અયોધ્યા : રામમંદિરના પાયા મિરજાપુરના ગુલાબી પથ્થરથી બનશે, ત્રણ લાખ ઘનફૂટ પથ્થર જોઈશે

0
10

અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરના નિર્માણમાં સતત નવા પ્રયોગ થઇ રહ્યા છે. ભવ્ય રામમંદિરમાં હવે ઉત્તરપ્રદેશના મિરજાપુરના પથ્થરો પણ ઉપયોગમાં લેવાશે. આ પથ્થરો મંદિરનો પાયો તૈયાર કરવામાં વપરાશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે મંદિર પરિસર વિકસાવવા અંગે દેશભરના ધર્માચાર્યો અને આર્કિટેક્ટ્સ પાસેથી સૂચનો માગ્યાં છે.

ટ્રસ્ટે કહ્યું છે કે સૂચનો સ્વીકારવાનો પૂરો અધિકાર તેનો રહેશે. ટ્રસ્ટ રચાયા બાદ પહેલીવાર વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય માર્ગદર્શક મંડળના સંતો સાથે પણ ચર્ચા કરાશે. તે માટે 10-11 નવેમ્બરે દિલ્હીમાં કેન્દ્રીય માર્ગદર્શક મંડળની બેઠક બોલાવાઇ છે. તેમાં મંદિરનિર્માણની ભાવિ યોજનાઓ અંગે વિમર્શ સાથે શ્રીરામ જન્મભૂમિ પરિસરના સ્વરૂપ અંગે ચર્ચા કરાશે.

નોંધનીય છે કે આંદોલન દરમિયાન સંતોનું માર્ગદર્શક મંડળ કેન્દ્રીય ભૂમિકામાં હતું પણ ટ્રસ્ટ બન્યા બાદ આ બેઠક એકેય વખત નથી થઇ જ્યારે ટ્રસ્ટે મંદિરનું સ્વરૂપ નક્કી કરવા સાથે નક્શા પણ પાસ કરાવી રાખ્યા છે. સૂત્રોનું કહેવું છે કે પરિસરનો લેઆઉટ તૈયાર છે. ટ્રસ્ટના સભ્ય ડૉ. અનિલ મિશ્રએ કહ્યું કે કોઇ મહત્ત્વપૂર્ણ સૂચન આવે કે પરિસરમાં કોઇ સ્થળનું નામકરણ બહેતર લાગે તો અમે ફેરફાર કરીશું.

રાજસ્થાનના બંશીપહાડપુર જેવા હોય છે મિરજાપુરના પથ્થર

ડૉ. અનિલ મિશ્રએ કહ્યું કે તાજેતરમાં ટ્રસ્ટની 3 દિવસની બેઠક મળી હતી, જેમાં મંદિરના પાયામાં મિરજાપુરના પથ્થર વાપરવાનો નિર્ણય લેવાયો. પાયા માટે જે પ્રકારના પથ્થરોની જરૂર છે તે મિરજાપુરની ખાણોમાં છે. ત્રણ ખાણના માલિકો સાથે વાત કરાઇ છે. મિરજાપુરના પથ્થર પણ રાજસ્થાનના બંશીપહાડપુરના પથ્થરો જેવા ગુલાબી હોય છે પણ બંને પથ્થરોની ગુણવત્તામાં ફરક છે. ખાણમાલિકોનાં સૂત્રોના જણાવ્યાનુસાર ટ્રસ્ટને 4 ફૂટ લાંબા, 2 ફૂટ પહોળા અને 2 ફૂટ ઊંચા પથ્થરોની જરૂર છે. અંદાજે 3 લાખ ઘન ફૂટ પથ્થરો વપરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here