વડોદરા : સયાજી હોસ્પિટલના મહિલા તબીબ મુખ્યમંત્રી નિવાસસ્થાને શક્તિ વંદના સંવાદ કરશે

0
4

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને હાલમાં નારી શક્તિના પ્રેરક અભિવાદનના શક્તિ વંદના કાર્યક્રમ દ્વારા શક્તિ આરાધના પર્વ નવરાત્રિની ખુબ અનોખી ઉજવણી થઇ રહી છે. આ કાર્યક્રમ હેઠળ જુદા-જુદા ક્ષેત્રોમાં આગવો ચીલો ચાતરીને સમસ્ત સમાજને અને ખાસ કરીને મહિલા સમુદાયને પ્રેરણા આપનારા નારી વ્યક્તિત્વોને શક્તિ વંદનામાં આમંત્રિત કરીને મુખ્યમંત્રી તેમની સાથે સંવાદ કરે છે. આમ આ સબળાઓની પ્રેરણા ગાથા રાજ્ય સમક્ષ રજૂ કરવામાં આવી રહી છે

કોરોનાના કાળમાં 2 વખત સંક્રમિત થયા પણ ફરજમાં પાછી પાની ન કરી

તેની આવતીકાલની કડીમાં આમંત્રિત ડો.પીનલ બૂમિયા સયાજી હોસ્પિટલમાં એનેસ્થેટિસ્ટ છે. કોરોના મહામારીમાં ICUમાં સક્ષમ પ્રબંધનમાં સયાજી હોસ્પિટલમાં તેમણે ખુબ જ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. મહામારીની શરૂઆતના કટોકટીના સમયમાં તેમણે દર્દીઓની જીવન રક્ષા માટે ખુબ જહેમત અને જોખમ ઉઠાવીને યોગદાન આપ્યું હતું. ફરજની અદાયગી દરમિયાન તેઓ પોતે બે વાર કોરોના સંક્રમિત થયા હતા. તેમ છતાં ફરજમાં તેમણે પાછી પાની કરી ન હતી. તેમની કોરોના મહામારીમાં કોરોના યોદ્ધા તરીકેની અગત્યની ભૂમિકા અંગે શક્તિ વંદના સંવાદમાં તેઓ પ્રકાશ પાડશે. ડો પીનલને કોરોના વોરિયર તરીકેની ઉત્કૃષ્ઠ કામગીરી માટે ગત 15 ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાના ધ્વજ વંદન કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.

કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 14,107 ઉપર પહોંચ્યો

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 14,107 ઉપર પહોંચ્યો છે અને સત્તાવાર મૃત્યુઆંક 209 થયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં આજે વધુ 103 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 12,306 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1592 એક્ટિવ કેસ પૈકી 161 દર્દી ઓક્સિજન પર અને 65 દર્દી વેન્ટિલેટર પર છે અને 1366 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરાના આ વિસ્તારોમાં બુધવારે કોરોનાના કેસ નોંધાયા

શહેરઃ માંજલપુર, કિશનવાડી, મકરપુરા, અકોટા, કપુરાઇ, ગોરવા, માણેજા, યમુનામીલ, કલાલી, વારસીયા, સુભાનપુરા, સવાદ, દિવાળીપુરા, છાણી, વડસર, ગોત્રી, નવાયાર્ડ, દંતેશ્વર, નવીધરતી, તાંદલજા
ગ્રામ્યઃ કરજણ, બીલ, ફર્ટિલાઇઝનગર, સાવલી, વાઘોડિયા, પાદરા, અંકોડિયા, સયાજીપુરા, રણોલી, બાજવા

વડોદરા રૂરલમાં સૌથી વધુ 3870 કેસ

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 14,107 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2173, પશ્ચિમ ઝોનમાં 2315, ઉત્તર ઝોનમાં 3048, દક્ષિણ ઝોનમાં 2665, વડોદરા ગ્રામ્યમાં 3870 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here