Home ગાંધીનગર  કલોલ તાલુકાની છત્રાલ જીઆઈડીસીમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ 7 કલાકે કાબૂમાં...

કલોલ તાલુકાની છત્રાલ જીઆઈડીસીમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ 7 કલાકે કાબૂમાં આવી

0
7

કલોલ તાલુકાની છત્રાલ જીઆઈડીસીમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં સોમવારે આગ લાગી હતી. કેમિકલને પગલે ભીષણ થયેલી આગને કાબૂમાં લેવા કલોલ ફાયરના 5 વોટર બ્રાઉઝર, કડી ફાયરની 4, ઓએનજીસીની 2 અને ગાંધીનગર ફાયરની 1 ગાડી બોલાવી પડી હતી. જેઓએ 7 કલાકની ભારે જહેમત પછી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં જાનહાનીનો કોઈ સમચાર નથી, પરંતુ ફેક્ટરીમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ તાલુકાના છત્રાલ ગામે જીઆઇડીસીમાં આવેલ દેવનંદન કેમિકલ ફેક્ટરીમાં સોમવારે સવારે આગ લાગી હતી. આગની શરૂઆત થતાં જ કલોલ ફાયર વિભાગને 7:15 કલાકે કોલ મળ્યો હતો. જેને પગલે કલોલ ફાયરના એક પછી એક આમ 5 વોટર બ્રાઉઝર ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગને પગલે કડી, ગાંધીનગર અને ઓએનજીસી ફાયર વિભાગની મદદ લેવાઈ હતી. જેમાં ફાયરના જવાનોએ લાખો લીટર પાણીનો મારો ચલાવીને 7 કલાકની જહેમતે આગ પર કાબૂ મેળવ્યો હતો.

વહેલી સવારે આગ લાગી હોવાથી ફેક્ટરીમાં વધારે સ્ટાફ ન હતો અને થોડા ઘણા લોકો હતા તેઓ શરૂઆતમાં જ બહાર દોડી આવ્યા હતા. આગને પગલે કાળડિબાંગ ધુમાડાથી આકાશ છવાઈ ગયું હતું. ભીષણ આગનો ધૂમા઼ડો કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતો હતો. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટસર્કિટ હોવાનું મનાય છે. જોકે ફેક્ટરીમાં રહેલાં કેમિકલ અને તેની સામે ફાયર સેફ્ટીના સાધનો ઓછા હોવાથી આગ ઝડપી પ્રસરી હોવાનું કહેવાય છે. બીજી તરફ કંપની પાસે ફાયર એનઓસી છે કે તે પણ તપાસનો વિષય છે. કારણ કે ગાંધીનગર ફાયર વિભાગે છત્રાલમાં આવી કોઈ કંપનીને એનઓસી આપ્યું નથી. આગને પગલે કાળડિબાંગ ધુમાડાથી આકાશ છવાઈ ગયું હતું. ફાયરના જવાનોએ લાખો લીટર પાણીનો મારો ચલાવીને 7 કલાકની જહેમતે આગ પર કાબૂ મેળવ્યો હતો.

 

Live Scores Powered by Cn24news