સુકન્યા સમૃદ્ધિ યોજનામાં સરકારે કર્યો બદલાવ, આ રીતે મળશે 73 લાખ રૂપિયા

0
25

કેન્દ્ર સરકારે સુકન્યા સમૃદ્ધ યોજના (SSY)ને લઈને 12 ડિસેમ્બર 2019ના રોજ એક નવી સૂચના જાહેર કરી છે. આ યોજના હેઠળ કોઈપણ વ્યક્તિ 10 વર્ષથી નાની બાળકી માટે SSY અકાઉન્ટ ખોલાવી શકે છે. આ અકાઉન્ટ કોઈપણ એક ખાતાધારકના નામે ખોલાવી શકાય છે.

  • કેન્દ્ર સરકારે સુકન્યા સમૃદ્ધ યોજનામાં કર્યો ફેરફાર
  • 10 વર્ષથી નાની બાળકી માટે ખોલાવી શકાશે અકાઉન્ટ
  • બાળકી 18 વર્ષની થાય પછી આ અકાઉન્ટ પોતે ચલાવી શકે છે

SSY અકાઉન્ટ ખોલવા માટે બાળકીનું બર્થ સર્ટિફિકેટ અને માતા-પિતાના જરૂરી દસ્તાવેજો આપવા પડશે. કોઈપણ વ્યક્તિ વધુમાં વધુ બે પુત્રીઓ માટે આ અકાઉન્ટ ખોલાવી શકે છે. જોકે, કોઈના ઘરે બે ટ્વિન્સ પુત્રીઓનો જન્મ થયો હોય તો આવા કિસ્સામાં બેથી વધુ અકાઉન્ટ પણ ખોલાવી શકાય છે.

ડિપોઝિટ

નાણાકીય વર્ષ દરમિયાન કોઈપણ એક ખાતામાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. જ્યારે, નાણાકીય વર્ષમાં લઘુતમ રકમ 250 રૂપિયા છે. એનો મતલબ છે કે, તમે નાણાકીય વર્ષમાં કોઈપણ એક અકાઉન્ટમાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા અને ઓછામાં ઓછાં 250 રૂપિયા સુધી રોકાણ કરી શકો છો. જો કોઈ વ્યક્તિ ભૂલથી આ ખાતામાં 1.5 લાખ રૂપિયાથી વધુની રકમ જમા કરાવે છે તો, તે રકમ પર વ્યાજ નહીં મળે. સાથે જ એ રકમને ડિપોઝિટર્સના ખાતામાં પરત મોકલી દેવામાં આવશે. આ ખાતામાં 15 વર્ષ સુધી રોકાણ કરી શકાય છે.

જો નાણાકીય વર્ષ દરમિયાન આ ખાતામાં લઘુતમ રકમ જમા નહીં કરો તો તે 15 વર્ષના સમયગાળા દરમિયાન ગમે ત્યારે રેગ્યુલરાઈઝ કરી શકાય છે. તેના માટે દર વર્ષે પેનલ્ટી તરીકે 50 રૂપિયા આપવા પડશે.

વ્યાજદર

હાલ સરકાર આ અકાઉન્ટ પર 8.40 ટકા વ્યાજ આપી રહી છે. મહિનાની 5મી તારીખથી મહિનાના અંત સુધી જે ઓછામાં ઓછી રકમ હશે તેના આધારે વ્યાજની ગણતરી કરવામાં આવશે. દરેક નાણાકીય વર્ષ પછી ખાતામાં વ્યાજ જમા કરવામાં આવશે. SSY અકાઉન્ટને બાળકીના માતા-પિતા 18 વર્ષની ઉંમર સુધી ચલાવી શકે છે. જ્યારે બાળકીની ઉંમર 18 વર્ષની થઈ જાય ત્યારે જરૂરી દસ્તાવેજો જમા કરાવી બાળકી તે ખાતુ ચલાવી શકે છે.

મેચ્યોરિટી

આ અકાઉન્ટ ખોલવાની તારીખથી લઈને 21 વર્ષ પછી તે મેચ્યોર થઈ જશે. માની લો કે, તમે 1 એપ્રિલ 2020ના રોજ તમારી બાળકનું SSY અકાઉન્ટ ખોલી રહ્યાં છો તો તે 31 માર્ચ 2041ના રોજ મેચ્યોર થઈ જશે. આ ખાતું 21 વર્ષની સમય મર્યાદા પછી જ બંધ કરી શકાય છે. સાથે જ આ અકાઉન્ટ લગ્ન પહેલાં બંધ કરવું પડે છે, જો એવું ન કર્યું તો લગ્નના 3 મહિનાની અંદર અકાઉન્ટ બંધ કરવું પડશે.

મેચ્યોરિટી વખતે કેટલી રકમ મળશે

દરેક નાણાકીય વર્ષમાં 1.5 લાખ રૂપિયા 15 વર્ષ સુધી જમા કરાવવામાં આવે તો જમા કરવામાં આવેલી કુલ રકમ 45,44,820 રૂપિયા હશે. જોકે આ અકાઉન્ટ 21 વર્ષ પૂરા કર્યા બાદ જ મેચ્યોર થશે. અકાઉન્ટમાં જમા રકમ પર વ્યાજ મળતું રહેશે. 21 વર્ષ સુધી આ રકમ પર વ્યાજ જમા થતાં તે લગભગ 73 લાખ રૂપિયા થઈ જશે. તમારે એ વાતનું ધ્યાન રાખવું કે SSY યોજના પર મળતું વ્યાજ સરકાર દર 3 મહિને નક્કી કરે છે. જેથી મેચ્યોરિટી સુધી વ્યાજદરમાં ઘણાં ફેરફાર થાય છે.