ગાંધીનગર: વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ બાદ ગૃહની બહાર કોંગ્રેસે આક્ષેપ કર્યો કે, ભાજપ સરકારે રાહેજા ગ્રૂપને કોબા ખાતે ગૌચરની 158 વીઘા જમીન પાણીના ભાવે પધરાવી દીધી છે. સરકારે 2006માં 1 હજાર કરોડની જમીન 17.70 કરોડમાં આપી દીધી હતી. કોંગ્રેસના નેતા નિરંજન પટેલ, વિરજી ઠુંમર, પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, ગૌચરની જમીન વેચી શકાય નહીં તેવો નામદાર સુપ્રીમ કોર્ટનો ચુકાદો હોવા છતાં ભાજપ સરકારે કંપનીને આઈટી પાર્કનો કોઈ જ અનુભવ ન હોવા છતાં રાહેજા ગ્રૂપને લાખો ચોમી જમીન પાણીના ભાવે પધરાવી દીધી છે.
રાજ્ય સરકાર પગલાં ભરવાને બદલે માલિકોને છાવરી રહી છે
દેશની સુરક્ષા કરતી એજન્સીઓને પ્રતિ ચોમી 7800ના ભાવે જમીન આપનારી ભાજપ સરકારે બુધવારે વિધાનસભામાં સ્વીકાર્યું હતું કે, ગાંધીનગરના કોબા ખાતે સ.નં. 270ની ગૌચરની જમીન મે. એક્વાલાઈન પ્રોપર્ટીઝ પ્રા. લિ. (રાહેજા ગ્રપ)ને આઈટી, આઈટીઈએસ સેઝ પાર્ક બનાવવા માટે ફાળવવામાં આવી છે. રાહેજા ગ્રૂપને આઈટી, આઈટીઈએસ સેઝ પાર્ક બનાવવા માટે ફાળવેલી જમીનમાં આ કંપની દ્વારા હેતુફેર કરી કોમર્શિયલ અને રહેણાકના મકાનો બનાવીને ખુલ્લેઆમ શરતભંગ કરેલ હોવા છતાં રાજ્ય સરકાર તેની સામે પગલાં ભરવાને બદલે માલિકોને છાવરી રહી છે.
ગૌચરની 3,76,581 ચોમી જમીન પ્રતિ ચોમી. રૂ. 470ના પાણીના ભાવે આપી
આ જમીન પર કોમર્શિયલ કે રહેણાંક હેતુ માટે ત્યાં બાંધકામ થયેલું હોય તો આવું બાંધકામ દૂર કરી અને શરતભંગ મુજબ આ જમીન સરકાર પાછી લેવા માંગે છે કે કેમ? તેના ઉત્તરમાં સિનિયર મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કોઈ હેતુફેર કે શરતભંગ થયો ન હોવાનું જણાવીને ગૃહને ગેરમાર્ગે દોરતા ખોટી માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે ગૌચરની કુલ 3,76,581 ચોમી જમીન પ્રતિ ચોમી. રૂ. 470ના પાણીના ભાવે આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું