ખુશખબર : IPL-14ના ફેઝ-2નો શુભારંભ 19 સપ્ટેમ્બરના રોજ થશે અને ફાઈનલ મેચ 15 ઓક્ટોબરના રોજ યોજાશે

0
8

IPLની 14મી સીઝન ફરી ક્યારે શરૂ થશે? આ પ્રશ્ન ભારત સહિત વિદેશી દર્શકોમાં પણ ઘર કરી ગયો છે. કોરોના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા BCCIએ 29 મેના રોજ SGM પછી નિર્ણય લીધો હતો કે IPLની અન્ય મેચ UAEમાં યોજાશે. જોકે, એ સમયે તારીખોની જાહેરાત નહોતી કરવામાં આવી, જેની જાહેરાત હવે કરાઈ છે.

ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યુ પ્રમાણે, IPL-14ના ફેઝ-2નો શુભારંભ 19 સપ્ટેમ્બરના રોજ થશે અને ફાઈનલ મેચ 15 ઓક્ટોબરના રોજ યોજાશે. આ દિવસે દેશમાં દશેરાના તહેવારની ઉજવણી કરાઈ રહી હશે. BCCIના એક અધિકારીએ ANIને જણાવ્યું હતું કે ભારતીય ક્રિકેટ બોર્ડ અને અમીરાત ક્રિકેટ બોર્ડ વચ્ચે યોજાયેલી દરેક બેઠકો સારી રહી હતી અને ભારતીય બોર્ડને વિશ્વાસ છે કે IPL-14ના ફેઝ-2ની તમામ મેચ દુબઈ, શારજાહ અને અબુ ધાબીમાં સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવશે.

અધિકારીએ કહ્યું હતું કે આ ચર્ચા સારી રહી હતી અને અમીરાત ક્રિકેટ બોર્ડે BCCIની SGM પહેલા IPLને હોસ્ટ કરવાની મૌખિક મંજૂરી આપી હતી. IPL 19 સપ્ટેમ્બરથી ફરીથી શરૂ થશે. ફાઈનલ 15 ઓક્ટોબરના રોજ યોજાશે. BCCI પહેલાથી બાકી રહેલી મેચોને પૂર્ણ કરવા માટે 25 દિવસનો સમય માગી રહી હતી.

શું IPL-14ની બાકીની મેચમાં વિદેશી ખેલાડીઓ હાજર રહેશે?
આ અંગે BCCI અધિકારીઓ અન્ય દેશના ક્રિકેટ બોર્ડ સાથે વાતચીત કરી રહી છે, જેના પરિણામે અમને લાગી રહ્યું છે કે ફેઝ-2માં રમવા માટે પણ વિદેશી બોર્ડ તરફથી સકારાત્મક પરિણામો જોવા મળશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે મોટાભાગના વિદેશી ખેલાડીઓ આ ફેઝમાં ભાગ લઈ શકે છે.

આની પહેલા 29 મેના રોજ BCCI તરફથી પ્રકાશિત કરવામાં આવેલી પ્રેસ રિલિઝમાં કહ્યું હતું કે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ભારતમાં ચોમાસાની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા IPLની અન્ય મેચો UAEમાં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય સ્પેશિયલ જનરલ મીટિંગમાં(SGM) લેવાયો હતો. આ બેઠકમાં તમામ સભ્યોએ IPLના ફેઝ-2ના આયોજન અંગે હામી ભરી હતી.

4મેના રોજ IPL સ્થગિત કરાઈ હતી
કોરોના મહામારીના કોપને કારણે IPL-14ને 4મેના રોજ અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરવામાં આવી હતી. 2મે સુધી આ ફેઝમાં 29 મેચ યોજાઈ હતી. IPL-14ના પ્રથમ ફેઝમાં દિલ્હી કેપિટલ્સની ટીમ 8 મેચમાં 6 જીત સાથે પ્રથમ સ્થાન પર છે. જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ 5 મેચમાં જીત પ્રાપ્ત કરીને બીજા નંબર પર યથાવત છે. વિરાટ કોહલીની કેપ્ટનશિપ અંતર્ગત RCBએ 5 મેચમાં જીત પ્રાપ્ત કરીને ત્રીજા સ્થાન પર યથાવત છે.

8-10 ડબલ હેડર યોજાઈ શકે છે
IPLની બાકી 31 મેચોનું આયોજન UAEનાં ત્રણ શહેરો અબુધાબી, દુબઈ અને શારજાહમાં થશે. તેવામાં 8-10 ડબલ હેડર યોજાઈ શકે છે. જો છેલ્લા માળખાને જોઈએ તો હવે ફક્ત 6 ડબલ હેડર મેચ બાકી રહી છે.

IPL-13ને પણ UAE હોસ્ટ કરી ચૂક્યું છે
ગત વર્ષે UAEએ IPL-13ની સીઝનને સફળતાપૂર્વક હોસ્ટ કરી હતી. UAEમાં ત્રણ મુખ્ય સ્ટેડિયમ છે. શેખ ઝાયદ ક્રિકેટ સ્ટેડિયમ (અબુ ધાબી), દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ અને શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ. આ ત્રણ સ્ટેડિયમ એકબીજાથી નજીવા અંતરે સ્થિત છે. તેવામાં યાત્રા કરવાનો સમય પણ બચી શકે છે અને બાયો-બબલ પણ સરળતાથી તૈયાર કરી શકાય છે.

ઈંગ્લેન્ડથી UAE પહોંચશે ભારતીય ખેલાડીઓ
ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસ પર છે. જ્યાં તે વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં WTCની ફાઈનલ મેચ સાઉથહેમ્પટનમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 18 જૂનના રોજ રમશે. ત્યારપછી ભારતીય ટીમ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 5 ટેસ્ટ મેચની શ્રેણી પણ રમશે. ભારતીય ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસ 14 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થશે. આ પ્રવાસ પૂરો કર્યો પછી ભારતીય ટીમ ઈંગ્લેન્ડથી UAE જશે.

15 સપ્ટેમ્બરના રોજ ટીમ ઈન્ડિયા UAE પહોંચી શકે છે અને ત્રણ દિવસ ક્વોરન્ટીન ટાઈમ સ્પેન્ડ કરશે અને 19મી સપ્ટેમ્બરથી IPL ફેઝ-2માં ભાગ લેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here