2જી ઓક્ટોમ્બર : ગાંધી જન્મજયંતી : રાષ્ટ્રપિતાએ રાજકોટના કબા ગાંધીના ડેલામાં વિતાવ્યું’તું બાળપણ.

0
32

દેશના રાષ્ટ્રપિતા અને દેશને અંગ્રેજોની ચુંગાલમાંથી મુક્ત કરાવનારા મહાત્મા ગાંધીજીની આજે જન્મજયંતી છે. ત્યારે તેમણે પોતાના જીવનના કાર્યકાળ દરમિયાન કરેલાં કાર્યને યાદ કરવાનો દિવસ છે. ગાંધીજી પોરબંદરથી અભ્યાસ કરવા રાજકોટ આવ્યા હતા. ત્યારે તેઓ જે મકાનમાં રહેતા હતા એ કબા ગાંધીનો ડેલો રાજકોટમાં આવેલો છે. ગાંધીજીએ પોતાનું બાળપણ અને વિદ્યાકાળ આ ડેલામાં જ વિતાવ્યું હતું. આજે આ ડેલાને ગાંધી સ્મૃતિ તરીકે ઓળખાય છે. આજે પણ કબા ગાંધીના ડેલાની મુલાકાત લોકો લે છે ત્યારે બોલી ઊઠે છે કે બાપુ હજુ જીવે છે. ગાંધીજીએ જે વિદ્યાલયમાં અભ્યાસ કર્યો એ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અંદાજે 26 કરોડના ખર્ચે ગાંધી મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. આ મ્યુઝિયમનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2018માં લોકાર્પણ કર્યું હતું.

(આ મ્યુઝિયમનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2018માં લોકાર્પણ કર્યુ હતું.)

કબા ગાંધીનો ડેલો નામનું મકાન 1880-1881માં બન્યું હતું

કબા ગાંધીના ડેલા તરીકે ઓળખાતું રાજકોટ શહેરનું આ સ્થળ એટલે ભારત દેશના રાષ્ટ્રપિતાનું બિરુદ મેળવનાર વિશ્વવિભૂતિ એવા મહાત્મા ગાંધીનું બાળપણનું મકાન. આ મકાન રાજકોટ શહેરના જૂના વિસ્તારમાં ધર્મેન્દ્ર રોડની બાજુમાં આવેલું છે. આ મકાન મહાત્મા ગાંધીના પિતા કરમચંદ ગાંધી જ્યારે સૌરાષ્ટ્રના નવાબના દીવાન હતા એ સમયે ઈ.સ. 1880-81માં બનાવ્યું હતું. મહાત્મા ગાંધી પોતાનો શરૂઆતનો અભ્યાસ પોરબંદરમાં પૂર્ણ કરીને પોતાના પિતાની સાથે રાજકોટ આવીને રહ્યા હતા અને અહીં તેમનો આગળનો અભ્યાસ શરૂ કર્યો હતો.

રાજકોટની મુલાકાતે આવતા પ્રવાસીઓ કબા ગાંધીના ડેલાની જરૂરથી મુલાકાત લે

મહાત્મા ગાંધીએ બાળપણથી યુવાનકાળ સુધીનો સમય રાજકોટમાં આ સ્થળે પસાર કર્યો હોવાથી ગુજરાત સરકારે આ સ્થળને ગાંધી સ્મૃતિના નામથી જતન કરીને લોકોને જાણકારી મળી રહે એ માટે વિકસાવેલું છે. આ સ્થળે રાજકોટની મુલાકાતે આવતા પ્રવાસીઓ જરૂરથી મુલાકાત લે છે. મહાત્મા ગાંધી એ સમયે જે જે વસ્તુનો ઉપયોગ કરતા એ વસ્તુ તથા તેમના બાળપણના ફોટોગ્રાફ્સનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે.

રાજકોટનું ગાંધી મ્યુઝિયમ.
(રાજકોટનું ગાંધી મ્યુઝિયમ.)

 

મહાત્મા ગાંધીજીના જીવનચરિત્ર સાથે સંકળાયેલું મ્યુઝિયમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31મી ઓક્ટોબર 2018ના રોજ વિશ્વકક્ષાના ગાંધી મ્યુઝિયમને ખુલ્લું મૂક્યું હતું. મહાત્મા ગાંધીજીના વિદ્યાર્થીકાળનાં સંસ્મરણો તથા જીવનચરિત્ર બાબતે લોકોને માહિતી મળી રહે એ માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે, જેમાં મલ્ટિમીડિયા મિની થિયેટર, મોશન ગ્રાફિક્સ એનિમેશન, થ્રીડી પ્રોજેક્શન, મલ્ટિપલ સ્ક્રીન્સ, ઓગમેન્ટેડ રિયાલિટી, સર્ક્યુલર વિડિયો પ્રોજેક્શન-થ્રીડી પ્રોજેક્શન મેપિંગ ફિલ્મ, વિશાળ વિડિયો આર્ક વોલ, મોન્યુમેન્ટલ લાઇટિંગ સહિતની ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. આ ઉપરાંત મ્યુઝિયમમાં મહાત્મા ગાંધીજીના જીવનચરિત્ર સાથે સંકળાયેલી લાઇબ્રેરી, મ્યુરલ, પ્રાર્થના હોલ અને ઇન્ટરએક્ટિવ મોડ ઓફ લર્નિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે. રાજકોટનું આ મ્યુઝિયમ કે જે ખૂબ જ ટૂંકાગાળામાં દેશ-વિદેશમાં પ્રખ્યાત થઈ ગયું છે અને જ્યાં પર્યટકો પણ મોટી સંખ્યામાં આવે છે. આ મ્યુઝિયમમાં ગાંધીજીના જીવનના અંતથી લઈને ઇતિ સુધીના તમામ પ્રસંગો જોવા મળે છે, પણ તેનું નિરૂપણ આધુનિક રીતે ટેક્નોલોજીની મદદથી કરાયું છે.

ગ્રાઉન્ડ ફ્લોરમાં ગાંધીજીનું જીવનકવન

ગાંધી મ્યુઝિયમના ગ્રાઉન્ડ ફ્લોર પર ગાંધીજીનું આખું જીવન પ્રદર્શિત કરવામાં આવશે. વિવિધ કૃતિઓ દ્વારા ગાંધીજીનો જન્મ, રાજકોટમાં તેમનો અભ્યાસ, પ્રથમ સત્યાગ્રહ, સ્વાતંત્ર સંગ્રામ જેવી પ્રવૃત્તિઓ ઓડિયો-વિઝ્યુઅલ જેવી ટેક્નોલોજી વાપરી આલેખવામાં આવી છે.

પ્રથમ માળે ગાંધીજીનાં જીવનસૂત્રોનો પરિચય

મ્યુઝિયમનો પહેલો માળ આખો ગાંધીજીએ આપેલાં જીવનસૂત્રોનો પરિચય આપી રહ્યો છે. ગાંધીજીએ આઝાદીની લડાઈમાં સત્ય અને અહિંસાનો સંદેશ આખી દુનિયાને આપ્યો હતો. તેમજ તેમનું પ્રિય ભજન વૈષ્ણવ જન તો તેને કહીએ… સહિત નવી પેઢીને અપનાવવા લાયક સુવિચારો કૃતિઓ મારફત રજૂ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here