RCBના કેપ્ટન કોહલીએ કહ્યું- IPL પહેલા ટીમની ફિટનેસ સારી છે, પરંતુ 5 મહિના પછી પ્રેક્ટિસમાં થ્રો કર્યો તો ખભાના સ્નાયુઓ ખેંચાયા

0
4

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના કેપ્ટન વિરાટ કોહલીનું માનવું છે કે IPL માટે તેની ટીમની તૈયારીઓ સારી રીતે ચાલી રહી છે. તેણે કહ્યું કે, જ્યારે અમે 5 મહિનાના બ્રેક પછી UAEમાં IPL માટેની ટ્રેનિંગ શરૂ કરી, ત્યારે લય મેળવવામાં તકલીફ પડી હતી. પરંતુ હવે ટીમે પોતાની રિધમ મેળવી લીધી છે.

કોહલીએ RCBના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરેલા વીડિયોમાં જણાવ્યું છે કે મહિનાઓ પછી જ્યારે પ્રેક્ટિસમાં થ્રો કર્યો ત્યારે ખભામાં થોડો દુખાવો અને ખેંચાણનો અનુભવ થયો. જોકે, ટ્રેનિંગના લીધે હવે સ્નાયુઓએ પહેલાની જેમ કામ કરવાનું શરૂ કર્યું છે અને તમામ ખેલાડીઓને વધુ સારું લાગે છે.

વિરાટે ટ્રેનિંગમાં લાંબા શોટ્સ ફટકાર્યા

RCB દ્વારા પોસ્ટ કરાયેલા વીડિયોમાં કોહલી નેટ્સમાં બેટિંગ કરતા જોવા મળ્યો હતો. તે લોફ્ટેડ ડ્રાઈવ, ફ્લિક અને પુલ શોટ રમતો જોવા મળ્યો. તેની બેટિંગ જોતા અનુમાન લગાવી શકાય છે કે તે ફોર્મમાં છે.

અમે સંતુલિત રીતે આગળ વધી રહ્યા છીએ

તેણે વધુમાં કહ્યું કે મને લાગે છે કે અમે સંતુલિત રીતે આગળ વધ્યા છીએ. અમે 6 દિવસમાં છ સત્રો યોજવા માંગતા ન હતા. અમે ખેલાડીઓને સંપૂર્ણ સમય આપ્યો છે અને આગામી કેટલાક ટ્રેનિંગ સેશન્સમાં પણ આમ જ કરીશું. કોહલી સાથી ખેલાડીઓની ફિટનેસ લેવલથી ખૂબ ખુશ છે. તેણે કહ્યું કે, ટીમના તમામ ખેલાડીઓ IPL શરૂ થાય તે પહેલા સંપૂર્ણ રીતે ફિટ અને શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યા છે.

લાંબા બ્રેક પછી યોગ્ય માઇન્ડસેટમાં રહેવું પડકાર

UAEમાં ટ્રેનિંગ વિશે કોહલીએ વિસ્તારમાં વાત કરી. તેણે કહ્યું કે, લાંબા બ્રેક પછી યોગ્ય માઇન્ડસેટમાં રહેવું પડકાર છે. શરુઆતી દિવસોમાં ધ્યાન રાખવું પડે છે. લાંબા સમય પછી કમબેક સરળ નથી. તમારા માટે રમત પ્રમાણે માઇન્ડસેટ રાખવું જરૂરી છે.

RCBની પહેલી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે

RCB IPLમાં પોતાના અભિયાનની શરૂઆત 21 સપ્ટેમ્બરે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચથી કરશે. બીજી મેચ 24 સપ્ટેમ્બરે કિંગ્સ ઇલેવન પંજાબ સામે રમશે. જ્યારે ત્રીજી મેચ 28 સપ્ટેમ્બર અને ચોથી મેચ 3 ઓક્ટોબરે રમશે.