પોરબંદર ત્રિપલ મર્ડર : સગર્ભા બીટ ગાર્ડ સાથે ફોરેસ્ટ ગાર્ડ સંબંધ વધારવા માગતો હતો પણ અવારનવાર ઝઘડા થતા હોય ત્રણેયને પતાવી દીધા

0
7

પોરબંદરના બરડા ડુંગરમાં વનવિભાગના સગર્ભા બીટ ગાર્ડ, તેના શિક્ષક પતિ અને રોજમદાર 15 ઓગસ્ટના રોજ ગુમ થયા હતા. બાદમાં પોલીસ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરતા ઉંડી ઝરમાંથી બીટ ગાર્ડ સગર્ભા હેતલ, તેના શિક્ષક પતિ કિર્તી અને રોજમદાર નાગાભાઈનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ પ્રકરણમાં મહિલા ગાર્ડના પિતાએ ફરિયાદ નોંધાવી ફોરેસ્ટ ગાર્ડ સામે શંકાની સોઈ ટાંકી હતી. ત્રણેયના માથામાં તીક્ષ્ણ હથિયાર વડે માર માર્યાના નિશાન જોવા મળ્યા હતા. આથી ઘટના ત્રિપલ મર્ડરના સ્વરૂપમાં ફેરવાઈ હતી. ફરિયાદીએ ફોરેસ્ટ ગાર્ડ એલ.ડી. ઓડેદરા સામે શંકા વ્યક્ત કરી શકદાર તરીકે નામ દર્શાવતા પોલીસે તેને ઝડપી લીધો છે. પોલીસ તપાસમાં હેતલબેન સાથે ઓડેદરાને સંબંધ વધારવો હતો પરંતુ અવારનવાર ઝઘડા થતા હોવાથી તેનો ખાર રાખી બરડા ડુંગર પર એક પછી એક તક મળતા ત્રણેયની હત્યા કરી નાંખી હતી.

મૃતક ત્રણેયની ફાઈલ તસવીર
(મૃતક ત્રણેયની ફાઈલ તસવીર)

 

હેતલબેનને થોડા દિવસ પહેલા જ ફોરેસ્ટ ગાર્ડની પત્ની સાથે ઝઘડો થયો હતો

2017માં હેતલબેન બીટ ગાર્ડ તરીકે જોડાયા ત્યારે ઓડેદરા સાથે મિત્રતા બંધાઈ હતી. બાદમાં ઓડેદરા હેતલબેન સાથે વધારે સંબંધ રાખવા માગતો હતો. છેલ્લા બે વર્ષથી હેતલબેન અને ઓડેદરા વચ્ચે ઝઘડો ચાલતો હતો. 15 દિવસ પહેલા જ બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઓડેદરાની પત્ની અને હેતલબેન વચ્ચે પણ ઝઘડો થયો હતો. આનો ખાર રાખીને ઓડેદરાએ હત્યાનો પ્લાન ઘડ્યો હતો. 15 તારીખે બાતમીના આધારે ચારેય બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠી પર રેડ પાડવા ગયા ત્યારે ડુંગર પર નાગાભાઈ, કિર્તીભાઈ અને ઓડેદરા સાથે હતા. નાગાભાઈ આગળ નીકળી જતા જ ઓડેદરાને તક મળી ત્યારે કિર્તીભાઈને લાકડીથી માથામા ભાગે માર મારતા તેનું મોત નીપજ્યું હતું. આગળ જઈને ઓડેદરાએ નાગાભાઈની પણ હત્યા કરી નાખી હતી. બાદમાં નીચે આવી હેતલબેનની પણ હત્યા કરી નાંખી હતી.

હેતલની ગાડી લોક થયેલી હાલતમાં મળી આવી હતી

15 ઓગસ્ટના દિવસે બપોરે દોઢેક વાગ્યાના અરસામાં ફરિયાદી વશરામભાઈના પત્ની જમનાબેને પુત્રી હેતલ અને જમાઈ કીર્તિ સાથે મોબાઈલમાં વાત કરી હતી અને જણાવ્યું કે હેતલ અને કીર્તિ તથા નાગાભાઈ આગઠ તેમજ ગાર્ડ એલ.ડી.ઓડેદરા બરડામાં ભઠ્ઠી પર દરોડો પાડવા ગયા છે. હેતલ ગાડીમાં નીચે બેઠી છે. પિતાને આશ્ચર્ય થયું કે રજાના દિવસમાં કેમ ગયા. આથી ફરીથી ફોનમાં પૂછતા હેતલ એવું કહ્યું હતું કે એલ.ડી. ઓડેદરાને દારૂની ભઠ્ઠીની હકીકત મળતા અમે બધા ભઠ્ઠી ભાંગવા સાથે આવ્યા છીએ. બાદમાં સાંજે ફોન પર આ લોકોનો સંપર્ક ન થતા સબંધીને જાણ કરી ફોરેસ્ટ વિભાગને જાણ કરતા તપાસ હાથ ધરી હતી અને ગોઢાણા બીટ વિસ્તારમાં હેતલની ગાડી લોક થયેલી હાલતમાં મળી હતી.

પોરબંદરના એસપીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી
(પોરબંદરના એસપીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી)

 

ફોરેસ્ટ અધિકારીએ શકદાર ગાર્ડ ઓડેદરાની પૂછપરછ કરી હતી

ત્રણેય વ્યક્તિઓ બરડા ડુંગરમાં ગુમ થયા ત્યારે તેની શોધખોળ વખતે હેતલના પિતાએ ફોરેસ્ટ અધિકારીને પૂછ્યું હતું કે એલ. ડી.ઓડેદરા કોણ છે. એ પણ ભઠ્ઠી ભાંગવા સાથે હતો. જેથી અન્ય કર્મીને બોલાવી ઓડેદરાને બોલાવ્યો હતો અને પૂછતા ઓડેદરાએ એવું કહ્યું હતું કે હું તો નાગાભાઈને રોડની સામે છેડે ઉતારી ચાલ્યો ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here