિલા પણ સંડોવાયેલી છે. મહેસાણા એસપી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે આરોપીઓના તોડનો ભોગ બનેલા વ્યક્તિઓને પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે. આ ગેંગ હનીટ્રેપમાં પણ સંડોવાયેલી હોવાનું મનાય છે.

મહેસાણા સહિત જિલ્લામાં ડુપ્લીકેટ પોલીસ બની અનેક લોકોના તોડ કરનારી ટોળકીના 3 ગઠિયા પોલીસના હાથે ઝડપાયા છે. જે અંગે એસપી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે કહ્યું કે, પોલીસના નામે પૈસા પડાવાઇ રહ્યાની ફરિયાદ મળ્યા બાદ તપાસમાં પીએસઆઇ વિજયસિંહ ઝાલાના નામે કોઇ તોડ કરતું હોવાની માહિતી મળી હતી. આથી એલસીબી પીઆઇ બી.એચ. રાઠોડને આપેલી સૂચના અંતર્ગત પીએસઆઇ વાય.કે. ઝાલા તેમજ સ્ટાફની વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.

જેમાં ઊંઝા તરફથી રામોસણા બ્રિજ ઉપરથી પસાર થતી આઇ 20 કારને અટકાવી હતી. કારના આગળના કાચમાં દેખાય તે રીતે પોલીસનું બોર્ડ મારેલું હતું અને ડ્રાઇવર સીટમાં બેઠેલા વ્યક્તિએ પોતે પીએસઆઇ વી.એચ. ઝાલા અને સાથેના બે પોલીસ કોન્સ્ટેબલ હોવાનું કહેતાં પોલીસે તેની પાસે આઇકાર્ડ માગ્યું હતું. જેમાં પીએસઆઇ દરજ્જાના અધિકારીને બક્કલ નંબર હોતો નથી, જે આ કાર્ડમાં લખેલો હતો અને પોલીસ અધિક્ષક તરીકે પાર્થરાજસિંહ ગોહિલની ખોટી સહી કરી હોવાનું સ્પષ્ટ થતાં ત્રણેની અટકાયત કરી હતી. કારમાંથી પોલીસ યુનિફોર્મ પણ મળી આવ્યા હતા. છેલ્લા એક વર્ષમાં આ ત્રણે આરોપીઓએ અન્યો સાથે મળી 12 જેટલા તોડ કર્યા હોવાનું કબૂલ્યું છે.

તોડ કરતી ટોળકીના ઝડપાયેલા 3 શખ્સો

1. વિજય ડાહ્યાભાઇ પરમાર (રહે. ખોલવાડા, પરમારવાસ, તા.સિદ્ધપુર)
2. મેહુલ મનુભાઇ જાદવ (રહે. ખોલવાડા, રામપુરા, તા.સિદ્ધપુર)
3. શાજીદશા અયુબશા બચુશા ફકીર (રહે.સિદ્ધપુર સરસ્વતી નદી કિનારે)

સિદ્ધપુરની આ ટોળકીની હનીટ્રેપમાં પણ સંડોવણી

આ ટોળકીએ હનીટ્રેપમાં અનેકને ફસાવ્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પરંતુ પોલીસના કહેવા મુજબ, આ બાબતે કોઇ આગળ આવવા તૈયાર નથી. આ ટોળકીમાં એક મહિલા પણ છે અને મહેસાણાનો વ્યક્તિ પણ સંડોવાયેલો હોવાનું ખુલ્યું છે.

આવી રીતે કરતા તોડપાણી

પોલીસના ટ્રાન્સફર ઓર્ડર જે સોશિયલ મીડિયામાં ફરતા હોય તેને આધારે તે અધિકારીના નામે કાર્ડ બનાવી યુનિફોર્મ બનાવડાવતા હોય છે. સાથે મહિલાને સાથે રાખી વાહનચાલક કે અન્યને અટકાવી વાહન ચેકિંગ,પૂછપરછમાં કોઇ ફોલ્ટ આવે ત્યારે તેની સાથે પૈસાનો તોડ કરતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here