મહેસાણા : વાહનચોર ટોળકી સક્રિય બની : એક જ રાતમાં 5 બાઇકો ચોરાયાં

0
5

મહેસાણા શહેરમાં વાહનચોર ટોળકી સક્રિય બની હોય તેમ ગાંધીનગર લીંક રોડ પર આવેલ શ્રીજીકૃપા, સાંઇ ડુપ્લેક્ષ અને પંડિત દિનદયાળ નગર ફ્લેટમાં પાર્ક કરેલા 3 બાઇક તેમજ રામોસણાની પ્રાથમિક શાળાની બાજુમાં મૂકેલા બે બાઇક ચોરી થતાં શહેર અને તાલુકા પોલીસે વાહન ચોરી અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મહેસાણાના ગાંધીનગર લીંક રોડ પર લાટીવાલા પાર્ટી પ્લોટની સામે આવેલા શ્રીજીકૃપા ફ્લેટમાં રહેતા જીગરભાઇ ભાનુપ્રસાદ બારોટનું બાઇક (જીજે 02બીજી 7283) સોસાયટીમાંથી કોઇ ચોરી ગયું હતું. આ જ વિસ્તારમાં સાંઇડુપ્લેક્ષ સોસાયટી અને પંડિત દિનદયાળ નગર ફ્લેટ નીચેથી પણ બાઇકની ચોરી થઇ હતી. જે અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

જ્યારે રામોણસાનગર વિસ્તારમાં પ્રાથમિક શાળાની બાજુમાં માધવનગરમાં રહેતા નરોતમ જીવણલાલ પ્રજાપતિનું અને મહેન્દ્ર જીવણલાલ પ્રજાપતિનું બાઇક કોઇ ચોરી ગયું હતું. જે અંગે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.