ગાંધીનગર : સરકારે વીજદરમાં પ્રતિ યુનિટ 16 પૈસાનો ઘટાડો કર્યો, ત્રણ મહિના સુધી ગ્રાહકોને લાભ મળશે

0
4

ગાંધીનગર. રાજ્યમાં વીજ ગ્રાહકોને સસ્તા દરે વીજળી મળી રહે અને વીજ ઉત્પાદન ખર્ચનું ભારણ ગ્રાહકો પર ન પડે એ માટે રાજ્ય સરકારે ફ્યૂઅલ સરચાર્જમાં ઘટાડો કર્યો છે. આ અંગે ઉર્જામંત્રી સૌરભ પટેલે જણવ્યું છેકે, રાજ્ય સરકાર હસ્તકની વીજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યૂઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 16 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેના પરિણામે રાજ્યના અંદાજે 1.30 કરોડથી વધુ ગ્રાહકોને રૂ. 310 કરોડની રાહતોનો લાભ મળશે. આ ફાયદો ત્રિમાસિકગાળા એપ્રિલથી જૂન દરમિયાન મળશે.

ફ્યૂઅલ સરચાર્જ પ્રતિ યુનિટ રૂ 2.06 પૈસા લેખે વસૂલાતો હતો

ઊર્જામંત્રીએ ઉમેર્યું કે વીજ વપરાશ કર્તા ગ્રાહકો પાસેથી વીજ બિલમાં એનર્જી ચાર્જ ઉપરાંત ફ્યૂઅલ સરચાર્જ લેવામાં આવે છે આ ફ્યુઅલ સરચાર્જની વસૂલાત નામદાર ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા નક્કી કરેલ ફોર્મ્યુલાના આધારે વસૂલવામાં આવે છે. પાછલા ત્રિમાસિક ગાળા દરમિયાન એટલેકે જાન્યુઆરીથી માર્ચ 2020 દરમિયાન ફ્યૂઅલ સરચાર્જ પ્રતિ યુનિટ રૂ 2.06 પૈસા લેખે વસૂલાતો હતો તેની સામે એપ્રિલ 2020થી જૂન 2020ના ત્રિમાસિક ગાળા દરમિયાન ફ્યુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ રૂપિયા 1.90ના દરે વસૂલવાનો થાય છે આમ ગત ત્રિમાસિક ગાળા કરતાં આ ત્રિમાસિક ગાળામાં ફ્યુઅલ સરચાર્જ પ્રતિ યુનિટમાં 16 પૈસાનો ઘટાડો થયો છે આ ઘટાડાના કારણે વીજ ગ્રાહકોને રૂપિયા 310 કરોડની રાહત મળશે.